પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે એરલાઇન કંપનીઓ માટે મોટા સમાચાર! સરકારે જેટ ફ્યુઅલના ભાવમાં 5 રૂપિયાનો મોટો ઘટાડો કર્યો છે. જાણો આ નિર્ણયથી એવિએશન ઇન્ડસ્ટ્રી અને ફ્લાઇટ ઓપરેશન્સને શું ફાયદો થશે.
પશ્ચિમ એશિયામાં શરૂ થયેલા સંકટ બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ ભડકે બળ્યા હતા, જેના કારણે ATF ના ભાવ પણ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા હતા.
ભૌગોલિક તણાવ અને મોંઘવારી વચ્ચે મુશ્કેલીનો સામનો કરી રહેલી એરલાઇન કંપનીઓ માટે એક ખુબ જ સારા સમાચાર સામે આવ્યા છે. સરકારે જેટ ફ્યુઅલ એટલે કે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) ની કિંમતોમાં મોટો ઘટાડો જાહેર કર્યો છે. મોંઘા ઇંધણને કારણે ખોરવાયેલું એરલાઇન્સનું બજેટ હવે ધીમે-ધીમે પાટા પર આવવાની આશા બંધાઈ છે.
નવા ભાવ અને તેનો સીધો ફાયદો
બુધવારે સરકારે જાહેરાત કરી કે ATF ના ભાવમાં પ્રતિ લિટર 5 રૂપિયાનો કાપ મૂકવામાં આવ્યો છે. આ ઘટાડા બાદ દેશની રાજધાની દિલ્હીમાં ATF ની કિંમત ઘટીને 110 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. અત્રે નોંધનીય છે કે, સરકારના આ નિર્ણયનો સીધો લાભ માત્ર સ્થાનિક એરલાઇન કંપનીઓને જ મળશે.
એરલાઇન્સ માટે આ નિર્ણય કેમ છે અતિ મહત્વનો?
કોઈપણ એરલાઇન કંપનીના કુલ ઓપરેશનલ ખર્ચમાં જેટ ફ્યુઅલનો હિસ્સો 40 ટકા કરતાં પણ વધુ હોય છે. આવા સંજોગોમાં, ઇંધણના ભાવમાં 5 રૂપિયાનો આ ઘટાડો કંપનીઓના ખર્ચમાં નોંધપાત્ર બચત કરાવશે અને તેમને મોટી આર્થિક રાહત આપશે.
પશ્ચિમ એશિયાના સંકટ બાદ પહેલીવાર ઘટાડો
પશ્ચિમ એશિયામાં શરૂ થયેલા સંકટ બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ ભડકે બળ્યા હતા, જેના કારણે ATF ના ભાવ પણ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા હતા. આ સંકટ શરૂ થયા પછી આ પહેલીવાર છે જ્યારે સરકારે એટીએફના ભાવમાં કોઈ ઘટાડો કર્યો છે.
એક્સપોર્ટ ડ્યુટી અને સરકારની સમીક્ષા
સરકારે 1 જુલાઈથી શરૂ થતા બે અઠવાડિયાના સમયગાળા માટે પેટ્રોલ, ડીઝલ અને એટીએફ પરની એક્સપોર્ટ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. આ ઘટાડાના એક દિવસ બાદ જ એટીએફના ભાવ ઘટાડવાનું આ પગલું ભરવામાં આવ્યું છે. જોકે, દેશમાં સામાન્ય નાગરિકો માટે વેચાતા પેટ્રોલ અને ડીઝલની એક્સાઇઝ ડ્યુટીમાં કોઈ જ ફેરફાર કરાયો નથી. સરકાર ગ્લોબલ માર્કેટના આધારે દર 15 દિવસે આ ડ્યુટીની સમીક્ષા કરે છે. આ અગાઉ 16 જૂનના રોજ સમીક્ષા કરવામાં આવી હતી.
એરલાઇન કંપનીઓ કઈ 'બેવડી માર' સહન કરી રહી હતી?
છેલ્લા કેટલાક સમયથી ઉડ્ડયન ક્ષેત્ર ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું હતું, જેના મુખ્ય બે કારણો હતા.
પશ્ચિમ એશિયાના તણાવને કારણે ઘણા વિસ્તારોના એર સ્પેસ પ્રતિબંધિત કરી દેવાયા હતા. આના કારણે ફ્લાઇટ્સને પોતાના ડેસ્ટિનેશન પર પહોંચવા માટે લાંબો ચકરાવો લેવો પડતો હતો, જેનાથી ઇંધણનો વપરાશ ખૂબ વધી ગયો હતો. બીજી તરફ જેટ ફ્યુઅલના ભાવ પણ આસમાને હતા. આમ, કંપનીઓનો ખર્ચ ડબલ થઈ ગયો હતો.
વધુ નુકસાન ટાળવા એર ઇન્ડિયાએ ફ્લાઇટ્સ ઘટાડી હતી
મોંઘા એટીએફને કારણે નુકસાનથી બચવા માટે દેશની મોટી એરલાઇન કંપનીઓએ પોતાના ઓપરેશન્સ પર કાપ મૂકવાનું શરૂ કરી દીધું હતું. ટાટા ગ્રુપની માલિકીની એર ઇન્ડિયાએ ગયા મહિને એર સ્પેસ પરના પ્રતિબંધ અને મોંઘા ઇંધણને કારણે પોતાની ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સમાં 27 ટકાનો મોટો કાપ મૂક્યો હતો. એટલું જ નહીં, કંપનીએ સ્થાનિક ફ્લાઇટ્સમાં પણ કામચલાઉ ધોરણે 22 ટકાનો ઘટાડો કરવો પડ્યો હતો.