નાણાકીય વર્ષ 2026 માં સરકારી બેંકોનો નફો 2 લાખ કરોડ રૂપિયાને પાર જવાની શક્યતા છે. બેંકોની ડિપોઝિટમાં 10% નો વધારો થયો છે. જાણો સરકાર FDI લિમિટ અંગે શું વિચારી રહી છે અને બેંકોની આર્થિક સ્થિતિ વિશે.
બેંકોની કમાણી વધતા સરકાર અને શેરહોલ્ડર્સને પણ મોટો ફાયદો થયો છે. PSBs એ નાણાકીય વર્ષ 2024-25 માં કુલ 34,990 કરોડ રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું હતું.
PSU Banks Profit: ભારતીય બેંકિંગ સેક્ટર, ખાસ કરીને સરકારી બેંકો (Public Sector Banks) માટે હાલ સોનેરી સમય ચાલી રહ્યો છે. જે બેંકો એક સમયે ડૂબતી લોન (NPA) થી પરેશાન હતી, તે હવે રેકોર્ડબ્રેક નફો કરી રહી છે. નાણાકીય સેવા સચિવ એમ નાગરાજુએ દાવો કર્યો છે કે વર્તમાન નાણાકીય વર્ષ 2025-26 માં જાહેર ક્ષેત્રની બેંકોનો કુલ નફો 2 લાખ કરોડ રૂપિયાના જંગી આંકડાને પાર કરી જશે.
બેંકોની તિજોરી છલકાશે: 3 વર્ષમાં નફો બમણો
નાણાકીય સેવા સચિવના જણાવ્યા મુજબ, ભારતીય બેંકિંગ સેક્ટરની સ્થિતિ હાલ ખૂબ જ મજબૂત છે. આ વર્ષે સરકારી બેંકોના ક્રેડિટ (ધિરાણ) માં 12% અને ડિપોઝિટ (જમા રકમ) માં 10% નો વધારો જોવા મળ્યો છે, જે ખૂબ જ પ્રોત્સાહક છે.
સરકારી બેંકોનો નફો છેલ્લા ત્રણ વર્ષમાં બમણો થવા જઈ રહ્યો છે. આંકડા પર નજર કરીએ તો:
નાણાકીય વર્ષ 2022-23 માં નફો 1.05 લાખ કરોડ રૂપિયા હતો.
વર્ષ 2023-24 માં તે વધીને 1.41 લાખ કરોડ રૂપિયા થયો.
વર્ષ 2024-25 માં નફો 1.78 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યો હતો.
હવે, ચાલુ નાણાકીય વર્ષમાં (FY26) આ આંકડો 2 લાખ કરોડને પાર કરી જવાની પૂરેપૂરી શક્યતા છે.
એપ્રિલથી સપ્ટેમ્બરના પ્રથમ છ મહિનામાં જ બેંકોએ લગભગ 1 લાખ કરોડ રૂપિયાનો નફો તો કરી લીધો છે. એસેટ ક્વોલિટીમાં સુધારો અને ક્રેડિટ ગ્રોથ આ નફા પાછળના મુખ્ય કારણો છે.
NPA માં રેકોર્ડ ઘટાડો
કોઈ પણ બેંકની મજબૂતી તેની લોન રિકવરી પરથી નક્કી થાય છે. સપ્ટેમ્બર 2025 ના અંત સુધીમાં સરકારી બેંકોનો ગ્રોસ NPA (નોન-પરફોર્મિંગ એસેટ) રેકોર્ડ નીચલા સ્તરે એટલે કે 2.30% પર આવી ગયો છે. જ્યારે નેટ NPA 3% નોંધાયો હતો. આ ઉપરાંત, પ્રોવિઝનિંગ કવરેજ રેશિયો (PCR) સુધરીને 94.63% થયો છે, જે દર્શાવે છે કે બેંકો આર્થિક રીતે સુરક્ષિત છે. આરબીઆઈ (RBI) ના કડક અને વિવેકપૂર્ણ મેનેજમેન્ટને કારણે બેંકિંગ સેક્ટર બાહ્ય પરિબળોથી સુરક્ષિત રહ્યું છે.
સરકાર અને શેરહોલ્ડર્સને જલસા
બેંકોની કમાણી વધતા સરકાર અને શેરહોલ્ડર્સને પણ મોટો ફાયદો થયો છે. PSBs એ નાણાકીય વર્ષ 2024-25 માં કુલ 34,990 કરોડ રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું હતું. જેમાં ભારત સરકારને ભાગે 22,699 કરોડ રૂપિયા આવ્યા હતા. આ રકમ ગયા વર્ષની સરખામણીમાં ઘણી વધારે છે, કારણ કે વર્ષ 2023-24 માં સરકારને 18,013 કરોડ રૂપિયા મળ્યા હતા.
FDI લિમિટ વધારવા પર વિચારણા
સરકારી બેંકોમાં વિદેશી રોકાણ વધારવા માટે સરકાર એક મોટા ફેરફાર પર વિચાર કરી રહી છે. હાલમાં જાહેર ક્ષેત્રની બેંકોમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI) ની મર્યાદા 20% છે. નાણા મંત્રાલય તેને વધારીને 49% કરવા વિચારી રહ્યું છે.
આ અંગે વાત કરતા એમ નાગરાજુએ કહ્યું કે, "અમે હજુ આ પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યા છીએ અને અલગ-અલગ મંત્રાલયો વચ્ચે પરામર્શ ચાલુ છે." અત્રે ઉલ્લેખનીય છે કે પ્રાઈવેટ સેક્ટરની બેંકોમાં FDI લિમિટ 74% છે, જેમાં 49% સુધી ઓટોમેટિક રૂટથી મંજૂરી મળે છે. જો સરકાર આ નિર્ણય લેશે તો સરકારી બેંકોમાં વિદેશી ભંડોળનો પ્રવાહ વધશે.