બ્યુટી માર્કેટમાં મોટો ધડાકો: હવે ભારતમાં Kiehl’sનો કારોબાર સંભાળશે Nykaa, L’Oréal સાથે કરી ખાસ ડીલ
Nykaa Kiehl's Deal: ભારતની દિગ્ગજ બ્યુટી કંપની Nykaa હવે પ્રીમિયમ અમેરિકન બ્રાન્ડ Kiehl’s ના ઈન્ડિયા ઓપરેશન્સ સંભાળશે. L’Oréal સાથેની આ ભાગીદારીથી ગ્રાહકોને શું ફાયદો થશે અને બિઝનેસ પર શું અસર પડશે? વાંચો વિગતવાર અહેવાલ.
Nykaa Kiehl's Deal: ભારતની દિગ્ગજ બ્યુટી કંપની Nykaa હવે પ્રીમિયમ અમેરિકન બ્રાન્ડ Kiehl’s ના ઈન્ડિયા ઓપરેશન્સ સંભાળશે.
L’Oréal Nykaa Partnership: ભારતીય બ્યુટી અને પર્સનલ કેર માર્કેટમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. જાણીતી કંપની Nykaa (નાયકા) હવે અમેરિકાની પ્રખ્યાત બ્રાન્ડ Kiehl’s (કિલ્સ) ના ભારતમાં થતા તમામ ઓપરેશન્સ એટલે કે કામકાજની જવાબદારી સંભાળશે. આ માટે Nykaa એ ગ્લોબલ બ્યુટી જાયન્ટ L’Oréal (લોરિયલ) Luxe સાથે એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક ભાગીદારી (Strategic Partnership) કરી છે.
Nykaa કેવી રીતે સંભાળશે જવાબદારી?
આ નવી સમજૂતી હેઠળ, Nykaa પાસે Kiehl’s બ્રાન્ડના ભારતમાં જે પણ કામકાજ છે તેની 'એન્ડ-ટુ-એન્ડ' જવાબદારી રહેશે. સરળ ભાષામાં કહીએ તો Kiehl’s ના હાલના અને ભવિષ્યમાં ખુલનારા એક્સક્લુઝિવ સ્ટોર્સ. બ્રાન્ડની ડાયરેક્ટ-ટુ-કન્ઝ્યુમર વેબસાઈટ (Kiehls.in). તેમનું ડિજિટલ ઈકોસિસ્ટમ અને અન્ય મલ્ટી-બ્રાન્ડ રિટેલ ડિસ્ટ્રિબ્યુશન. આ તમામનું મેનેજમેન્ટ હવે Nykaa દ્વારા કરવામાં આવશે.
ગ્રાહકો અને કંપનીને શું ફાયદો થશે?
આ પાર્ટનરશિપનો સૌથી મોટો ફાયદો Kiehl’s બ્રાન્ડને થશે. Nykaa ના ઓમ્નીચેનલ (ઓનલાઈન અને ઓફલાઈન) નેટવર્ક સાથે જોડાવાથી, Kiehl’s ને દેશભરમાં ફેલાયેલા Nykaa ના 4.2 કરોડ થી વધુ ગ્રાહકો સુધી પહોંચ મળશે. આ ઉપરાંત, કેટલાક પસંદગીના શહેરોમાં Kiehl’s ની પ્રોડક્ટ્સ હવે 'Nykaa Now' (નાયકા નાઉ) પર પણ ઉપલબ્ધ થશે, જેનાથી ગ્રાહકોને ઝડપી ડિલિવરી મળી શકશે.
10 વર્ષ જૂનો સંબંધ થયો વધુ મજબૂત
તમને જણાવી દઈએ કે Nykaa અને L’Oréal વચ્ચેનો સંબંધ નવો નથી. બંને કંપનીઓ છેલ્લા 10 વર્ષથી એકબીજા સાથે જોડાયેલી છે અને આ ડીલ તે સંબંધને વધુ ગાઢ બનાવે છે. બંને કંપનીઓએ સાથે મળીને ભારતમાં ઘણી ગ્લોબલ બ્રાન્ડ્સ લોન્ચ કરી છે અને નવી બ્યુટી કેટેગરીઝ ઊભી કરવામાં મહત્વનો ફાળો આપ્યો છે.
કંપનીના અધિકારીઓએ શું કહ્યું?
આ મહત્વના ડેવલપમેન્ટ વિશે વાત કરતા Nykaa Beautyના CEO અંચિત નાયરે કહ્યું કે, "નાયકા અને લોરિયલ ઈન્ડિયા વચ્ચે છેલ્લા દસ વર્ષથી વિશ્વાસ અને સમાન વિઝન પર આધારિત મજબૂત ભાગીદારી છે. આ નવું ઈન્ટીગ્રેશન અમને વધુ આગળ વધવામાં અને ભારતની બ્યુટી જર્નીને નેક્સ્ટ લેવલ પર લઈ જવામાં મદદ કરશે."
બીજી તરફ, L’Oréal Luxe (લૉરિયલ ઈન્ડિયા) ના જનરલ મેનેજર શ્રેષ્ઠા જના એ જણાવ્યું કે, "આ એક્સક્લુઝિવ ડિસ્ટ્રિબ્યુશન પાર્ટનરશિપ ભારતમાં બ્રાન્ડની હાજરી વધારશે અને સ્કિનકેરના શોખીનો સાથે અમારો સંબંધ વધુ ગાઢ બનાવશે."
સ્ટોર્સ ચાલુ રહેશે
ગ્રાહકો માટે રાહતના સમાચાર એ છે કે આ ફેરફાર દરમિયાન ભારતમાં આવેલા Kiehl’s ના સ્ટોર્સ અને અન્ય કન્ઝ્યુમર ટચપોઈન્ટ્સ પહેલાની જેમ જ રાબેતા મુજબ કામ કરતા રહેશે. ઉલ્લેખનીય છે કે ભારતમાં L’Oréal Luxe ડિવિઝન હેઠળ Lancôme, Yves Saint Laurent અને Kiehl’s જેવી મોટી બ્રાન્ડ્સ કાર્યરત છે.