BUDGET 2023: 2024ની લોકસભા ચૂંટણી પહેલા ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) ખરીદવા માટે કેન્દ્રીય બજેટમાં કેન્દ્રીય કાયદા મંત્રાલયને આશરે રૂ. 1,900 કરોડ ફાળવવામાં આવ્યા છે. બજેટ ડોક્યુમેન્ટ્સ અનુસાર ચૂંટણી પંચે EVMની ખરીદી માટે કાયદા મંત્રાલયને 1,891.78 કરોડ રૂપિયા ફાળવ્યા છે. જણાવી દઈએ કે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ સંસદમાં નાણાકીય વર્ષ 2023-24 માટે બજેટ રજૂ કર્યું હતું. નાણામંત્રીએ 2023-24નું બજેટ રજૂ કરતી વખતે ઘણી મોટી જાહેરાતો કરી હતી. બજેટમાં નાણામંત્રીએ મહિલાઓ, ખેડૂતો, ગરીબો અને કરદાતાઓ માટે મોટી જાહેરાતો કરી છે.
બજેટ ડોક્યુમેન્ટ્સ અનુસાર, "બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ અને વોટર વેરિફાઈબલ પેપર ઓડિટ ટ્રાયલ યુનિટ (પેપરટ્રેલ મશીન) અને ઈવીએમ પર આનુષંગિક ખર્ચ અને અપ્રચલિત ઈવીએમના વિનાશ માટે ચૂંટણી પંચને ભંડોળ પૂરું પાડવાની જોગવાઈ કરવામાં આવી છે." એક EVM એક કંટ્રોલ યુનિટ અને ઓછામાં ઓછું એક બેલેટ યુનિટનું બનેલું હોય છે.
કેન્દ્રીય કેબિનેટે ગયા મહિને આ વર્ષે થનારી નવ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ અને 2024ની લોકસભાની ચૂંટણીઓ પહેલા ચૂંટણી પંચ માટે વધારાના ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM) ખરીદવા માટેના ભંડોળ માટેની કાયદા મંત્રાલયની દરખાસ્તને મંજૂરી આપી હતી.
ત્યારે સૂત્રોએ જણાવ્યું હતું કે ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ પાસેથી સમાન પ્રકારની વધુ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (જે હાલમાં ઉપયોગમાં છે) ખરીદવામાં આવશે. આ બે PSUs છે જે તેમની શરૂઆતથી EVMનું પ્રોડક્શન કરે છે.
2004થી અત્યાર સુધી ચાર લોકસભા અને 139 વિધાનસભા ચૂંટણીઓમાં ઈવીએમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કાયદા મંત્રાલયમાં લેજિસ્લેટિવ ડિપાર્ટમેન્ટ ઇવીએમ, ચૂંટણી કાયદા અને સંબંધિત નિયમો સહિત ચૂંટણી પંચને લગતા મુદ્દાઓ સાથે કામ કરવા માટે નોડલ એજન્સી છે.