RBI MPC June 2026: આ કારણોસર રેપો રેટમાં નહીં થાય કોઈ ઘટાડો, જાણો માર્કેટની નજર કઈ બાબતો પર રહેશે
રિઝર્વ બેંકની મોનેટરી પોલિસીની બેઠક 3 જૂનથી શરૂ થઈ રહી છે. વધતી મોંઘવારી અને વૈશ્વિક તણાવને કારણે રેપો રેટ 5.25% પર યથાવત રહેવાની શક્યતા છે. જાણો સંપૂર્ણ વિગત.
અગાઉના વ્યાજદરના ઘટાડાની અસર બજારમાં જોવા મળી છે, પરંતુ હવે જો એકદમ દિશા બદલવામાં આવે તો મુશ્કેલી ઊભી થઈ શકે છે.
RBI MPC June 2026: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોનેટરી પોલિસી કમિટી (MPC) ની દ્વિમાસિક બેઠક 3 જૂનથી શરૂ થવા જઈ રહી છે. આ નાણાકીય વર્ષની આ બીજી સમીક્ષા બેઠક છે, જેના પર આખા દેશની નજર છે. બે દિવસની ચર્ચા બાદ 5 જૂને RBI ગવર્નર સંજય મલ્હોત્રા નીતિગત નિર્ણયોની સત્તાવાર જાહેરાત કરશે.
મોટાભાગના અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે હાલના વૈશ્વિક અને સ્થાનિક આર્થિક સંજોગોને જોતા મોનેટરી પોલિસી કમિટી રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરે. રેપો રેટને 5.25% પર જ યથાવત રાખવામાં આવે તેવી પૂરી શક્યતા છે. RBI પોતાની પોલિસીનો દૃષ્ટિકોણ 'ન્યૂટ્રલ' (તટસ્થ) રાખી શકે છે.
શા માટે રેપો રેટમાં ઘટાડો નહીં થાય?
નિષ્ણાતોના મતે, હાલમાં વ્યાજદરમાં ઘટાડો કરવો અર્થતંત્ર માટે જોખમી સાબિત થઈ શકે છે. રિઝર્વ બેંકે મોંઘવારીને કાબૂમાં લેવા માટે અત્યાર સુધી જે પણ મહેનત કરી છે, તે વ્યાજદર ઘટાડવાથી પાણીમાં જઈ શકે છે. આર્થિક વિકાસને વેગ આપવાના દબાણમાં આવીને RBI આટલું મોટું રિસ્ક નહીં લે.
મોંઘવારી ફરી માથું ઊંચકી રહી છે
દેશમાં મોંઘવારી ફરી એકવાર ડરાવી રહી છે. એપ્રિલ મહિનામાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) આધારિત મોંઘવારી દર માર્ચના 3.4% થી વધીને 3.48% પર પહોંચી ગયો છે.આ સતત છઠ્ઠો મહિનો છે જ્યારે મોંઘવારીની ગતિ વધી છે.
આ ઉપરાંત, ફૂડ ઇન્ફ્લેશન (ખાવાપીવાની ચીજવસ્તુઓની મોંઘવારી) પણ વધીને 4.2% પર પહોંચી ગઈ છે. આગામી સમયમાં ચોમાસાની અનિશ્ચિતતા અને સપ્લાય ચેઈનની સમસ્યાઓને કારણે શાકભાજી અને અન્ય ખાદ્યપદાર્થોના ભાવ હજુ પણ વધી શકે છે.
વૈશ્વિક તણાવ અને રૂપિયા પર દબાણ
મોંઘવારી ઉપરાંત RBI સામે બીજી મોટી ચેલેન્જ વૈશ્વિક સ્થિતિ છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે છેલ્લા ત્રણ મહિનાથી કાચા તેલ (Crude Oil) ના ભાવ આસમાને છે. જો ક્રૂડ અને ખાધ્ય તેલની આયાત મોંઘી થશે, તો દેશમાં સીધી મોંઘવારી વધશે.
બીજી તરફ, ભારતીય રૂપિયો પણ સતત દબાણ હેઠળ છે. આ વર્ષે 2026 માં જ ડોલર સામે રૂપિયો લગભગ 7% જેટલો નબળો પડી ચૂક્યો છે. જો RBI અત્યારે વ્યાજદર ઘટાડશે, તો વિદેશી રોકાણકારોનો ભરોસો તૂટી શકે છે અને રૂપિયા પર વધુ દબાણ આવી શકે છે.
તો માર્કેટની નજર કઈ બાબતો પર રહેશે?
હાલમાં ભારતીય અર્થવ્યવસ્થા મજબૂત સ્થિતિમાં છે. પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટને સપોર્ટની જરૂર છે, પરંતુ વારંવાર નીતિઓમાં ફેરફાર કરવો યોગ્ય નથી.
અગાઉના વ્યાજદરના ઘટાડાની અસર બજારમાં જોવા મળી છે, પરંતુ હવે જો એકદમ દિશા બદલવામાં આવે તો મુશ્કેલી ઊભી થઈ શકે છે. આથી, શેરબજાર અને રોકાણકારોની નજર માત્ર રેપો રેટના આંકડા પર નહીં હોય. 5 જૂને નીતિગત જાહેરાત કરતી વખતે RBI ગવર્નર પોતાના ભાષણમાં ભવિષ્યની સ્થિતિ અંગે શું સંકેતો આપે છે, તે જાણવું બજાર માટે સૌથી મહત્વનું બની રહેશે.