ગુજરાત બજેટ 2025: સતત ચોથીવાર બજેટ રજૂ કરશે નાણામંત્રી કનુભાઈ દેસાઈ, પોણા 4 લાખ કરોડનું કદ હોવાનો અંદાજ
આજે રાજ્યનું 2025-26નું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, ત્યારે નાણામંત્રી કનુ દેસાઈ સતત ચોથી વખત રાજ્યનું બજેટ રજૂ કરશે. આ બજેટમાં લગભગ 11 ટકાનો વધારો થાય તેવી સંભાવના સાથે સત્ર દરમિયાન કેટલીક નવી જાહેરાતની શક્યતા જોવા મળી રહી છે.
Gujarat Budget 2025: ગુજરાત રાજ્યનું આજે નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે.
Gujarat Budget 2025: ગુજરાત રાજ્યનું આજે નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ સતત ચોથીવાર બજેટ રજૂ કરશે. ત્યારે લગભગ 11 ટકાના વધારા સાથે પોણા 4 લાખ કરોડનું બજેટ રહેવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે. બજેટ સત્ર દરમિયાન નવી 9 મનપા માટે વિશેષ જાહેરાતની શક્યતા દેખાઇ રહી છે. જેમાં નવા જંત્રી દર લાગુ કરવા અંગે બજેટ સત્રમાં જાહેરાત થઈ શકે છે. ત્યારે વધુમાં મળતી માહિતી મુજબ ઓલિમ્પિક 2036ની તૈયારીના સંદર્ભમાં મહત્વની જાહેરાતની સત્રમાં સંભાવના દેખાઇ રહી છે.
2024-25માં કેટલું હતું બજેટ?
નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2024-25 માટે ગુજરાત સરકારનું ત્રણ લાખ 32 હજાર 465 કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું હતું. જેમાં મહિલાઓ, કિશોરીઓ, બાળકો, કુપોષણ, શિક્ષણ જેવાં અનેક સેક્ટર્સ માટે જાહેરાતો કરવામાં આવી હતી.
નવી કોર્પોરેશનને લઇ થઈ શકે છે મહત્વની જાહેરાત
ગુજરાતમાં થોડા દિવસે પહેલા જ નવી 9 કોર્પોરેશન અને એક જિલ્લાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે તેને લઈ મહત્વની જાહેરાત થઈ શકે છે. અમદાવાદમાં ઓલિમ્પિક-2036ની દાવેદારી માટે તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ દાવેદારની મજબૂત કરવા માટે પણ મહત્વની જાહેરાત સંભવ છે. બજેટસત્ર દરમિયાન જ નવા જંત્રી દર લાગુ થવાની શક્યતા છે ત્યારે જંત્રીને લઈ પણ બજેટમાં મહત્વની જાહેરાત થઈ શકે છે.
જાણો કોણ તૈયાર કરે છે બજેટ
ગાંધીનગર સચિવાલય ખાતે નાણાં વિભાગમાં બજેટ શાખા અલગ વિભાગ છે. આ વિભાગમાં ઉપસચિવ અને અધિકારીઓ હોય છે. જેઓ બજેટની કામગીરી કરે છે. તેમજ બજેટ બનાવવું, બજેટને ફાઈનલ ઓપ આપવો તેમજ તેનાં અમલ માટે અલગ અલગ વિભાગો પાસેથી તેઓ માહિતી એકત્રિત કરે છે.
બજેટ રજૂ થતા પહેલા શું થાય છે?
બજેટ રજૂ કરવાનાં ત્રણ મહિના પહેલા મિટિંગ યોજવામાં આવે છે. આ મીટિંગમાં નાણાંમંત્રી તેમજ ગુજરાત સરકારનાં મંત્રીઓ, સચિવ, નાયબ સચિવ, ઉપસચિવ અને અધિકારીઓ સાથે બેઠકો યોજવામાં આવે છે. આ બેઠકમાં જે તે વિભાગને કેટલું બજેટ ફાળવવું તેની ચર્ચાઓ કરવામાં આવે છે. જે બાદ બજેટને આખરી ઓપ આપવા માટે મુખ્યમંત્રી સાથે મિટિંગનો દોર શરૂ થાય છે. આ મિટિંગમાં નાણાંમંત્રીની હાજરીમાં બજેટને ફાઈનલ ઓપ આપવામાં આવે છે. તેમજ દરેક વિભાગને ફાળવવામાં આવતી રકમનું ખાનું ખાલી રાખવામાં આવે છે.