ભારતના વિકાસ દર પર મૂડીઝે વ્યક્ત કર્યો મોટો ભરોસો, નાણાકીય વર્ષ 2026-27 માટે GDP ગ્રોથનું અનુમાન વધારીને 7% કર્યું
ગ્લોબલ રેટિંગ એજન્સી Moody’s એ નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતના GDP ગ્રોથનું અનુમાન 6.5% થી વધારીને 7% કર્યું છે. જાણો ભારતીય અર્થતંત્ર પર મૂડીઝના રિપોર્ટની તમામ ખાસ વાતો.
ગામડાઓની માંગ પર હવામાનનું સંકટ છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસામાં ઘટ અને મજબૂત બનતી અલ નીનોની સ્થિતિ ગ્રામીણ માંગ પર નકારાત્મક અસર પાડી શકે છે.
Moody’s India GDP Forecast: સમગ્ર વિશ્વમાં હાલમાં મોંઘી એનર્જીનું ભારે દબાણ જોવા મળી રહ્યું છે, પરંતુ તેમ છતાં ભારતીય અર્થતંત્રને લઈને ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝ રેટિંગ્સનો ભરોસો વધુ મજબૂત બન્યો છે. રેટિંગ એજન્સીએ માર્ચ 2027 ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ (2026-27) માટે ભારતના GDP ગ્રોથનું અનુમાન 6.5% થી વધારીને સીધું 7% કરી દીધું છે.
પોતાના 'ગ્લોબલ મેક્રો આઉટલૂક 2027-28' રિપોર્ટમાં એજન્સીએ જણાવ્યું છે કે મધ્યમ ગાળામાં પણ ભારતનો વિકાસ દર 7% ની આસપાસ જળવાઈ રહેશે. એટલું જ નહીં, જો દેશમાં ખાનગી રોકાણ સતત વધતું રહેશે, તો વિકાસની આ રફ્તાર તેનાથી પણ ઉપર જઈ શકે છે.
6.5% થી વધારીને 7% કેમ કર્યું અનુમાન? જાણો 3 મુખ્ય કારણો
મૂડીઝે ભારતના વિકાસ દરનું અનુમાન વધારવા પાછળ 3 મુખ્ય કારણો ગણાવ્યા છે.
દેશની અંદર રહેલો મજબૂત વપરાશ
રોકાણના માહોલમાં થયેલો સુધારો
વૈશ્વિક સ્તરે એનર્જીની કિંમતો ઊંચે જવા છતાં ભારતીય અર્થતંત્રનું અડીખમ ટકી રહેવું
એજન્સીએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, "ભારતની ચોતરફા આર્થિક રફ્તાર અને એનર્જી સપ્લાયના ઝટકાની સામે દેખાડેલી મજબૂતી, અમારા 2026-27 ના ગ્રોથ અનુમાનને 6.5% થી વધારીને 7% કરવા પાછળનું મુખ્ય કારણ બને છે."
માત્ર આ વર્ષે જ નહીં, 2028 માં પણ 7% રહેશે વિકાસ દર
મૂડીઝની નજર માત્ર ચાલુ નાણાકીય વર્ષ પૂરતી સીમિત નથી. એજન્સીએ વર્ષ 2028 માં પણ ભારતનો GDP ગ્રોથ 7% રહેવાનો અંદાજ મૂક્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, "મજબૂત વપરાશ, રોકાણની સુધરતી તસવીર અને મજબૂત મેક્રોઈકોનોમિક પાયાનો અર્થ એ છે કે ભારતીય અર્થતંત્ર મધ્યમ ગાળામાં 7% ની આસપાસ ગ્રોથ જાળવી રાખવા માટે ખૂબ જ સારી સ્થિતિમાં દેખાય છે."
એજન્સીને આનાથી પણ આગળ વધવાની શક્યતા દેખાઈ રહી છે. મૂડીઝના મતે, જો ખાનગી રોકાણ સતત વધે છે અને ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં રોકાણ આવે છે, તો તેનાથી રોજગારી અને ઉત્પાદકતા બંનેને મોટો સહારો મળી શકે છે. જો આવું થશે તો ભારતનો આર્થિક ગ્રોથ હાલના અંદાજો કરતા પણ ઉપર જઈ શકે છે.
