વિશ્વમાં મંદીના ભણકારા વચ્ચે ભારતીય અર્થવ્યવસ્થા અટક્યા વિના કે થાક્યા વિના તેના વિકાસને વેગ આપશે. ડેલોઇટ સાઉથ એશિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) રોમલ શેટ્ટીએ કહ્યું છે કે, અંધકારમય વૈશ્વિક પરિદ્રશ્ય વચ્ચે ભારત એક તેજસ્વી સ્થળ છે. તેમણે કહ્યું કે પ્રતિકૂળ સંજોગો છતાં દેશ ચાલુ નાણાકીય વર્ષ (2024-25)માં સાત ટકાની વૃદ્ધિ નોંધાવી શકે છે. ભારતમાં 'બિગ ફોર' એકાઉન્ટિંગ અને કન્સલ્ટિંગ કંપનીઓના સૌથી યુવા સીઈઓ શેટ્ટીએ જણાવ્યું હતું કે ફુગાવો મોટાભાગે નિયંત્રણમાં છે, ગ્રામીણ માંગ વધી છે અને વાહનોના વેચાણમાં સુધારો થઈ રહ્યો છે. "અમે માનીએ છીએ કે (ચાલુ નાણાકીય વર્ષમાં) વૃદ્ધિની દ્રષ્ટિએ અમે 7-7.1 ટકાની રેન્જમાં રહીશું," તેમણે કહ્યું. તમારી પાસે ઘણા પ્રતિકૂળ સંજોગો છે, ઘણા સાનુકૂળ સંજોગો છે પરંતુ હકીકત એ છે કે વૈશ્વિક સ્તરે જે કંઈ પણ થઈ રહ્યું છે તે છતાં, ભારત હજુ પણ સારી સ્થિતિમાં છે, પરંતુ આપણે એવું ન કહી શકીએ કે આપણે દુનિયાથી અલગ થઈ ગયા છીએ.