LPG ગેસ સિલિન્ડર સબસિડી અંગે સરકારનો મોટો નિર્ણય, આ લોકોની સબસિડી થશે બંધ
જો તમારી કમાણી 10 લાખથી વધુ છે તો તમારી LPG ગેસ સબસિડી બંધ થઈ શકે છે. સરકાર દ્વારા ગ્રાહકોને 7 દિવસનું અલ્ટીમેટમ આપતા SMS મોકલાઈ રહ્યા છે. જાણો શું છે નવા નિયમ.
જે લોકોને આ મેસેજ મળ્યો છે, તેમને 7 દિવસની અંદર જવાબ આપવા અથવા પોતાની માહિતી અપડેટ કરવા માટે કહેવામાં આવ્યું છે.
ગેસ સિલિન્ડર વાપરતા ગ્રાહકો માટે એક મોટા અને અગત્યના સમાચાર છે. સરકારે હવે ઘરેલુ ગેસ સિલિન્ડર પર મળતી સબસિડી અંગે કડક વલણ અપનાવ્યું છે. જો તમારી આવક નક્કી કરેલી મર્યાદા કરતા વધારે છે, તો હવે તમને ગેસ પર સબસિડી (LPG Subsidy) નો લાભ નહીં મળે. યોગ્ય અને પાત્ર લોકોને જ સબસિડી મળે તે હેતુથી સરકાર તરફથી ગ્રાહકોના મોબાઈલ પર એક ખાસ SMS મોકલવામાં આવી રહ્યો છે.
કોને આવી રહ્યા છે મેસેજ અને શું છે ચેતવણી?
સોશિયલ મીડિયા પર સીએ હિમાંક સિંગલાએ સરકારી ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલ તરફથી આવેલો એક મેસેજનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. આ મેસેજ મુજબ, જો કોઈ ગ્રાહક અથવા તેના પરિવારના કોઈપણ સભ્યની કુલ ટેક્સેબલ આવક 10 લાખથી વધુ છે, તો તેમની ગેસ સબસિડી બંધ કરવામાં આવશે.
Government has now started sending text messages regarding LPG subsidy eligibility based on Income-Tax records. Consumers whose gross taxable income (self or linked family member) exceeds ₹10 lakh are being asked to respond within 7 days, failing which LPG subsidy may be… pic.twitter.com/HHXiQ2BkfX
જે લોકોને આ મેસેજ મળ્યો છે, તેમને 7 દિવસની અંદર જવાબ આપવા અથવા પોતાની માહિતી અપડેટ કરવા માટે કહેવામાં આવ્યું છે. જો 7 દિવસમાં કોઈ જવાબ નહીં મળે, તો સબસિડી તાત્કાલિક ધોરણે બંધ થઈ શકે છે.
નિયમોના પાલન પર સરકાર બની કડક
તમને જણાવી દઈએ કે, 'પહેલ' (PAHAL) યોજના અંતર્ગત 10 લાખથી વધુ વાર્ષિક આવક ધરાવતા પરિવારોને સબસિડી ન આપવાનો નિયમ પહેલેથી જ છે. પરંતુ, ઘણા અપાત્ર લોકો આનો ગેરલાભ ઉઠાવી રહ્યા હતા. હવે નવા મેસેજ પરથી સાબિત થાય છે કે સરકાર આ નિયમનું કડકાઈથી પાલન કરાવી રહી છે.
સરકાર તમારી કમાણી વિશે કેવી રીતે જાણશે?
ડેટા મેચિંગ: મીડિયા રિપોર્ટ્સ મુજબ, સરકાર હવે PAN કાર્ડ સાથે જોડાયેલા ઇન્કમ ટેક્સ રેકોર્ડ, આધાર કાર્ડ સાથે લિંક પરિવારની માહિતી અને LPG ગ્રાહકોના ડેટાબેઝનું ક્રોસ-ચેકિંગ કરી રહી છે.
આખા પરિવારની આવક: આ તપાસમાં માત્ર જેના નામે ગેસ કનેક્શન છે તેની જ નહીં, પરંતુ પરિવારના અન્ય સભ્યોની કમાણી પણ ધ્યાનમાં લેવામાં આવશે. એટલે કે, ઘરમાં કોઈ એક સભ્યની આવક પણ મર્યાદાની બહાર હશે, તો આખા પરિવારની સબસિડી પર અસર પડશે.
સરકારનો મુખ્ય હેતુ શું છે?
ઘરેલુ ગેસ પર સબસિડી આપવાની શરૂઆત આર્થિક રીતે નબળા અને મિડલ ક્લાસ પરિવારોને રાહત આપવા માટે થઈ હતી. અગાઉ પણ સરકારે 'ગિવ ઈટ અપ' અભિયાન ચલાવ્યું હતું, જેમાં સક્ષમ લોકોને પોતાની મરજીથી સબસિડી છોડવાની અપીલ કરવામાં આવી હતી. હવે સરકાર ડિજિટલ વેરિફિકેશન દ્વારા સરકારી ખર્ચને યોગ્ય દિશામાં વાપરવા માંગે છે.
જો તમને નોટિસ કે SMS મળે તો શું કરવું?
જો તમારા ફોન પર આવો કોઈ મેસેજ આવ્યો છે, તો તમારે તરત જ તમારા KYC ડોક્યુમેન્ટ અને આવકની વિગતો ચેક કરી લેવી. તમારે તમારા ગેસ ડિસ્ટ્રીબ્યુટર (એજન્સી) નો સંપર્ક કરીને અથવા ઓઇલ માર્કેટિંગ કંપનીઓના સત્તાવાર પોર્ટલ પર જઈને તમારી સાચી માહિતી અપડેટ કરી દેવી જોઈએ.