UPI in Malaysia: હવે મલેશિયામાં પણ વાગશે ભારતનો ડંકો! PM મોદીની મોટી જાહેરાત, જાણો કયા દેશોમાં ચાલે છે UPI?
UPI in Malaysia: ભારતનું UPI હવે મલેશિયામાં પણ ધૂમ મચાવશે! PM મોદીએ કુઆલાલંપુરમાં કરી મોટી જાહેરાત. જાણો ભારત સિવાય બીજા કયા દેશોમાં ચાલે છે UPI અને ભારતીયોને શું ફાયદો થશે.
મલેશિયામાં ભારતીય સમુદાયની મોટી વસ્તી છે. PM મોદીએ કહ્યું કે, "લગભગ 30 લાખ ભારતીયો મલેશિયામાં વસે છે, જે દુનિયાના સૌથી મોટા ભારતીય પ્રવાસી સમૂહોમાંનું એક છે."
UPI in Malaysia: ભારતની ડિજિટલ ક્રાંતિની ચર્ચા હવે આખી દુનિયામાં થઈ રહી છે. ભારતનું લોકપ્રિય પેમેન્ટ પ્લેટફોર્મ 'યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ' એટલે કે UPI હવે એક ગ્લોબલ બ્રાન્ડ બની ગયું છે. આ કડીમાં હવે વધુ એક દેશનું નામ જોડાવવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે ટૂંક સમયમાં મલેશિયામાં પણ UPI સર્વિસ શરૂ કરવામાં આવશે.
મલેશિયામાં UPIનો પ્રારંભ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ મલેશિયાની બે દિવસીય મુલાકાતે છે. આ દરમિયાન તેમણે ભારતીય સમુદાયને સંબોધતા એક મોટા સમાચાર આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ભારત અને મલેશિયા વચ્ચેના આર્થિક અને નાગરિક સંબંધોને વધુ મજબૂત કરવા માટે ટૂંક સમયમાં અહીં UPI પેમેન્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવશે. આ સુવિધા શરૂ થવાથી મલેશિયામાં વસતા ભારતીયો અને ત્યાં ફરવા જતા પ્રવાસીઓને લેવડ-દેવડમાં મોટી રાહત મળશે.
PM મોદીનું ભવ્ય સ્વાગત
વડાપ્રધાન મોદી 2026ની તેમની પ્રથમ વિદેશ યાત્રા પર કુઆલાલંપુર પહોંચ્યા. અહીં તેમનું સ્વાગત કરવા માટે મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમ ખુદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. એટલું જ નહીં, તેઓ PM મોદી સાથે કાર્યક્રમ સ્થળ સુધી પણ ગયા હતા. આ ઘટના બંને નેતાઓ વચ્ચેની મિત્રતા અને ભારત-મલેશિયાના મજબૂત સંબંધોને દર્શાવે છે.
વડાપ્રધાને જૂની યાદો તાજી કરતા કહ્યું હતું કે, "ગયા વર્ષે હું આસિયાન સમિટ માટે આવી શક્યો ન હતો, પરંતુ મેં મારા મિત્ર અનવર ઈબ્રાહિમને વચન આપ્યું હતું કે હું જલ્દી આવીશ. આજે વચન મુજબ હું અહીં છું."
ભારતીય સમુદાયનો દબદબો
મલેશિયામાં ભારતીય સમુદાયની મોટી વસ્તી છે. PM મોદીએ કહ્યું કે, "લગભગ 30 લાખ ભારતીયો મલેશિયામાં વસે છે, જે દુનિયાના સૌથી મોટા ભારતીય પ્રવાસી સમૂહોમાંનું એક છે." તેમણે મલેશિયાના વિકાસમાં ભારતીયોના યોગદાનની ભરપૂર પ્રશંસા કરી હતી. કાર્યક્રમમાં 800 કલાકારોએ એક શાનદાર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો, જેને જોઈને વડાપ્રધાન મંત્રમુગ્ધ થઈ ગયા હતા.
દુનિયાના કયા દેશોમાં ચાલે છે UPI?
માત્ર મલેશિયા જ નહીં, ભારતનું UPI અત્યારે દુનિયાના ઘણા પ્રમુખ દેશોમાં કાર્યરત છે. ચાલો જોઈએ લિસ્ટ:
ભૂટાન: UPI (BHIM) સ્વીકારનાર વિશ્વનો આ સૌથી પહેલો દેશ હતો (2021).
ફ્રાન્સ: આ પહેલો યુરોપિયન દેશ છે જ્યાં UPI ચાલે છે. અહીંના એફિલ ટાવર જેવી જગ્યાએ તમે UPI થી પેમેન્ટ કરી શકો છો (2023).
સિંગાપોર: અહીં PayNow સાથે ભાગીદારી કરીને મોલ અને ખાણીપીણીની જગ્યાએ પેમેન્ટની સુવિધા અપાય છે (2024).
UAE: દુબઈ મોલ, એરપોર્ટ અને 60,000 થી વધુ આઉટલેટ્સ પર UPI ચાલે છે (2023).
નેપાળ: ભારતીય પ્રવાસીઓ માટે અહીં Fonepay સાથે મળીને સુવિધા શરૂ કરાઈ છે.
શ્રીલંકા: અહીંના ટુરિસ્ટ પ્લેસ અને એરપોર્ટ પર પણ હવે QR કોડ સ્કેન કરીને પેમેન્ટ થઈ શકે છે (2024).
મોરેશિયસ: અહીં UPI અને RuPay બંને કાર્ડ ચાલે છે.
ઓમાન: અહીં ભારતીયો માટે સેન્ટ્રલ બેંક સાથે મળીને સુવિધા ઉભી કરાઈ છે (2023).
આ લિસ્ટમાં હવે 2025 સુધીમાં યુરોપના સાયપ્રસ દેશનું નામ પણ જોડાવાની તૈયારીમાં છે. આમ, ભારતનું UPI હવે ખરા અર્થમાં 'લોકલ ટુ ગ્લોબલ' બની રહ્યું છે.