શેરબજારમાં મોટા કડાકાના એંધાણ? નિફ્ટી 19000 સુધી ગગડી શકે છે! બ્રોકરેજ ફર્મની લાલબત્તી | Moneycontrol Gujarati
Get App

શેરબજારમાં મોટા કડાકાના એંધાણ? નિફ્ટી 19000 સુધી ગગડી શકે છે! બ્રોકરેજ ફર્મની લાલબત્તી

Stock Market News: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે ભારતીય શેરબજાર પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. બ્રોકરેજ ફર્મ બર્નસ્ટીનનું માનવું છે કે જો ક્રૂડ ઓઈલના ભાવ વધશે તો નિફ્ટી 19,000 સુધી નીચે જઈ શકે છે. જાણો આ રિપોર્ટમાં રોકાણકારો માટે શું ખાસ સલાહ આપવામાં આવી છે.

અપડેટેડ 01:47:43 PM Mar 26, 2026 પર
Story continues below Advertisement
Stock Market News: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે ભારતીય શેરબજાર પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે.

Stock Market News: ભારતીય શેરબજારમાં અત્યારે ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. પશ્ચિમ એશિયા (West Asia)માં ચાલી રહેલા સંઘર્ષની સીધી અસર હવે બજાર પર દેખાવા લાગી છે. જાણીતી ઇન્ટરનેશનલ બ્રોકરેજ ફર્મ ‘બર્નસ્ટીન' (Bernstein)ના એક રિપોર્ટ મુજબ, જો આ યુદ્ધ લાંબુ ચાલ્યું તો શેરબજારમાં મોટો કડાકો બોલી શકે છે. નિફ્ટી જે અત્યારે ઊંચા સ્તરે છે, તે ગગડીને 19,000 સુધી પહોંચી શકે છે. આ રિપોર્ટમાં ક્રૂડ ઓઈલ એટલે કે કાચા તેલના વધતા ભાવને સૌથી મોટી ચિંતા ગણાવવામાં આવી છે.

ચાલો વિગતે સમજીએ કે આ રિપોર્ટમાં શેરબજાર અને અર્થતંત્રને લઈને કઈ મોટી ચેતવણીઓ આપવામાં આવી છે.

ક્રૂડ ઓઈલનો ઉભરો સૌથી મોટું જોખમ

બજાર માટે અત્યારે સૌથી મોટો ડર કાચા તેલની કિંમતો છે. બ્રોકરેજ ફર્મનું માનવું છે કે બજારની આગળની ચાલ હવે જિયો-પોલિટિકલ ટેન્શન (ભૂ-રાજકીય તણાવ) અને તેના કારણે ક્રૂડના ભાવ ક્યાં સુધી વધેલા રહે છે, તેના પર નિર્ભર રહેશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેલ અને ગેસના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને થયેલું નુકસાન માત્ર હોર્મુઝની સામુદ્રધુની પૂરતું સીમિત નથી. આ પ્લાન્ટ્સને ફરીથી શરૂ કરવામાં અને રિપેર કરવામાં ઘણો સમય લાગી શકે છે, જેના કારણે એનર્જી સપ્લાય લાંબા સમય સુધી ખોરવાયેલી રહી શકે છે.

નિફ્ટીનો ટાર્ગેટ ઘટાડ્યો: મોંઘવારી અને વ્યાજદરની ચિંતા


વધતી મોંઘવારી અને વ્યાજદરમાં ઘટાડો થવામાં થઈ રહેલા વિલંબને ધ્યાનમાં રાખીને, બર્નસ્ટીને કેલેન્ડર વર્ષ 2026 માટે નિફ્ટી 50 નો ટાર્ગેટ ઘટાડીને 26,000 કરી દીધો છે.

બ્રોકરેજના મતે નીચે મુજબની શક્યતાઓ રહેલી છે. આ ઉનાળામાં મોંઘવારીનો દર 6%ને પાર કરી શકે છે. વ્યાજદરમાં ઘટાડો (Rate Cut) ઓછામાં ઓછા બે ક્વાર્ટર એટલે કે છ મહિના સુધી પાછળ ઠેલાઈ શકે છે. GDP ગ્રોથમાં પણ નરમાઈ જોવા મળી શકે છે.

