Textile Stocks Crisis: ગોકલદાસ, વર્ધમાન અને અરવિંદ જેવા શેર 6% સુધી તૂટ્યા, સરકારે અચાનક 50% ઘટાડ્યું ઇન્સેન્ટિવ | Moneycontrol Gujarati
Get App

Textile Stocks Crisis: ગોકલદાસ, વર્ધમાન અને અરવિંદ જેવા શેર 6% સુધી તૂટ્યા, સરકારે અચાનક 50% ઘટાડ્યું ઇન્સેન્ટિવ

Textile Stocks Crisis: ટેક્સટાઈલ સેક્ટર માટે માઠા સમાચાર! સરકારે એક્સપોર્ટ ઇન્સેન્ટિવ (RoDTEP) માં સીધો 50% નો ઘટાડો કર્યો છે. આ સમાચારને પગલે ગોકલદાસ અને અરવિંદ જેવા શેરોમાં મોટો કડાકો બોલ્યો છે. જાણો વિગતે.

અપડેટેડ 12:39:58 PM Feb 24, 2026 પર
Story continues below Advertisement
Textile Stocks Crisis: ટેક્સટાઈલ સેક્ટર માટે માઠા સમાચાર!

Textile Stocks Update: ભારતીય શેરબજારમાં આજે એટલે કે 24 ફેબ્રુઆરીના રોજ ટેક્સટાઈલ કંપનીઓના શેરોમાં ભારે વેચવાલી જોવા મળી છે. સવારથી જ રોકાણકારોનો મૂડ બગડ્યો હતો અને જોતજોતામાં ગોકલદાસ એક્સપોર્ટ્સ, વર્ધમાન ટેક્સટાઈલ અને અરવિંદ લિમિટેડ જેવી દિગ્ગજ કંપનીઓના શેર ધડામ દઈને નીચે પટકાયા હતા.

આ ઘટાડાનું મુખ્ય કારણ સરકાર દ્વારા લેવામાં આવેલો એક મોટો નિર્ણય છે. સરકારે નિકાસને પ્રોત્સાહન આપતી સ્કીમ 'RoDTEP' હેઠળ મળતા લાભો અડધા કરી દીધા છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા જ માર્કેટ ખુલતાની સાથે જ રોકાણકારોએ શેરો વેચવાનું શરૂ કરી દીધું હતું.

કયા શેરમાં કેટલો કડાકો બોલ્યો?

આજે સવારે 10 વાગ્યાની આસપાસની સ્થિતિ જોઈએ તો, ટેક્સટાઈલ સેક્ટરના પ્રમુખ શેરોની હાલત ખરાબ હતી:

વર્ધમાન ટેક્સટાઈલ્સ (Vardhman Textiles): આ શેરમાં સૌથી વધુ 6.2% નો ઘટાડો નોંધાયો હતો.


અરવિંદ લિમિટેડ (Arvind Ltd): અરવિંદના શેર પણ 5.8% તૂટી ગયા હતા.

ગોકલદાસ એક્સપોર્ટ્સ (Gokaldas Exports): આ કંપનીના શેરમાં 5.5% ની નરમાઈ જોવા મળી હતી.

આ સિવાય ઇન્ડો કાઉન્ટ ઇન્ડસ્ટ્રીઝ, વેલસ્પન લિવિંગ અને કીટેક્સ ગારમેન્ટ્સ જેવી કંપનીઓના શેરોમાં પણ 2.5% થી 3% સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. રોકાણકારોને ડર છે કે સરકારી સપોર્ટ ઘટવાથી કંપનીઓના નફા (Profit Margin) પર સીધી અસર પડશે.

સરકારે શું નિર્ણય લીધો છે?

ડાયરેક્ટરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એ એક નોટિફિકેશન બહાર પાડીને જણાવ્યું છે કે હવેથી RoDTEP સ્કીમ હેઠળ મળતો લાભ માત્ર 50% જ મળશે. સરળ ભાષામાં કહીએ તો, એક્સપોર્ટરોને પહેલા જે ઇન્સેન્ટિવ (પ્રોત્સાહન) મળતું હતું, તે હવે અડધું થઈ જશે. આ નવો નિયમ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે.

શું છે RoDTEP સ્કીમ?

સરકારે વર્ષ 2021 માં ‘રિમિશન ઓફ ડ્યુટીઝ એન્ડ ટેક્સીસ ઓન એક્સપોર્ટેડ પ્રોડક્ટ્સ' (RoDTEP) યોજના શરૂ કરી હતી. જ્યારે કોઈ કંપની વિદેશમાં માલ મોકલે છે, ત્યારે ઉત્પાદન અને ડિલિવરી દરમિયાન ઘણા ટેક્સ અને ડ્યુટી લાગે છે, જેનું રિફંડ અન્ય કોઈ સ્કીમમાં મળતું ન હતું. આ સ્કીમ હેઠળ એક્સપોર્ટરોને તે ટેક્સ પાછો આપવામાં આવતો હતો. જેમાં રિફંડના દર 0.3% થી 3.9% ની વચ્ચે રહેતા હતા.

એક્સપોર્ટરોની ચિંતા વધી

સરકારના આ નિર્ણયથી ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન (FIEO) ના ચેરમેન એસ. સી. રલ્હાન નારાજ જોવા મળ્યા છે. તેમણે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, "ભારતીય એક્સપોર્ટ માર્કેટ પહેલાથી જ વૈશ્વિક મંદી અને અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યું છે. આવા સમયમાં મદદ ઘટાડવાથી આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ટકી રહેવું મુશ્કેલ બનશે." તેમણે સરકારને આ નિર્ણય પર ફેરવિચારણા કરવા અપીલ કરી છે.

એક તરફ જાન્યુઆરીમાં દેશની નિકાસમાં 0.61% નો સામાન્ય વધારો થઈને તે 36.56 અબજ ડોલર પર પહોંચી છે, તો બીજી તરફ વ્યાપાર ખાધ (Trade Deficit) પણ વધીને 34.68 અબજ ડોલર થઈ ગઈ છે, જે છેલ્લા ત્રણ મહિનામાં સૌથી વધુ છે.

આ પણ વાંચો- IT Stocks Crash: AI ના ડરથી શેરબજારમાં કડાકો! TCS, Infosys સહિતના IT શેર્સ તૂટ્યા, જાણો શું છે કારણ?

(ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી માત્ર સમાચારના હેતુ માટે છે. શેરબજારમાં રોકાણ જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા તમારા સર્ટિફાઈડ નાણાકીય સલાહકારની મદદ અવશ્ય લેવી.)

MoneyControl News

MoneyControl News

First Published: Feb 24, 2026 12:39 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.