પશ્ચિમ બંગાળ માટે અદાણી ગ્રુપનો 'માસ્ટરપ્લાન', 2035 સુધીમાં 1 લાખ કરોડના રોકાણની જાહેરાત, જાણો શું-શું બનશે
ગૌતમ અદાણીએ પશ્ચિમ બંગાળ માટે મોટો માસ્ટરપ્લાન જાહેર કર્યો છે. 2035 સુધીમાં રાજ્યમાં 1 લાખ કરોડ રૂપિયાનું રોકાણ થશે. સાથે જ 4000 કરોડના ખર્ચે વિશાળ હોસ્પિટલ બનશે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હેલ્થકેર સિવાય અદાણી ગ્રુપે પશ્ચિમ બંગાળ સરકાર સાથે અન્ય બે કરાર પણ કર્યા છે. જેમાંથી એક કરાર ઐતિહાસિક 'રાઇટર્સ બિલ્ડિંગ'ના જીર્ણોદ્ધાર માટે છે.
Adani Group West Bengal investment: પશ્ચિમ બંગાળના વિકાસને નવી ઉડાન આપવા માટે અદાણી ગ્રુપે એક મોટો માસ્ટરપ્લાન તૈયાર કર્યો છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ 24 સપ્ટેમ્બરના રોજ એક મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે, તેમનું ગ્રુપ 2035 સુધીમાં પશ્ચિમ બંગાળમાં 1 લાખ કરોડ રૂપિયાથી વધુનું જંગી રોકાણ કરશે. આ ઈન્વેસ્ટમેન્ટ રોડમેપ હેઠળ આખા રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એનર્જી પ્રોજેક્ટ્સની જાળ બિછાવવામાં આવશે.
આ ક્ષેત્રોમાં થશે 1 લાખ કરોડનું રોકાણ
અદાણી ગ્રુપ દ્વારા 2035 સુધીમાં જે 1 લાખ કરોડનું રોકાણ થવાનું છે, તેમાં નીચેના મુખ્ય ક્ષેત્રોનો સમાવેશ થાય છે:
પોર્ટ અને લોજિસ્ટિક્સ
રિન્યુએબલ એનર્જી (પુનઃપ્રાપ્ય ઉર્જા)
વીજળી ઉત્પાદન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન
નવા રસ્તાઓ અને પુલનું નિર્માણ
ગ્રીન સિમેન્ટ
હાઇપરસકેલ ડેટા સેન્ટર
4000 કરોડના ખર્ચે બનશે 'અદાણી આરોગ્ય મંદિર'
કોલકાતાના ન્યૂ ટાઉનમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા 'અદાણી આરોગ્ય મંદિર' નામની એક વિશાળ હોસ્પિટલ બનાવવામાં આવશે. ગૌતમ અદાણી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ હોસ્પિટલ પ્રોજેક્ટમાં 4000 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવામાં આવશે.
હોસ્પિટલ અને મેડિકલ કોલેજની ખાસિયતો
જમીન અને બેડ: આ હોસ્પિટલ 51.75 એકરમાં ફેલાયેલી હશે, જેમાં 2000 બેડની મલ્ટી-સ્પેશિયાલિટી સુવિધા હશે.
ગરીબો માટે મફત સારવાર: આ એક નોન-પ્રોફિટ સંસ્થા હશે. 2000 માંથી 1000 બેડ આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે રિઝર્વ રહેશે, જેમને સરકારી વીમા યોજનાઓનો લાભ મળશે.
કેન્સરની સારવાર: હોસ્પિટલના પહેલા તબક્કામાં કેન્સરની સ્પેશિયલાઈઝ્ડ સારવાર પર ભાર મૂકવામાં આવશે.
શિક્ષણ અને રોજગાર: અહીં મેડિકલ અને નર્સિંગ કોલેજ પણ બનશે. જેમાં દર વર્ષે 150 અંડરગ્રેજ્યુએટ, 100 થી વધુ પોસ્ટગ્રેજ્યુએટ અને 40 સુપર-સ્પેશિયાલિસ્ટ વિદ્યાર્થીઓ એડમિશન લઈ શકશે. આ પ્રોજેક્ટથી 10000 જેટલી નવી નોકરીઓ ઊભી થવાની આશા છે.
રિસર્ચ અને રિડેવલપમેન્ટ: આ કેમ્પસમાં દર્દીઓના સગાઓ માટે રહેવાની વ્યવસ્થા તેમજ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ક્લિનિકલ ટ્રાયલ અને જીનોમિક્સ જેવી આધુનિક રિસર્ચ સુવિધાઓ પણ હશે.
બંગાળ પૂર્વ ભારતની કર્મભૂમિ: ગૌતમ અદાણી
પોતાના આ મેગા પ્લાન વિશે વાત કરતા ગૌતમ અદાણીએ કહ્યું કે, "અમે પશ્ચિમ બંગાળને પૂર્વ ભારતમાં અમારી 'કર્મભૂમિ' માનીએ છીએ." તેમણે બંગાળની સરખામણી ગુજરાતના મુન્દ્રા સાથે કરી, જે અદાણી ગ્રુપના મોટા પ્રોજેક્ટ્સનો પાયો છે. બીજી તરફ, મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ જણાવ્યું કે, "અમે બંગાળના નવનિર્માણમાં તમારી ઉપસ્થિતિની આશા રાખીએ છીએ. આ માત્ર એક હોસ્પિટલ નથી, પરંતુ આખી હેલ્થકેર સિટી બનાવવાનું વિઝન છે."
સરકાર સાથે અન્ય બે મોટા કરાર
ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હેલ્થકેર સિવાય અદાણી ગ્રુપે પશ્ચિમ બંગાળ સરકાર સાથે અન્ય બે કરાર પણ કર્યા છે. જેમાંથી એક કરાર ઐતિહાસિક 'રાઇટર્સ બિલ્ડિંગ'ના જીર્ણોદ્ધાર માટે છે. જ્યારે બીજો કરાર કોલકાતાની પ્રખ્યાત દુર્ગા પૂજાને 'અદાણી પૂજા પ્રીવ્યૂ' દ્વારા સપોર્ટ કરવા માટે છે. આ ઉપરાંત અદાણી ગ્રુપ કુમારતુલી ઘાટના કાયાકલ્પમાં પણ પોતાનો સહયોગ આપશે.