અમેરિકાના ઝટકા બાદ ભારતે યુરોપમાં જમાવ્યો પગદંડો: સ્પેન અને જર્મનીમાં નિકાસમાં રેકોર્ડબ્રેક વધારો, જાણો શું કહે છે આંકડા
India Export News: અમેરિકાના ભારે ટેરિફ બાદ ભારતીય નિકાસકારોએ યુરોપમાં કાઠું કાઢ્યું છે. સ્પેનમાં ભારતની નિકાસમાં 56%નો તોતિંગ વધારો થયો છે. જાણો જર્મની, બેલ્જિયમ અને પોલેન્ડ સાથેના ભારતના વ્યાપારના તાજા આંકડા.
જર્મનીમાં પણ ભારતની મજબૂત પકડ માત્ર સ્પેન જ નહીં, પરંતુ યુરોપની આર્થિક મહાસત્તા ગણાતા જર્મનીમાં પણ ભારતીય સામાનની માંગ અકબંધ છે.
India Export News: જ્યારે એક દરવાજો બંધ થાય છે, ત્યારે બીજો ખુલે છે. આ કહેવત ભારતીય નિકાસકારો માટે હાલમાં એકદમ સાચી સાબિત થઈ રહી છે. અમેરિકા દ્વારા ભારતીય સામાન પર ભારે ટેક્સ લાદવામાં આવ્યો હતો, જેના કારણે વેપારીઓને ચિંતા હતી. પરંતુ, ભારતીય નિકાસકારોએ હાર માનવાને બદલે નવા બજારો શોધવાનું શરૂ કર્યું અને તેમને યુરોપમાં જબરદસ્ત સફળતા મળી છે. વાણિજ્ય મંત્રાલયના તાજેતરના આંકડા મુજબ, યુરોપના દેશોમાં ભારતીય વસ્તુઓની માંગમાં મોટો ઉછાળો આવ્યો છે. ખાસ કરીને સ્પેન, જર્મની, બેલ્જિયમ અને પોલેન્ડ ભારતીય સામાન માટે હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બની રહ્યા છે.
સ્પેન બન્યું ભારતનું નવું ગ્રોથ એન્જિન
આંકડાઓ પર નજર કરીએ તો, સ્પેન ભારતીય નિકાસ માટે સૌથી ઝડપથી વિકસતું માર્કેટ બનીને ઉભરી આવ્યું છે. ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી નવેમ્બર મહિના દરમિયાન સ્પેનમાં થતી નિકાસમાં 56% નો જંગી વધારો જોવા મળ્યો છે. ગયા વર્ષે આ સમયગાળામાં ભારતની સ્પેન ખાતેની નિકાસ 3 અબજ ડોલર હતી. જે વધીને આ વર્ષે 4.7 અબજ ડોલર પર પહોંચી ગઈ છે. ભારતની કુલ નિકાસમાં સ્પેનનો હિસ્સો વધીને 2.4% થઈ ગયો છે, જેમાં સીધો 0.5% નો વધારો નોંધાયો છે.
જર્મનીમાં પણ ભારતની મજબૂત પકડ માત્ર સ્પેન જ નહીં, પરંતુ યુરોપની આર્થિક મહાસત્તા ગણાતા જર્મનીમાં પણ ભારતીય સામાનની માંગ અકબંધ છે. ચાલુ નાણાકીય વર્ષના શરૂઆતી 8 મહિનામાં જર્મનીમાં ભારતની નિકાસ 9.3% વધી છે.
નિકાસનો આંકડો 6.8 અબજ ડોલરથી વધીને 7.5 અબજ ડોલર થયો છે. એક અધિકારીના જણાવ્યા મુજબ, ભારતની કુલ નિકાસમાં જર્મનીનો હિસ્સો 2.6% છે. આ દર્શાવે છે કે જર્મની ભારતીય ઉત્પાદનો માટે એક ભરોસાપાત્ર અને સ્થિર બજાર છે.
બેલ્જિયમ અને પોલેન્ડમાં પણ સારા દિવસો
યુરોપના અન્ય દેશો જેમ કે બેલ્જિયમ અને પોલેન્ડમાં પણ ભારતીય વેપારીઓનો દબદબો વધી રહ્યો છે.
બેલ્જિયમ: એપ્રિલ-નવેમ્બરના સમયગાળા દરમિયાન બેલ્જિયમમાં ભારતની નિકાસ 4.2 અબજ ડોલરથી વધીને 4.4 અબજ ડોલર થઈ છે.
પોલેન્ડ: પોલેન્ડમાં પણ નિકાસમાં 7.6% નો વધારો થયો છે. જે આંકડો પહેલા 1.69 અબજ ડોલર હતો, તે વધીને હવે 1.82 અબજ ડોલર થઈ ગયો છે.
શું છે આ સફળતાનું કારણ?
સરકારી અધિકારીઓના મતે, આ આંકડાઓ ભારતની બદલાતી રણનીતિનું પરિણામ છે. જ્યારે એક મોટા માર્કેટમાં મુશ્કેલી આવી, ત્યારે ભારતે યુરોપના 27 દેશોના બ્લોક પર ફોકસ કર્યું. સ્પેનમાં જોવા મળતો તીવ્ર ઉછાળો, જર્મનીમાં સ્થિર વિકાસ અને બેલ્જિયમમાં સાતત્ય એ સાબિત કરે છે કે ભારતનું એક્સપોર્ટ માર્કેટ હવે સંતુલિત થઈ રહ્યું છે. ભારત હવે માત્ર જૂના બજારો પર નિર્ભર નથી, પરંતુ નવા દેશોમાં પણ પોતાનો વ્યાપ વધારી રહ્યું છે.