ખેડૂતો માટે ખુશખબર! સરકારે 14 ખરીફ પાકોના MSP માં કર્યો જંગી વધારો, જુઓ નવા રેટનું સંપૂર્ણ લિસ્ટ
કેન્દ્ર સરકારે ખરીફ સીઝન 2026-27 માટે 14 પાકોના MSP (ટેકાના ભાવ) માં મોટો વધારો કર્યો છે. સૂરજમુખી, કપાસ, મગ અને ડાંગરના નવા ભાવ જાણવા માટે આ લિસ્ટ જુઓ.
વર્ષ 2018-19 માં સરકારે ખેડૂતોને ઉત્પાદન ખર્ચના ઓછામાં ઓછા 1.5 ગણા (દોઢ ગણા) ભાવ આપવાનો નિર્ણય કર્યો હતો. આ વખતનો વધારો પણ એ જ નીતિનો ભાગ છે.
દેશના ખેડૂતો માટે એક ખૂબ જ સારા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે આગામી ખરીફ માર્કેટિંગ સીઝન 2026-27 માટે 14 જેટલા ખરીફ પાકોના ન્યૂનતમ ટેકાના ભાવ (MSP) વધારવાની મંજૂરી આપી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેર્સ (CCEA) ની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સરકારનો મુખ્ય હેતુ ખેડૂતોને તેમના પાકના સારા ભાવ અપાવવાનો અને ખેતીને વધુ નફાકારક બનાવવાનો છે. ચાલો જાણીએ કયા પાકમાં કેટલો વધારો થયો છે.
આ પાકોના MSP માં થયો સૌથી મોટો વધારો
સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, આ વખતે સૌથી મોટો વધારો તેલીબિયાં અને કપાસમાં જોવા મળ્યો છે.
સૂરજમુખી બીજ: સૌથી વધુ 622 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે.
કપાસ: કપાસના ટેકાના ભાવમાં 557 રૂપિયાનો મોટો વધારો કરાયો છે.
નાઈજરસીડ: પ્રતિ ક્વિન્ટલે 515 રૂપિયાનો વધારો થયો છે.
તલ: તલના MSP માં 500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે.
ડાંગર, કઠોળ અને તેલીબિયાંના નવા MSP નું લિસ્ટ
ખેડૂતોની જાણકારી માટે સરકારે વર્ષ 2026-27 માટે જાહેર કરેલા નવા ભાવ નીચે મુજબ છે:
ડાંગર (Paddy): સામાન્ય ડાંગરનો નવો MSP 2441 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરાયો છે (જે ગયા વર્ષે 2369 રૂપિયા હતો). જ્યારે ગ્રેડ A ડાંગરનો ભાવ 2461 રૂપિયા રહેશે.
કઠોળ (Pulses): અરહર (તુવેર) નો નવો MSP 8450 રૂપિયા, મગનો 8780 રૂપિયા અને અડદનો 8200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યો છે.
તેલીબિયાં (Oilseeds): સોયાબીનનો નવો MSP 5708 રૂપિયા, સૂરજમુખી બીજનો 8343 રૂપિયા અને તલનો ભાવ 10346 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નિર્ધારિત કરવામાં આવ્યો છે.
સરકાર શા માટે વધારી રહી છે MSP?
છેલ્લા કેટલાક વર્ષોથી સરકાર કઠોળ, તેલીબિયાં અને જાડા ધાન્ય (જેને 'શ્રી અન્ન' કહેવાય છે) ની ખેતીને પ્રોત્સાહન આપી રહી છે. વર્ષ 2018-19 માં સરકારે ખેડૂતોને ઉત્પાદન ખર્ચના ઓછામાં ઓછા 1.5 ગણા (દોઢ ગણા) ભાવ આપવાનો નિર્ણય કર્યો હતો. આ વખતનો વધારો પણ એ જ નીતિનો ભાગ છે.
ખેડૂતોને કેટલો નફો થશે?
આ નવા ભાવથી ખેડૂતોને તેમના ખર્ચ પર સારો એવો નફો મળવાનો અંદાજ છે. સૌથી વધુ 61 ટકા જેટલો નફો મગના પાકમાં મળી શકે છે. આ ઉપરાંત બાજરી અને મકાઈમાં 56 ટકા જ્યારે અરહર (તુવેર) માં 54 ટકા જેટલો ફાયદો થવાની ધારણા છે.
MSP વધવાથી ખેડૂતોને તેમની ઉપજના યોગ્ય દામ મળશે, જેનાથી તેઓ ખેતીમાં વધુ સારું રોકાણ કરી શકશે. નોંધનીય છે કે, સરકારી ખરીદીમાં પણ જંગી ઉછાળો આવ્યો છે. વર્ષ 2004-05 થી 2013-14 વચ્ચે ડાંગરના ખેડૂતોને 4.44 લાખ કરોડ રૂપિયા ચૂકવાયા હતા. તેની સરખામણીમાં વર્ષ 2014-15 થી 2025-26 સુધીના સમયગાળામાં ડાંગર પકવતા ખેડૂતોને MSP હેઠળ 16.08 લાખ કરોડ રૂપિયાની મોટી રકમ ચૂકવવામાં આવી છે. નવા ભાવ ખેડૂતોની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનાવશે.