Budget 2027: LTCG અને STTમાં ઘટાડાના સંકેત, F&O ટ્રેડર્સ પર વધી શકે ટેક્સનો બોજ
આગામી બજેટ પહેલાં સરકાર શેરબજારના ટેક્સ માળખામાં ફેરફાર કરવા પ્રસ્તાવોની સમીક્ષા કરી રહી છે. તેમાં STTમાં 50 ટકા સુધીનો ઘટાડો અને LTCG ટેક્સ ઘટાડવાની સાથે F&O ટ્રેડિંગ પર ટેક્સ વધારવાનો વિકલ્પ સામેલ છે. FY26માં ઇક્વિટી ડેરિવેટિવ્સમાં ટ્રેડિંગ કરનારા લગભગ 88 ટકા વ્યક્તિગત ટ્રેડર્સને કુલ ₹91,700 કરોડનું નુકસાન થયું હતું.
LTCG અને STTમાં ઘટાડાની શક્યતા, પરંતુ F&O ટ્રેડિંગ પર વધી શકે ટેક્સનો બોજ; બજેટ પહેલાં સરકાર કરી રહી છે પ્રસ્તાવોની સમીક્ષા.
Budget 2027: ભારતીય શેરબજારમાં સટ્ટાકીય ટ્રેડિંગ પર અંકુશ મૂકવા અને ઇક્વિટી માર્કેટમાં લાંબા ગાળાના રોકાણને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર ટેક્સના નિયમોમાં મોટા ફેરફાર કરવા પર વિચાર કરી રહી છે. આ મામલાથી વાકેફ સૂત્રોના જણાવ્યા અનુસાર, નાણા મંત્રાલયના મહેસૂલ વિભાગના અધિકારીઓ રોકાણકારો અને અર્થશાસ્ત્રીઓ દ્વારા આપવામાં આવેલા પ્રસ્તાવોની સમીક્ષા કરી રહ્યા છે. આ પ્રસ્તાવોમાં સ્ટોક ડેરિવેટિવ્સ (F&O) પર ટેક્સ વધારવા અને કેશ માર્કેટમાં શેરોની ખરીદી-વેચાણ પર લાગતા ચાર્જ ઘટાડવાની ભલામણ કરવામાં આવી છે.
આ પ્રસ્તાવોની ટૂંકી યાદી અંતિમ વિચારણા માટે ફેબ્રુઆરીમાં રજૂ થનારા બજેટ પહેલાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સમક્ષ રજૂ કરવામાં આવશે. જાણકારોના મતે, આ પ્રસ્તાવોમાં શેરોની ખરીદી અને વેચાણ પર લાગતા સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT)માં 50 ટકા સુધીનો ઘટાડો કરવાનો વિકલ્પ પણ સામેલ છે. નોંધનીય છે કે STT એક ટર્નઓવર ટેક્સ છે, જે નફો થયો હોય કે નુકસાન, દરેક પાત્ર ટ્રાન્ઝેક્શનની કુલ કિંમત પર ચૂકવવો પડે છે.
ડેરિવેટિવ્સ અને કેશ માર્કેટ વચ્ચેનું અસંતુલન દૂર કરવાનો પ્રયાસ
આ સંભવિત પગલાંનો મુખ્ય હેતુ ભારતીય શેરબજારના ટેક્સ માળખામાં લાંબા સમયથી રહેલા અસંતુલનને દૂર કરવાનો છે. અત્યાર સુધી ડેરિવેટિવ્સ પર ઓછો ટેક્સ હોવાને કારણે ઓપ્શન્સમાં જોખમી સોદા કરવાની પ્રવૃત્તિ વધી છે, જ્યારે કેશ માર્કેટમાં ટ્રેડિંગની ગતિ પ્રમાણમાં ધીમી રહી છે.
આંકડા અનુસાર, ભારતમાં ઇક્વિટી ડેરિવેટિવ્સનું ટર્નઓવર કેશ માર્કેટની સરખામણીએ 227 ગણું વધારે છે. તેની સામે અમેરિકામાં આ પ્રમાણ માત્ર 4 ગણું અને જર્મનીમાં 29 ગણું છે.
