ઓગસ્ટ મહિનામાં ભારતનો ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક 8% વધ્યો છે. મેન્યુફેક્ચરિંગ અને વીજળી ઉત્પાદનમાં મોટી તેજી જોવા મળી છે. જાણો કયા સેક્ટરે અર્થતંત્રને બૂસ્ટ આપ્યું.
IIP માં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો હિસ્સો 75% (ત્રણ-ચતુર્થાંશ) કરતાં પણ વધુ હોય છે. ઓગસ્ટમાં આ સેક્ટરના ઉત્પાદનમાં 9% નો જંગી ઉછાળો જોવા મળ્યો છે.
IIP Growth: ભારતીય અર્થતંત્ર માટે ઓગસ્ટ મહિનો શાનદાર રહ્યો છે. દેશની ઔદ્યોગિક ગતિવિધિઓમાં નોંધપાત્ર તેજી જોવા મળી છે. લેટેસ્ટ ડેટા મુજબ, ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન એટલે કે ઔદ્યોગિક ઉત્પાદનમાં વાર્ષિક ધોરણે 8% નો મજબૂત વધારો નોંધાયો છે. અગાઉ જુલાઈ મહિનામાં આ ગ્રોથ 6.7% હતો.
આ આંકડા દર્શાવે છે કે દેશમાં ફેક્ટરીઓ અને ઉદ્યોગો ધમધમી રહ્યા છે. આ વૃદ્ધિ પાછળ મેન્યુફેક્ચરિંગ અને વીજળી ઉત્પાદન ક્ષેત્રનો સૌથી મોટો ફાળો રહ્યો છે.
મેન્યુફેક્ચરિંગ સેક્ટર બન્યું પાવરહાઉસ
IIP માં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો હિસ્સો 75% (ત્રણ-ચતુર્થાંશ) કરતાં પણ વધુ હોય છે. ઓગસ્ટમાં આ સેક્ટરના ઉત્પાદનમાં 9% નો જંગી ઉછાળો જોવા મળ્યો છે. નોંધનીય છે કે, ગયા વર્ષે આજ સમયગાળામાં આ ગ્રોથ માત્ર 3.6% હતો. આ સતત ત્રીજો મહિનો છે જ્યારે મેન્યુફેક્ચરિંગ ગ્રોથ 8% કે તેથી વધુ રહ્યો હોય, જે દેશમાં રોજગારી અને વેપાર વધવાના સ્પષ્ટ સંકેત આપે છે.
વીજળી અને પાણી સપ્લાયમાં પણ વધારો
વીજળી અને ગેસ સપ્લાય: આ સેક્ટરમાં 12.3% નો મોટો વધારો નોંધાયો છે.
પાણી અને વેસ્ટ મેનેજમેન્ટ: પાણી સપ્લાય અને સીવરેજ સાથે જોડાયેલી ગતિવિધિઓમાં 6.3% નો વધારો થયો છે.
માઇનિંગ સેક્ટરમાં નિરાશા
જ્યાં એક તરફ અન્ય સેક્ટર દોડી રહ્યા છે, ત્યાં માઇનિંગ સેક્ટરમાં 5.6% નો ઘટાડો નોંધાયો છે. જેમાં ફ્યુઅલ મિનરલ્સ 5.7% અને નોન-મેટાલિક મિનરલ્સ 12.8% ઘટ્યા છે. જોકે, મેટાલિક મિનરલ્સમાં 5% નો સુધારો જોવા મળ્યો છે. એકંદરે, ઓગસ્ટમાં કુલ IIP ઇન્ડેક્સ 123.3 રહ્યો, જે ગયા વર્ષે 114.2 હતો.
23 માંથી 18 ઇન્ડસ્ટ્રી ગ્રુપમાં શાનદાર ગ્રોથ
મેન્યુફેક્ચરિંગની અંદર પણ ગ્રોથ ખૂબ વ્યાપક રહ્યો છે. કુલ 23 માંથી 18 ઉદ્યોગોએ હકારાત્મક આંકડા દર્શાવ્યા છે.
ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ: સૌથી વધુ 30.9% નો ઉછાળો.
ટ્રાન્સપોર્ટ અને મોટર વ્હીકલ: અન્ય ટ્રાન્સપોર્ટ ઇક્વિપમેન્ટમાં 25.3% અને મોટર વ્હીકલમાં 25.2% નો વધારો, જેનાથી ઓટો સેક્ટરને મોટો ટેકો મળ્યો છે
રબર અને પ્લાસ્ટિક: ઉત્પાદન 21.4% વધ્યું
ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્પ્યુટર: આ સેક્ટરમાં 19.3% નો ગ્રોથ જોવા મળ્યો
મેટલ પ્રોડક્ટ્સ: ફેબ્રિકેટેડ મેટલ પ્રોડક્ટ્સમાં 16.9% નો વધારો
કયા સેક્ટરમાં ઘટાડો થયો?
બધા જ ક્ષેત્રોમાં તેજી નથી રહી. કપડાંના ઉત્પાદનમાં 7.4% અને તમાકુ ઉત્પાદનોમાં 8% નો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સમાં 0.6% અને કેમિકલ્સમાં 0.5% નો મામૂલી ઘટાડો જોવા મળ્યો છે.
કેપિટલ ગુડ્સ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં માંગ વધી
જો ઉપયોગના આધારે જોઈએ તો, રોકાણ સાથે જોડાયેલા કેપિટલ ગુડ્સના ઉત્પાદનમાં 16.9 ટકાનો વધારો થયો છે (જે જુલાઈમાં 19% હતો). આ ઉપરાંત ઇન્ટરમીડિએટ ગુડ્સમાં 13.7% અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ જેમાં વાહનો, ઇલેક્ટ્રોનિક્સ અને ઘરવખરીનો સામાન આવે છે તેમાં 11.1 ટકાનો ગ્રોથ નોંધાયો છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્સ્ટ્રક્શનના સામાનમાં પણ 6.4 ટકાનો વધારો થયો છે.