Urban Company Share Crash: અર્બન કંપનીનો શેર 11% ગગડ્યો, Q4 માં નુકસાન 57 ગણું વધતા રોકાણકારોમાં ગભરાટ | Moneycontrol Gujarati
Get App

Urban Company Share Crash: અર્બન કંપનીનો શેર 11% ગગડ્યો, Q4 માં નુકસાન 57 ગણું વધતા રોકાણકારોમાં ગભરાટ

Urban Companyનો શેર એક જ દિવસમાં 11% અને સપ્તાહમાં 17% તૂટ્યો. નવી સર્વિસ InstaHelp પાછળના ખર્ચને લીધે કંપનીનું નુકસાન 57 ગણું વધીને 161 કરોડ રૂપિયા થયું.

અપડેટેડ 11:38:38 AM May 11, 2026 પર
Story continues below Advertisement
Urban Companyનો શેર એક જ દિવસમાં 11% અને સપ્તાહમાં 17% તૂટ્યો.

Urban Company Share Crash: શેરબજારમાં રોકાણકારો માટે એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. જાણીતી હોમ સર્વિસ કંપની અર્બન કંપની (Urban Company)ના શેરમાં સોમવારે, 11 મેના રોજ 11 ટકાનો મોટો કડાકો બોલાયો છે. બજારમાં થયેલી આ જબરદસ્ત વેચવાલીને કારણે BSE (બોમ્બે સ્ટોક એક્સચેન્જ) પર કંપનીના શેરની કિંમત 124.50 રૂપિયાના નીચલા સ્તરે પહોંચી ગઈ હતી. છેલ્લા એક સપ્તાહની વાત કરીએ તો આ શેરમાં 17 ટકાનો ઘટાડો નોંધાયો છે.

શા માટે તૂટ્યો શેર?

શુક્રવાર, 8 મેના રોજ કંપનીએ પોતાના ચોથા ક્વાર્ટરના (જાન્યુઆરી-માર્ચ 2026) નાણાકીય પરિણામો જાહેર કર્યા હતા. આ રિઝલ્ટ જોયા પછી સોમવારે રોકાણકારોએ વેચવાલી શરૂ કરી દીધી. તેનું મુખ્ય કારણ કંપનીના નુકસાનમાં થયેલો અધધ વધારો છે.

નુકસાન અને કમાણીનો આંકડો (Q4 રિઝલ્ટ)

જાન્યુઆરી-માર્ચ 2026 ક્વાર્ટરમાં કંપનીનું નુકસાન 57 ગણું વધીને 161 કરોડ રૂપિયા થઈ ગયું છે. (ગયા વર્ષે આ જ સમયે માર્ચ ક્વાર્ટરમાં માત્ર 2.84 કરોડ રૂપિયાનું નુકસાન હતું). માર્ચ 2026 ક્વાર્ટરમાં એડજસ્ટેડ EBITDA નુકસાન 119 કરોડ રૂપિયા રહ્યું છે. જોકે, સારી વાત એ છે કે કંપનીની આવક (Revenue) 43 ટકા વધીને 425.56 કરોડ રૂપિયા થઈ છે, જે ગયા વર્ષે 298.45 કરોડ રૂપિયા હતી. આખા નાણાકીય વર્ષ 2025-26 ની વાત કરીએ તો કંપનીને કુલ 235 કરોડ રૂપિયાનો ઘાટો ગયો છે. નોંધનીય છે કે એક વર્ષ પહેલા કંપની 239.76 કરોડ રૂપિયાના શાનદાર નફામાં હતી. જોકે, આખા વર્ષની આવક 36 ટકા વધીને 1,555.54 કરોડ રૂપિયા થઈ છે.


અચાનક આટલું મોટું નુકસાન કેમ?

આ નુકસાન પાછળનું મુખ્ય કારણ કંપનીની નવી શરૂ થયેલી સર્વિસ ‘InstaHelp' માં કરવામાં આવેલું મોટું રોકાણ છે. આ સર્વિસ હેઠળ ગ્રાહકને બુકિંગ કર્યાની માત્ર 10થી 15 મિનિટમાં જ સફાઈ, વાસણ ઘસવા, કપડાં ધોવા કે જમવાનું બનાવવા માટે માણસો પૂરા પાડવામાં આવે છે. આ નવી સિસ્ટમ અને માળખા પાછળ થયેલા જંગી ખર્ચને કારણે કંપનીનો ઘાટો વધ્યો છે.

કંપની વિશે ટૂંકી માહિતી

અર્બન કંપનીનું માર્કેટ કેપ 19500 કરોડ રૂપિયા છે. આ કંપની 17 સપ્ટેમ્બર 2025ના રોજ શેરબજારમાં લિસ્ટ થઈ હતી અને તેનો IPO 1,900.24 કરોડ રૂપિયાનો હતો. આ કંપની ભારત સિવાય UAE, સિંગાપોર અને સાઉદી અરેબિયામાં એક મલ્ટી કેટેગરી હોમ સર્વિસ પ્લેટફોર્મ તરીકે કામ કરે છે. ક્લિનિંગ, પ્લમ્બિંગ, ઇલેક્ટ્રિક વર્ક, એપ્લાયન્સ રિપેરિંગ, બ્યુટી ટ્રીટમેન્ટ અને મસાજ જેવી સુવિધાઓ ઘરે બેઠા આપે છે. તેના પ્રમોટર્સ અભિરાજ સિંહ ભાલ, રાઘવ ચંદ્રા અને વરુણ ખેતાન છે.

આગળ શું થશે?

અર્બન કંપનીના ફાઉન્ડર અને CEO અભિરાજ સિંહ ભાલનું કહેવું છે કે આગામી કેટલાક ક્વાર્ટરમાં પણ કંપનીનું નુકસાન વધારે જ રહેશે, કારણ કે તેઓ માર્કેટમાં પોતાની લીડરશીપ મજબૂત કરવા માટે સતત રોકાણ કરી રહ્યા છે.

તેમણે ભવિષ્યનો પ્લાન જણાવતા કહ્યું કે, તેમનો ટાર્ગેટ નાણાકીય વર્ષ 2027-28 ના ત્રીજા ક્વાર્ટર (ઓક્ટોબર-ડિસેમ્બર 2027) સુધીમાં કંપનીને બ્રેકઈવન (નફો નહીં, નુકસાન નહીં) સ્થિતિમાં લાવવાનો છે. આ ઉપરાંત વર્ષ 2031 સુધીમાં કંપનીના એડજસ્ટેડ EBITDA ને 1,000 કરોડ રૂપિયા સુધી પહોંચાડવાનું મોટું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

આ પણ વાંચો- Value 360 IPO Listing: શેરબજારમાં ખરાબ એન્ટ્રી, 20% ના ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટિંગ થતાં રોકાણકારોને 1 લોટ પર સીધો 23520 રૂપિયાનો ફટકો!

Disclaimer: મનીકંટ્રોલ.કોમ પર આપવામાં આવેલી સલાહ કે વિચારો એક્સપર્ટ/બ્રોકરેજ ફર્મના અંગત મંતવ્યો છે. વેબસાઇટ કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલ દ્વારા સલાહ આપવામાં આવે છે કે કોઈપણ રોકાણનો નિર્ણય લેતા પહેલા હંમેશા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવી.

MoneyControl News

MoneyControl News

First Published: May 11, 2026 11:38 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.