CIBIL Score: શું તમારો સિબિલ સ્કોર ખરાબ છે? તો ક્રેડિટ કાર્ડ મળશે કે નહીં? જાણો RBI નો નિયમ અને સરળ ઉપાય
CIBIL Score Bad: શું ખરાબ CIBIL સ્કોરને કારણે તમારું ક્રેડિટ કાર્ડ રિજેક્ટ થયું છે? જાણો RBI ના નિયમો શું કહે છે અને ઓછા સ્કોર પર પણ ક્રેડિટ કાર્ડ મેળવવાની 3 સરળ રીતો.
જો તમારો સ્કોર 600 થી નીચે હોય, તો તેનો અર્થ એ છે કે ભૂતકાળમાં તમે લોન કે બિલ ભરવામાં બેદરકારી રાખી છે. આવા સમયે બેંક તમને 'હાઈ રિસ્ક કસ્ટમર' માને છે.
CIBIL Score Bad: આજના ડિજિટલ યુગમાં ક્રેડિટ કાર્ડ એ માત્ર શોખની વસ્તુ નથી રહી, પરંતુ એક મોટી જરૂરિયાત બની ગયું છે. ઓનલાઈન શોપિંગ કરવું હોય, ફ્લાઈટની ટિકિટ બુક કરવી હોય કે પછી અચાનક આવી પડેલી મેડિકલ ઈમરજન્સી હોય, ક્રેડિટ કાર્ડ હંમેશા કામ લાગે છે. જોકે, જ્યારે આપણે હોંશે હોંશે નવા કાર્ડ માટે એપ્લાય કરીએ છીએ, ત્યારે ઘણીવાર બેંક તરફથી 'રિજેક્શન'નો મેસેજ આવે છે અને તેનું કારણ આપવામાં આવે છે - "તમારો CIBIL સ્કોર ઓછો છે."
આવી સ્થિતિમાં ઘણા લોકો નિરાશ થઈ જાય છે. તેમના મનમાં એક જ સવાલ થાય છે કે શું હવે તેમને ક્યારેય નવું ક્રેડિટ કાર્ડ નહીં મળે? જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ, તો આ સમાચાર તમારા માટે જ છે. ચાલો વિગતે સમજીએ.
શું છે આ CIBIL સ્કોર?
સરળ ભાષામાં કહીએ તો, CIBIL સ્કોર એ તમારી આર્થિક કુંડળી છે. આ એક 3 અંકનો નંબર હોય છે, જે 300 થી 900 ની વચ્ચે હોય છે.
જો તમારો સ્કોર 750 કે તેથી વધુ હોય, તો બેંકો તેને ઉત્તમ માને છે અને લોન કે કાર્ડ તરત આપે છે. જો તમારો સ્કોર 600 થી નીચે હોય, તો તેનો અર્થ એ છે કે ભૂતકાળમાં તમે લોન કે બિલ ભરવામાં બેદરકારી રાખી છે. આવા સમયે બેંક તમને 'હાઈ રિસ્ક કસ્ટમર' માને છે.
શું RBI એ ખરાબ સ્કોરવાળાને કાર્ડ આપવાની ના પાડી છે?
આ બાબતે ઘણા લોકોમાં ગેરસમજ છે. તમને જણાવી દઈએ કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એવો કોઈ નિયમ નથી બનાવ્યો કે જેનાથી ખરાબ CIBIL સ્કોર ધરાવતા વ્યક્તિને ક્રેડિટ કાર્ડ ન મળી શકે. ક્રેડિટ કાર્ડ આપવું કે નહીં, તે સંપૂર્ણપણે બેંક અથવા કાર્ડ કંપનીની પોતાની પોલિસી પર આધારિત છે. બેંક પોતાના જોખમને ધ્યાનમાં રાખીને નિર્ણય લેતી હોય છે. એટલે કે RBI તરફથી કોઈ પ્રતિબંધ નથી.
ખરાબ સ્કોર હોય તો ક્રેડિટ કાર્ડ કેવી રીતે મળે?
જો તમારો સિબિલ સ્કોર ખરાબ છે, તો પણ નિરાશ થવાની જરૂર નથી. તમે નીચે મુજબના વિકલ્પો અપનાવીને ક્રેડિટ કાર્ડ મેળવી શકો છો:
સિક્યોર્ડ ક્રેડિટ કાર્ડ (Secured Credit Card): આ સૌથી સુરક્ષિત અને સરળ રસ્તો છે. તમારે બેંકમાં એક ફિક્સ ડિપોઝિટ (FD) કરાવવી પડે છે અને તેના બદલામાં બેંક તમને ક્રેડિટ કાર્ડ આપે છે.
એડ-ઓન કાર્ડ (Add-on Card): જો તમારા પરિવારના કોઈ સભ્ય (જેમ કે પિતા કે પતિ/પત્ની) પાસે સારું ક્રેડિટ કાર્ડ હોય, તો તમે તેમના કાર્ડ પર 'એડ-ઓન' કાર્ડ લઈ શકો છો.
ફિનટેક કંપનીઓ: આજકાલ ઘણી NBFC અને ફિનટેક કંપનીઓ ઓછી ક્રેડિટ લિમિટ સાથે કાર્ડ ઓફર કરે છે. શરૂઆતમાં લિમિટ ઓછી મળશે, પણ તેનાથી તમારો રેકોર્ડ સુધરશે.
ક્રેડિટ કાર્ડથી કેવી રીતે સુધરશે તમારો સ્કોર?
જો તમને ઉપર જણાવેલી રીતે કોઈ એક ક્રેડિટ કાર્ડ મળી જાય, તો તે તમારા ખરાબ સ્કોરને સુધારવાની સુવર્ણ તક છે. દર મહિને ક્રેડિટ કાર્ડનું બિલ સમયસર ભરો. કાર્ડની લિમિટ પૂરેપૂરી વાપરવાને બદલે 30-40% જેટલી જ વાપરો. નિયમિત ઉપયોગ કરો.
જો તમે આ શિસ્ત જાળવશો, તો 6 થી 12 મહિનામાં તમારા CIBIL સ્કોરમાં મોટો સુધારો જોવા મળશે. એકવાર સ્કોર સારો થઈ જાય, પછી તમે કોઈપણ બેંકનું સામાન્ય ક્રેડિટ કાર્ડ સરળતાથી મેળવી શકશો.