ગલવાન હિંસાના 7 દિવસ બાદ ચીને કર્યું હતું સીક્રેટ ન્યુક્લિયર ટેસ્ટ? અમેરિકાના ખુલાસાથી દુનિયામાં ખળભળાટ
China Secret Nuclear Test: ગલવાનમાં ભારત-ચીન સૈનિકો વચ્ચેની હિંસાના માત્ર 7 દિવસ બાદ જ ચીને ગુપ્ત રીતે અણુ પરીક્ષણ કર્યું હોવાનો અમેરિકાએ દાવો કર્યો છે. જાણો કેવી રીતે ડ્રેગને ખાસ ટેકનોલોજી વાપરીને દુનિયાની નજર ચૂકવી.
અમેરિકાના અંડર સેક્રેટરી ઓફ સ્ટેટ, થોમસ ડિનેનોએ જીનીવામાં સંયુક્ત રાષ્ટ્રના નિઃશસ્ત્રીકરણ સંમેલન દરમિયાન આ ગંભીર આરોપ લગાવ્યો છે.
China Secret Nuclear Test: ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં કડવાશ લાવનારી ગલવાન ઘાટીની ઘટનાને કોઈ ભૂલી શક્યું નથી. પરંતુ હવે અમેરિકાએ આ ઘટના સાથે જોડાયેલો એક એવો ચોંકાવનારો દાવો કર્યો છે, જેનાથી આખી દુનિયામાં ખળભળાટ મચી ગયો છે. અમેરિકાનું કહેવું છે કે જ્યારે ભારત અને ચીન ગલવાનમાં આમને-સામને હતા અને વિશ્વ કોરોના સામે લડી રહ્યું હતું, ત્યારે ચીને ચૂપચાપ એક સીક્રેટ ન્યુક્લિયર ટેસ્ટ (ગુપ્ત અણુ પરીક્ષણ) પાર પાડ્યું હતું.
અમેરિકાનો સનસનીખેજ દાવો
અમેરિકાના અંડર સેક્રેટરી ઓફ સ્ટેટ, થોમસ ડિનેનોએ જીનીવામાં સંયુક્ત રાષ્ટ્રના નિઃશસ્ત્રીકરણ સંમેલન દરમિયાન આ ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર માહિતી આપતા જણાવ્યું કે, અમેરિકા પાસે એવી ગુપ્ત માહિતી (Intelligence) છે કે ચીને વૈશ્વિક નિગરાણી સંસ્થાઓની નજરથી બચવા માટે ચોરીછૂપીથી પરમાણુ પરીક્ષણ કર્યું હતું. અમેરિકી અધિકારીના જણાવ્યા મુજબ, આ પરીક્ષણ 22 જૂન, 2020ના રોજ કરવામાં આવ્યું હતું.
ગલવાન હિંસાના માત્ર 7 દિવસ બાદ જ ટેસ્ટ !
આ તારીખ ખૂબ જ મહત્વની અને સંવેદનશીલ છે. કારણ કે, 22 જૂન, 2020ના બરાબર સાત દિવસ પહેલા એટલે કે 15 જૂને ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ ઘટનામાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા. રિપોર્ટ્સ મુજબ ચીનને પણ મોટું નુકસાન થયું હતું, જોકે તેણે ક્યારેય સત્તાવાર આંકડા જાહેર કર્યા નથી. બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ હતી, અને તે જ સમયે ચીન પરમાણુ તૈયારીઓ કરી રહ્યું હતું તે વાત ઘણી ચિંતાજનક છે.
ચીને દુનિયાથી આ વાત કેવી રીતે છુપાવી?
સૌથી મોટો સવાલ એ છે કે આજે સેટેલાઇટના જમાનામાં ચીન આવડી મોટી હરકત છુપાવી કેવી રીતે શક્યું? અમેરિકી અધિકારીઓના મતે, ચીને આ ટેસ્ટ શિનજિયાંગના લોપ નુર સાઇટ પર કર્યો હતો, જે ભારતની સરહદની નજીક છે. આ માટે ચીને ડી-કપલિંગ (De-coupling) નામની ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. સરળ ભાષામાં સમજીએ તો, સામાન્ય રીતે પરમાણુ ધડાકો થાય ત્યારે જમીનમાં જોરદાર કંપન (Seismic Waves) પેદા થાય છે, જે સેન્સર પકડી લે છે. પરંતુ ચીને આ વિસ્ફોટ જમીનની નીચે એક ખૂબ મોટા ખાડામાં કર્યો. આમ કરવાથી ધડાકાના તરંગો દબાઈ જાય છે અને બહાર વધારે કંપન અનુભવાતું નથી. આ એક જૂની પદ્ધતિ છે જેનો ઉપયોગ ટેસ્ટ છુપાવવા માટે થાય છે.
શું ગલવાનની ઘટના એક કવચ હતી?
કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે જો ચીને ખરેખર આવું કર્યું હોય, તો તેની તૈયારીઓ મહિનાઓથી ચાલતી હશે. ગલવાનની ઘટનાને કારણે આખી દુનિયાનું ધ્યાન બોર્ડર પર હતું. ચીન માટે આ એક તકની જેમ કામ કરી ગયું હોઈ શકે, જ્યાં બોર્ડર પરના તણાવની આડમાં તેણે કોઈનું ધ્યાન ગયા વગર પરમાણુ પરીક્ષણ કરી લીધું.
ટ્રમ્પ પ્રશાસન અને પરમાણુ સંધિ
આ ખુલાસો એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકા અને રશિયા વચ્ચેની પરમાણુ હથિયાર સંધિ 5 ફેબ્રુઆરીએ પૂરી થઈ ચૂકી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈચ્છતા હતા કે ભવિષ્યમાં કોઈપણ પરમાણુ સંધિ થાય તો તેમાં ચીનને પણ સામેલ કરવામાં આવે. અમેરિકાનું માનવું છે કે ચીન પાસે લગભગ 600 જેટલા પરમાણુ હથિયારો છે અને તે સતત પોતાની તાકાત વધારી રહ્યું છે.
ચીન અને મોનિટરિંગ એજન્સીનો જવાબ
બીજી બાજુ, પરમાણુ નિઃશસ્ત્રીકરણ પર ચીનના રાજદૂત શેન જિયાને આ આરોપોનો સીધો સ્વીકાર કે ઈન્કાર કર્યો નથી. તેમણે કહ્યું કે ચીન પરમાણુ મુદ્દે હંમેશા જવાબદાર રહ્યું છે અને અમેરિકા ખોટી વાતો ફેલાવીને ચીનના ખતરાને મોટો બતાવી રહ્યું છે.
જોકે, આંતરરાષ્ટ્રીય મોનિટરિંગ સંસ્થા CTBTO (જે પરમાણુ પરીક્ષણો પર નજર રાખે છે) એ જણાવ્યું હતું કે, તેમની સિસ્ટમે તે સમયગાળા દરમિયાન ચીનમાં કોઈ અસામાન્ય ગતિવિધિ પકડી નહોતી. આ બાબત અમેરિકાના ડી-કપલિંગ ટેકનોલોજીના દાવાને વધુ રસપ્રદ બનાવે છે કે શું ખરેખર ચીને સિસ્ટમને છેતરી લીધી હતી?
આ સમગ્ર ઘટનાક્રમ દર્શાવે છે કે 2020માં માત્ર કોરોના કે સરહદી વિવાદ જ નહીં, પણ પડદા પાછળ પરમાણુ શક્તિનું પણ મોટું અને ખતરનાક ખેલ રમાઈ રહ્યું હતું.