બજારમાં 19,000 સુધીના કડાકાની ભીતિ

બર્નસ્ટીને એક 'બેર-કેસ' (મંદીનો) સિનારિયો પણ રજૂ કર્યો છે, જે રોકાણકારો માટે ચિંતાજનક છે. જો પશ્ચિમ એશિયામાં યુદ્ધ લાંબુ ચાલે છે અને ક્રૂડ ઓઈલના ભાવ સતત ઊંચા રહે છે, તો નિફ્ટીમાં મોટી ગિરાવટ આવી શકે છે. આવા સંજોગોમાં નિફ્ટી 20,000ની નીચે સરકી શકે છે અને 19,000ના સ્તરને પણ સ્પર્શી શકે છે. આ સાથે જ માર્કેટમાં લિક્વિડિટીની અછત અને વેલ્યુએશન પર દબાણ પણ જોવા મળી શકે છે. નોંધનીય છે કે, રિપોર્ટ મુજબ આ વર્ષે નિફ્ટીમાં અત્યાર સુધીમાં લગભગ 12% જેટલો ઘટાડો નોંધાયો છે.

આ માત્ર સેન્ટિમેન્ટનો ઘટાડો નથી

ઘણા લોકોને એવું લાગે છે કે યુદ્ધના ડરને કારણે બજાર તૂટી રહ્યું છે અને યુદ્ધ પતશે એટલે બધું સારું થઈ જશે. પરંતુ બ્રોકરેજનું કહેવું છે કે આ ઘટાડાને માત્ર ‘સેન્ટિમેન્ટ'ના આધારે ન જોવો જોઈએ. કંપનીઓની કમાણી (Earnings) અને મેક્રો-ઇકોનોમિક સ્થિતિ પર તેની ગંભીર અસર પડી રહી છે. યુદ્ધ ક્યારે પૂરું થશે તે કોઈ જાણતું નથી, તેથી અત્યારે બજાર ન્યુટ્રલ ઝોનમાં છે.

રૂપિયા પર દબાણ અને 2026નો અંદાજ

બર્નસ્ટીને પોતાનું વલણ ‘ન્યુટ્રલ' રાખ્યું છે. તેમનું માનવું છે કે આ વર્ષે રૂપિયા પર અલગ-અલગ સમયે દબાણ જોવા મળશે. વિદેશી રોકાણકારો (FIIs) દ્વારા પૈસા પાછા ખેંચવા અને નબળો રૂપિયો બજારના ઉતાર-ચઢાવને વધારી શકે છે. બ્રોકરેજનું અનુમાન છે કે 2026માં એકંદરે બજાર સપાટ (Flat) અથવા થોડું નેગેટિવ રહી શકે છે.

રોકાણકારોએ શું કરવું?

આવા અનિશ્ચિત માહોલમાં બ્રોકરેજે રોકાણકારોને સાવચેત રહેવાની સલાહ આપી છે:

વેઈટ એન્ડ વોચ: અત્યારે કોઈ પણ ઉતાવળિયો નિર્ણય લેવાને બદલે સ્થિતિ સ્પષ્ટ થાય તેની રાહ જોવી સૌથી સારી રણનીતિ છે.

સ્મોલ અને મિડકેપથી દૂર રહો: જ્યાં સુધી પશ્ચિમ એશિયાની સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી નાના અને મધ્યમ કદના શેરો (Small & Midcap Stocks) થી દૂર રહેવું હિતાવહ છે.

કાચા તેલના વધતા ભાવ રિઝર્વ બેંકના ‘કમ્ફર્ટ ઝોન' થી મોંઘવારીને ઉપર લઈ જઈ શકે છે, જેની સીધી અસર વ્યાજદરો અને કોર્પોરેટ જગતની કમાણી પર પડશે. ટૂંકમાં, આગામી સમય બજાર માટે કસોટીનો છે અને રોકાણકારોએ ફૂંકી-ફૂંકીને ડગલાં ભરવાની જરૂર છે.

આ પણ વાંચો- Hot Stock: આ સ્મોલકેપ હેલ્થકેર શેર આપી શકે છે 39% રિટર્ન, Ventura એ કહ્યું - ખરીદી લો, ભાવ જશે 284ને પાર

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 26, 2026 1:47 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.