ઘરનું બજેટ ખોરવાશે! સાબુ, બિસ્કિટ અને ખાવા-પીવાની વસ્તુઓ થશે મોંઘી, જાણો FMCG કંપનીઓ કેમ વધારી રહી છે ભાવ?
સામાન્ય માણસને મોંઘવારીનો વધુ એક ફટકો. ક્રૂડ ઓઈલ અને પેકેજિંગ મોંઘું થતા સાબુ, બિસ્કિટ અને દૈનિક વપરાશની વસ્તુઓના ભાવ વધશે. જાણો FMCG કંપનીઓનો નવો પ્લાન.
આ ઉપરાંત, રૂપિયાના નબળા પડવાથી પણ આયાત મોંઘી થઈ છે, જેનું સીધું દબાણ કંપનીઓ પર પડ્યું છે.
જો તમે પણ ઘરનું બજેટ બનાવીને ચાલો છો, તો તમારા માટે એક માઠા સમાચાર છે. આગામી દિવસોમાં સાબુ, ડિટર્જન્ટ, બિસ્કિટ, પેકેજ્ડ ફૂડ અને પીણાં (બેવરેજીસ) જેવી રોજિંદા વપરાશની વસ્તુઓ મોંઘી થઈ શકે છે. ક્રૂડ ઓઈલ, પેકેજિંગ મટિરિયલ અને ઈંધણના ભાવમાં થયેલા વધારાને કારણે દેશની અગ્રણી FMCG (ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ) કંપનીઓના નફા પર ભારે દબાણ આવ્યું છે, જેના કારણે તેઓ હવે તબક્કાવાર રીતે માલના ભાવ વધારવાની તૈયારી કરી રહી છે.
કંપનીઓએ પહેલેથી જ પ્રોડક્ટ્સના ભાવમાં 3 થી 5 ટકાનો વધારો કરી દીધો છે. તાજેતરના ત્રિમાસિક પરિણામો દરમિયાન કંપનીના અધિકારીઓએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે જો ખર્ચનું દબાણ આમ જ ચાલુ રહેશે તો આગામી સમયમાં ભાવ વધુ વધારવામાં આવશે.
શા માટે વધી રહ્યા છે ભાવ?
ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટ અનુસાર, કંપનીઓનું કહેવું છે કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ (યુદ્ધ જેવી સ્થિતિ) ના કારણે ગ્લોબલ સપ્લાય ચેન ખોરવાઈ ગઈ છે. આનાથી કાચો માલ, લોજિસ્ટિક્સ અને પેકેજિંગનો ખર્ચ વધી ગયો છે. આ ઉપરાંત, રૂપિયાના નબળા પડવાથી પણ આયાત મોંઘી થઈ છે, જેનું સીધું દબાણ કંપનીઓ પર પડ્યું છે.
ભાવ વધુ, પેકેટમાં સામાન ઓછો
કંપનીઓ પોતાનો નફો જાળવી રાખવા માટે બે રસ્તા અપનાવી રહી છે: કાં તો સીધો ભાવ વધારો અથવા તો પેકેટમાં આવતા સામાનની માત્રા (વજન) ઘટાડી દેવી. જોકે, વેચાણ પર ખરાબ અસર ન પડે તે માટે બજારમાં 5, 10 અને 15 રૂપિયા વાળા નાના પેકેટ્સ ચાલુ રાખવામાં આવશે, પરંતુ તેમાં વસ્તુનું વજન ઘટી શકે છે. આ ઉપરાંત કંપનીઓ ડિસ્કાઉન્ટ ઘટાડીને અને પ્રમોશનલ ખર્ચમાં કાપ મૂકીને પણ ખર્ચ બચાવવાનો પ્રયાસ કરી રહી છે.
દિગ્ગજ FMCG કંપનીઓનો શું છે પ્લાન?
ડાબર ઈન્ડિયા (Dabur): ગ્લોબલ CEO મોહિત મલ્હોત્રાના જણાવ્યા મુજબ, કંપની આ નાણાકીય વર્ષમાં લગભગ 10 ટકા મોંઘવારીનો સામનો કરી રહી છે. આની અસર ઘટાડવા કંપનીએ પોતાના વિવિધ સેગમેન્ટમાં સરેરાશ 4 ટકા સુધીનો ભાવ વધારો કર્યો છે.
બ્રિટાનિયા (Britannia): કંપનીના MD અને CEO રક્ષિત હરગેવે જણાવ્યું કે ઈંધણ અને પેકેજિંગ ખર્ચમાં 20 ટકાનો વધારો થયો છે. LPG, PNG અને લેમિનેટના વધતા ભાવને કારણે મોટા પેકના ભાવ વધારવામાં આવશે અને નાના પેકના વજનમાં ઘટાડો કરવા પર વિચાર થઈ રહ્યો છે.
હિન્દુસ્તાન યુનિલિવર (HUL): CFO નિરંજન ગુપ્તાએ કહ્યું કે, "અમારા પર મોંઘવારીનો 8 થી 10 ટકાનો બોજ પડ્યો છે. અમે અમારા પોર્ટફોલિયોમાં 2 થી 5 ટકાનો ભાવ વધારો કર્યો છે." જો કોમોડિટીના ભાવ ઊંચા રહેશે તો આગળ વધુ ભાવ વધશે.
પિડિલાઈટ (Pidilite): ફેવિકોલ અને એમ-સીલ (M-Seal) જેવી પ્રોડક્ટ્સ બનાવતી આ કંપનીએ ઈનપુટ કોસ્ટમાં 40-50 ટકાના વધારાને પહોંચી વળવા એપ્રિલ અને મે મહિનામાં બે વાર ભાવ વધાર્યા છે અને હજુ પણ વધારો કરવા માટે તૈયાર છે.
મેરિકો (Marico): પેરાશૂટ, સફોલા અને લિવોન જેવા બ્રાન્ડ્સની માલિક કંપનીએ પોતાના 'વેલ્યુ એડેડ હેર ઓઈલ્સ' માં પહેલાથી જ 6-7 ટકાનો ભાવ વધારો કરી દીધો છે.
FMCG કંપનીઓ ભલે સપ્લાય ચેન સુધારીને કે પ્રમોશનલ ખર્ચ ઘટાડીને પોતાનો ખર્ચ કંટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહી હોય, પરંતુ હકીકત એ છે કે વૈશ્વિક બજારમાં વધતી મોંઘવારી અને કાચા માલના ઊંચા ભાવનો અંતિમ બોજ તો ગ્રાહકોના ખિસ્સા પર જ પડવાનો છે. આગામી સમયમાં ઘર વપરાશની વસ્તુઓ પાછળ તમારો ખર્ચ વધવો નક્કી છે.