રિટેલ ટ્રેડર્સને ₹91,700 કરોડનું નુકસાન
ઓપ્શન્સ ટ્રેડિંગમાં આવેલા ઉછાળાનું મુખ્ય કારણ વ્યક્તિગત રોકાણકારોની વધતી ભાગીદારી છે. ઓછા પ્રારંભિક રોકાણથી મોટા સોદા કરવાની લાલચમાં ઘણા રિટેલ રોકાણકારો આ સેગમેન્ટમાં પ્રવેશી રહ્યા છે. જોકે, તેના કારણે મોટી સંખ્યામાં રોકાણકારોને ભારે નુકસાન થયું છે.
SEBIના આંકડા અનુસાર, માર્ચ 2026માં પૂરા થયેલા નાણાકીય વર્ષ દરમિયાન ઇક્વિટી ડેરિવેટિવ્સમાં ટ્રેડિંગ કરનારા લગભગ 88 ટકા વ્યક્તિગત ટ્રેડર્સને નુકસાન થયું હતું. તેમનું કુલ ચોખ્ખું નુકસાન આશરે ₹91,700 કરોડ રહ્યું હતું. આ નુકસાનમાંથી 92 ટકા હિસ્સો માત્ર ઓપ્શન્સ ટ્રેડિંગને કારણે થયો હતો.
LTCG ટેક્સ ઘટાડવાના પ્રસ્તાવ પર પણ વિચારણા
સૂત્રોના જણાવ્યા અનુસાર, અધિકારીઓ સિક્યોરિટીઝ પર લાગતા લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ (LTCG) ટેક્સમાં ઘટાડો કરવાના પ્રસ્તાવની પણ સમીક્ષા કરી રહ્યા છે. હાલના નિયમો મુજબ, એક વર્ષથી વધુ સમય સુધી હોલ્ડ કરેલા લિસ્ટેડ ઇક્વિટી શેરમાંથી થયેલા લાંબા ગાળાના નફા પર 12.5 ટકા ટેક્સ લાગે છે. જ્યારે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ પર 20 ટકા ટેક્સ વસૂલવામાં આવે છે.
ગયા મહિને નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ કહ્યું હતું કે તેઓ શેરબજારના ટેક્સેશનને લઈને રોકાણકારોની ચિંતાઓ પર વિચાર કરશે. જોકે, તેમણે કોઈ ફેરફાર કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી નહોતી.
આ ચર્ચા એવા સમયે થઈ રહી છે જ્યારે ભારતીય શેરબજાર 11 વર્ષમાં પ્રથમ વખત વાર્ષિક ઘટાડા તરફ આગળ વધી રહ્યું છે. જોકે, વૈશ્વિક સ્તરે ચિપ શેરોમાં વેચવાલી બાદ રોકાણકારો અન્ય બજારો તરફ વળતાં તાજેતરના અઠવાડિયાંમાં બજારમાં થોડી રિકવરી જોવા મળી છે. તેમ છતાં ઘટાડાનું જોખમ યથાવત છે.
CBDT ચેરમેને પણ સમીક્ષાના આપ્યા સંકેત
સરકારે છેલ્લા બે વર્ષમાં સટ્ટાકીય ટ્રેડિંગને રોકવા માટે અનેક કડક પગલાં લીધાં છે. ફેબ્રુઆરી 2026ના બજેટમાં સરકારે ઇક્વિટી ફ્યુચર્સ પર STT 0.02 ટકાથી વધારીને 0.05 ટકા કર્યો હતો. જ્યારે ઓપ્શન્સ પ્રીમિયમ અને ઓપ્શન્સના એક્સરસાઇઝ પરનો ટેક્સ વધારીને 0.15 ટકા કરવામાં આવ્યો હતો.
સોમવારે સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)ના ચેરમેન રવિ અગ્રવાલે પણ LTCG ટેક્સ અને STTમાં ફેરફાર અંગે હિતધારકો તરફથી મળેલા પ્રસ્તાવોની સમીક્ષા થઈ રહી હોવાની પુષ્ટિ કરી હતી. નવી દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે આ મુદ્દે વિશ્લેષણ ચાલી રહ્યું છે અને હિતધારકોએ ઉઠાવેલા તમામ મુદ્દાઓ તથા સૂચનોની તપાસ કરવામાં આવી રહી છે.