મોંઘા તેલના ઝટકાને ભારતે કેવી રીતે પચાવ્યો?
મોંઘી એનર્જીને લઈને જે ડર હતો, ભારતે તેને અપેક્ષા કરતા ઘણી સારી રીતે સંભાળ્યો છે. મૂડીઝે કહ્યું કે ગ્લોબલ એનર્જી કિંમતોના ઝટકાનો સામનો કરવામાં ભારતનું પ્રદર્શન અગાઉના અંદાજ કરતા ઘણું સારું રહ્યું છે. તેમાં કાચા તેલ અને ગેસના પુરવઠા માટે અલગ-અલગ સ્ત્રોત શોધવાની ભારતની ક્ષમતાએ ખૂબ મોટી મદદ કરી છે.
આ ઉપરાંત સામાન્ય લોકોના ખિસ્સા સુધી આ મોંઘવારીનો ઝટકો પહોંચતો રોકવામાં સરકારના કેટલાક પગલાં પણ કામ આવ્યા છે. રિપોર્ટ મુજબ, સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ અને ટેક્સમાં કરવામાં આવેલા ઘટાડાએ ગ્રાહકોને ઈંધણની ઊંચી કિંમતોની તાત્કાલિક અસરથી બચાવીને રાખ્યા છે.
નવા પ્રાઈવેટ કેપેક્સ સાયકલના સંકેત
મૂડીઝના રિપોર્ટનો સૌથી મહત્વનો હિસ્સો ખાનગી રોકાણ સાથે જોડાયેલો છે. એજન્સીને એવા અનેક સંકેતો દેખાઈ રહ્યા છે જે બતાવે છે કે ખાનગી કંપનીઓ ફરીથી રોકાણના માર્ગે પરત ફરી રહી છે:
કેપિટલ ગુડ્સનું ઉત્પાદન અને આયાતવધી છે
ઉદ્યોગોને મળતી લોનની રફ્તાર તેજ બની છે
ફેક્ટરીઓમાં કેપેસિટી યુટિલાઈઝેશન સુધરી રહ્યું છે
આ સંકેતો પર રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, "આ સંકેતો બતાવે છે કે કંપનીઓ અને બેંકિંગ સેક્ટરની બેલેન્સ શીટને ઘણા વર્ષો સુધી તંદુરસ્ત કર્યા પછી, શક્ય છે કે ભારત હવે એક નવા પ્રાઈવેટ કેપેક્સ સાયકલના ઉંબરે ઊભું હોય."
મોંઘવારી, ખેતી અને ઊંચા વ્યાજ દરોનું જોખમ યથાવત
વિકાસ દરનું અનુમાન વધારવાની સાથે-સાથે મૂડીઝે કેટલાક જોખમો તરફ પણ ઈશારો કર્યો છે. એજન્સીના જણાવ્યા અનુસાર, ખાસ કરીને વધતી મોંઘવારી, ખેતીની નબળી ઉપજ અને ઊંચા વ્યાજ દરોને કારણે ગ્રોથ સામે હજુ પણ કેટલાક જોખમો બનેલા છે:
ગ્રામીણ માંગ પર અસર: ગામડાઓની માંગ પર હવામાનનું સંકટ છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસામાં ઘટ અને મજબૂત બનતી અલ નીનોની સ્થિતિ ગ્રામીણ માંગ પર નકારાત્મક અસર પાડી શકે છે.
RBI ની કડક નીતિ: બીજી તરફ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા મોનેટરી પોલિસીને વધુ કડક કરવાથી ખાનગી રોકાણની રિકવરીમાં વિલંબ થઈ શકે છે. એજન્સીએ કહ્યું કે, "RBI જે રીતે વ્યાજ દરો હજુ વધારવાના માર્ગે છે, તેમાં કડક મોનેટરી પોલિસી ખાનગી રોકાણની રિકવરીમાં વિલંબ ઊભો કરી શકે છે."