શું E20 પેટ્રોલ ભરાવવાથી તમારી કાર ખરાબ થઈ રહી છે? ISMAએ કર્યો મોટો ખુલાસો, જાણો સોશિયલ મીડિયા પર વાયરલ દાવાનું સાચું સત્ય
શું E20 પેટ્રોલ ભરાવવાથી કારનું એન્જિન ખરાબ થાય છે? સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી અફવાઓ પર ISMA અને સરકારે મોટો ખુલાસો કર્યો છે. જાણો E20 પેટ્રોલનું સાચું સત્ય.
મંત્રાલયે સ્પષ્ટીકરણ આપ્યું છે કે, E20 પેટ્રોલ શરૂ થયા પછી અત્યાર સુધીમાં દેશમાં એક પણ એવો અધિકૃત કિસ્સો સામે નથી આવ્યો જેમાં એન્જિન ખરાબ થયું હોય કે ગાડી રસ્તામાં બંધ પડી ગઈ હોય.
આજકાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર E20 પેટ્રોલને લઈને અનેક પ્રકારની વાતો વાયરલ થઈ રહી છે. વાહનચાલકોમાં એવો ડર ફેલાવવામાં આવી રહ્યો છે કે આ નવું પેટ્રોલ વાપરવાથી તેમની કાર કે બાઇકનું એન્જિન બગડી જશે. હવે આ મામલે ઇન્ડિયન સુગર એન્ડ બાયો-એનર્જી મેન્યુફેક્ચરર્સ એસોસિએશનએ એક સત્તાવાર નિવેદન બહાર પાડીને લોકોને મોટી રાહત આપી છે.
વાહનનો ઇન્શ્યોરન્સ રદ થવાની વાત તદ્દન ખોટી
છેલ્લા કેટલાક દિવસોથી એવી અફવાઓ ચાલી રહી હતી કે E20 પેટ્રોલના ઉપયોગથી એન્જિનને નુકસાન થાય છે અને તેના કારણે વાહનનો ઇન્શ્યોરન્સ પણ રદ થઈ શકે છે. ISMA એ આ તમામ દાવાઓને ફગાવી દેતા સ્પષ્ટ કર્યું છે કે, આ વાતો સંપૂર્ણપણે ભ્રામક છે અને તેનો કોઈ જ વૈજ્ઞાનિક આધાર નથી. આ માત્ર ને માત્ર ખોટો ડર ફેલાવવાનો પ્રયાસ છે.
સરકાર અને મંત્રાલયનું શું કહેવું છે?
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના જણાવ્યા અનુસાર, E20 પેટ્રોલને બજારમાં લાવતા પહેલા તેના પર અનેક સ્તરે કડક ટેસ્ટિંગ અને ચકાસણી કરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં દેશની મોટી ઓટોમોબાઇલ કંપનીઓ અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓનો પણ અભિપ્રાય લેવામાં આવ્યો હતો. મંત્રાલયે સ્પષ્ટીકરણ આપ્યું છે કે, E20 પેટ્રોલ શરૂ થયા પછી અત્યાર સુધીમાં દેશમાં એક પણ એવો અધિકૃત કિસ્સો સામે નથી આવ્યો જેમાં એન્જિન ખરાબ થયું હોય કે ગાડી રસ્તામાં બંધ પડી ગઈ હોય.
શું સીધો શેરડીનો રસ પેટ્રોલમાં ભળે છે? જાણો હકીકત
લોકોમાં એક મોટી ગેરસમજ એ છે કે પેટ્રોલ પંપ પર મળતા પેટ્રોલમાં સીધો શેરડીનો રસ ભેળવી દેવામાં આવે છે. ISMA એ આ ભ્રમ દૂર કરતા જણાવ્યું કે, આ વાત સાવ પાયાવિહોણી છે. પેટ્રોલમાં ભેળવવામાં આવતું 'ફ્યુઅલ ગ્રેડ ઇથેનોલ' એક વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક પ્રક્રિયા દ્વારા તૈયાર થાય છે.
તેને માત્ર શેરડીના રસમાંથી જ નહીં, પરંતુ મોલાસીસ, મકાઈ અને તૂટેલા ચોખામાંથી પણ બનાવવામાં આવે છે. આ તમામ પ્રક્રિયામાંથી પસાર થયા બાદ, કડક ક્વોલિટી ચેક થાય છે અને પછી જ તેને નક્કી કરેલા ધારાધોરણો મુજબ પેટ્રોલમાં મિક્સ કરવામાં આવે છે.
E20 પેટ્રોલ વાપરવાના મોટા ફાયદાઓ
પર્યાવરણને ફાયદો: આ પેટ્રોલથી વાહનોમાંથી નીકળતો ધુમાડો ઘટે છે અને પર્યાવરણ શુદ્ધ રહે છે.
વિદેશી હૂંડિયામણની બચત: વિદેશથી આવતા મોંઘા ક્રૂડ ઓઇલ પર ભારતની નિર્ભરતા ઘટે છે. સરકારના આંકડા મુજબ, ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામથી અત્યાર સુધીમાં ભારતે 1.4 લાખ કરોડ રૂપિયાથી વધુની બચત કરી છે.
ખેડૂતોને સીધો લાભ: ઇથેનોલ બનાવવા માટે ખેતપેદાશોનો ઉપયોગ થતો હોવાથી દેશના ખેડૂતોની આવકમાં સીધો વધારો થાય છે.