પીએમ મોદી સાથેની આ મુલાકાત બાદ, ભારતમાં આ કંપનીઓનું કુલ રોકાણ અને બિઝનેસ 180 અબજ ડોલર સુધી પહોંચવાની શક્યતા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો 5 દેશોનો સફળ પ્રવાસ પૂરો કરીને ગુરુવારે સવારે દિલ્હી પરત ફર્યા છે. તેમનો આ પ્રવાસ ભારતના આર્થિક વિકાસ અને વિદેશી રોકાણ માટે ખૂબ જ ગેમ-ચેન્જર સાબિત થયો છે. આ મુલાકાત દરમિયાન ભારતને લગભગ 3.5 લાખ કરોડ રૂપિયા (આશરે 40 અબજ ડોલર) ના નવા રોકાણ અને બિઝનેસ વિસ્તરણની ભેટ મળી છે.
50 થી વધુ ગ્લોબલ CEO સાથે મુલાકાત
આ પ્રવાસમાં પીએમ મોદીએ યુએઈ (UAE), નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઈટલી એમ કુલ 5 દેશોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે અલગ-અલગ સેક્ટરની 50 થી વધુ વૈશ્વિક કંપનીઓના CEO અને સિનિયર અધિકારીઓ સાથે ખાસ બેઠક કરી હતી. આ તમામ કંપનીઓનું કુલ વેલ્યુએશન 2.7 થી 3 ટ્રિલિયન ડોલરની વચ્ચે હોવાનો અંદાજ છે.
પીએમ મોદી સાથેની આ મુલાકાત બાદ, ભારતમાં આ કંપનીઓનું કુલ રોકાણ અને બિઝનેસ 180 અબજ ડોલર સુધી પહોંચવાની શક્યતા છે. અધિકારીઓએ જણાવ્યું કે, ભારતના મજબૂત આર્થિક વિકાસ અને વધતી માંગનો ફાયદો ઉઠાવવા આ વૈશ્વિક કંપનીઓ ભારતમાં પોતાનો વ્યાપ વધારવા માટે આતુર છે.
કયા સેક્ટરમાં થશે રોકાણ અને UAE ની મોટી જાહેરાત
સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, દેશમાં રોજગારીની તકો ઊભી કરવા માટે નીચે મુજબના સેક્ટરમાં મોટા રોકાણની તૈયારી છે. સેમિકન્ડક્ટર, લોજિસ્ટિક્સ, ટેકનોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મહત્વના ક્ષેત્રોમાં ઘણા નવા પ્રોજેક્ટ્સ હાલ પાઇપલાઇનમાં છે. આ મુલાકાતની સૌથી મોટી જાહેરાતમાં સંયુક્ત આરબ અમીરાત (UAE) નો સમાવેશ થાય છે. UAE એ ભારતમાં 5 અબજ ડોલર એટલે કે લગભગ 45,000 કરોડ રૂપિયાના નવા રોકાણનું વચન આપ્યું છે. કુલ મળીને આ પ્રવાસમાં 40 અબજ ડોલર (3.5 લાખ કરોડ રૂપિયા) ના નવા રોકાણના વાયદાઓ મળ્યા છે.
ઈટલી સાથે મજબૂત સંબંધો: જ્યોર્જિયા મેલોની સાથે ખાસ મુલાકાત
પીએમ મોદીના આ પ્રવાસનો અંતિમ પડાવ ઈટલી હતો, જ્યાંથી તેઓ બુધવારે રાત્રે રોમથી ભારત આવવા રવાના થયા હતા. ઈટલીમાં તેમણે ત્યાંના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે ઉચ્ચસ્તરીય વાતચીત કરી હતી. આ બેઠકમાં બંને દેશો વચ્ચેના સંબંધોને 'ખાસ વ્યૂહાત્મક ભાગીદારી' (સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ) ના સ્તર સુધી લઈ જવા પર સંમતિ બની છે.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરતા લખ્યું, "ઈટલીનો અત્યંત સફળ પ્રવાસ પૂરો કરી રહ્યો છું. પીએમ જ્યોર્જિયા મેલોની સાથે ઘણા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર સાર્થક ચર્ચા થઈ. આ ભાગીદારીથી આવનારા વર્ષોમાં આપણા સહયોગને નવી ગતિ મળશે. હું પીએમ મેલોની, ઇટાલિયન સરકાર અને ત્યાંના લોકોનો તેમની મિત્રતા અને ઉષ્માભર્યા સ્વાગત માટે આભાર માનું છું."
આ ઉપરાંત વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પણ 'X' પર પોસ્ટ કરીને માહિતી આપી કે, "ભારત અને ઈટલીના સંબંધો વધુ મજબૂત બની રહ્યા છે. પીએમ મોદીના 5 દેશોના પ્રવાસનું આ અંતિમ ચરણ સફળ રહ્યું છે અને આ મુલાકાતથી ભવિષ્ય માટે સકારાત્મક પરિણામો સામે આવ્યા છે."