અમેરિકી વિદેશ મંત્રીનું સ્પષ્ટ નિવેદન: 'ભારતની કિંમત પર પાકિસ્તાન સાથે સંબંધો નહીં રખાય,'ટ્રેડ ડીલ પર આપ્યા મોટા સંકેત | Moneycontrol Gujarati
Get App

અમેરિકી વિદેશ મંત્રીનું સ્પષ્ટ નિવેદન: 'ભારતની કિંમત પર પાકિસ્તાન સાથે સંબંધો નહીં રખાય,'ટ્રેડ ડીલ પર આપ્યા મોટા સંકેત

અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ સ્પષ્ટ કર્યું છે કે, પાકિસ્તાન સાથેના સંબંધો ક્યારેય ભારતની કિંમત પર નહીં હોય. તેમણે એસ. જયશંકર સાથે મુલાકાત કરી ટ્રેડ ડીલ ફાઈનલ કરવા અંગે મોટા સંકેત આપ્યા છે. જાણો સંપૂર્ણ વિગત.

અપડેટેડ 03:23:19 PM Oct 21, 2026 પર
Story continues below Advertisement
માર્કો રુબિયોએ ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરાર અંગે પણ સકારાત્મક અપડેટ આપી છે. તેમણે કહ્યું કે, બંને દેશો આ ડીલને અંતિમ સ્વરૂપ આપવાની એકદમ નજીક પહોંચી ગયા છે.

ભારતની મુલાકાતે આવેલા અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ બંને દેશોના સંબંધોને લઈને એક બહુ મોટું અને સ્પષ્ટ નિવેદન આપ્યું છે. રુબિયોએ કહ્યું છે કે, અમેરિકા પાકિસ્તાન કે દુનિયાના અન્ય કોઈપણ દેશ સાથે સંબંધો રાખશે, પરંતુ તે ક્યારેય ભારત સાથેના સંબંધોની કિંમત પર નહીં હોય. વોશિંગ્ટન અને ઇસ્લામાબાદ વચ્ચે વધી રહેલી નિકટતા અંગે પૂછાયેલા સવાલના જવાબમાં તેમણે આ સ્પષ્ટતા કરી છે.

1970 ના દાયકા જેવી સ્થિતિ નથી

'ધ ઇન્ડિયન એક્સપ્રેસ' ને આપેલા એક ઇન્ટરવ્યુમાં રુબિયોને પૂછવામાં આવ્યું હતું કે, શું અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના હાલના સંબંધો 1970 ના દાયકાની યાદ અપાવે છે? (યાદ રહે કે તે સમયે અમેરિકી રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સન અને તેમના સુરક્ષા સલાહકાર હેનરી કિસિંજરનો ઝુકાવ પાકિસ્તાન તરફ વધુ હતો). આ સવાલના જવાબમાં રુબિયોએ સ્પષ્ટ કહ્યું કે, અત્યારની વૈશ્વિક પરિસ્થિતિઓ તે સમય કરતા સાવ અલગ છે. આજની દુનિયાને 1970 ના ચશ્માથી જોવી જોઈએ નહીં. અમેરિકા ભારત સાથેના પોતાના સંબંધોને કોઈ બીજા દેશની હરીફાઈ તરીકે જોતું નથી.

સંબંધોમાં સંતુલન રાખવું વિદેશ નીતિનો ભાગ

તેમણે વધુમાં જણાવ્યું કે, પાકિસ્તાન એવા દેશોમાં સામેલ છે જેની સાથે અમેરિકા વ્યવહારિક સંબંધો ધરાવે છે. આવા સંબંધોનો મુખ્ય હેતુ ભવિષ્યમાં થનારા સંભવિત ઘર્ષણને રોકવા અને તણાવ ઓછો કરવાનો હોય છે. અલગ-અલગ દેશો સાથે સંબંધોમાં સંતુલન જાળવવું એક પડકારરૂપ કામ છે, પરંતુ તે અમેરિકી વિદેશ નીતિનો એક અત્યંત મહત્વનો ભાગ છે.


ટૂંક સમયમાં ફાઈનલ થશે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ

માર્કો રુબિયોએ ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરાર અંગે પણ સકારાત્મક અપડેટ આપી છે. તેમણે કહ્યું કે, બંને દેશો આ ડીલને અંતિમ સ્વરૂપ આપવાની એકદમ નજીક પહોંચી ગયા છે. જોકે, હજુ કેટલાક નાના મુદ્દાઓ પર કામ ચાલી રહ્યું છે, પરંતુ અમેરિકા આ કરારને લઈને સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે ખાસ બેઠક

તમને જણાવી દઈએ કે, માર્કો રુબિયો ભારતની 3 દિવસની સત્તાવાર મુલાકાતે આવ્યા છે. મંગળવારે તેમણે મુંબઈમાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મહત્વની બેઠક કરી હતી. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓએ ખાસ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી:

વેપાર અને ઉર્જા ક્ષેત્રે સહયોગ વધારવો

ટેકનોલોજી અને સંરક્ષણ બાબતોમાં ભાગીદારી

બંને દેશોના લોકો વચ્ચેનો સંપર્ક મજબૂત કરવો

રુબિયોએ ભારતને ઉર્જાનો વેપાર વધારવા અને અમેરિકન ટેકનોલોજી તેમજ ડિફેન્સ સિસ્ટમની ખરીદી વધારવા અપીલ પણ કરી હતી. બીજી તરફ, વિદેશ મંત્રી જયશંકરે બેઠક બાદ કહ્યું કે બંને નેતાઓ વચ્ચે ભારત-અમેરિકાના સંબંધોને વધુ ઊંચાઈ પર લઈ જવાના રસ્તાઓ અને પ્રાદેશિક ગતિવિધિઓ પર સાર્થક ચર્ચા થઈ છે.

આ પણ વાંચો-ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ફાઇનલ! ડોનાલ્ડ ટ્રમ્પે કરી મોટી જાહેરાત, કહ્યું- ‘આ ડીલ અત્યાર સુધીની સૌથી અલગ હશે'

MoneyControl News

MoneyControl News

First Published: Oct 21, 2026 3:23 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.