શેરબજાર ખુલતા જ આ કંપનીનો શેર 10% કડડભૂસ! મિડલ ઈસ્ટના યુદ્ધના કારણે રોકાણકારોને મોટો ફટકો | Moneycontrol Gujarati
Get App

શેરબજાર ખુલતા જ આ કંપનીનો શેર 10% કડડભૂસ! મિડલ ઈસ્ટના યુદ્ધના કારણે રોકાણકારોને મોટો ફટકો

Middle east war impact on Indian stock: શેરબજારમાં DEE Development Engineersનો શેર 10% તૂટીને 281.80 રૂપિયા પર પહોંચ્યો. મિડલ ઈસ્ટ યુદ્ધ અને નવા ગેસ સપ્લાય નિયમોના કારણે કંપનીના એક્સપોર્ટ ઓર્ડર પર માઠી અસર. જાણો સંપૂર્ણ વિગત.

અપડેટેડ 10:57:43 AM Mar 18, 2026 પર
Story continues below Advertisement
Middle east war impact on Indian stock: શેરબજારમાં DEE Development Engineersનો શેર 10% તૂટીને 281.80 રૂપિયા પર પહોંચ્યો.

Middle east war impact on Indian stock: બુધવાર, 18 માર્ચનો દિવસ શેરબજારમાં ડી ડેવલપમેન્ટ એન્જિનિયર્સ (DEE Development Engineers)ના રોકાણકારો માટે નિરાશાજનક રહ્યો. બજાર ખુલતાની સાથે જ કંપનીના શેરમાં મોટો કડાકો જોવા મળ્યો હતો, જેના કારણે રોકાણકારોમાં ગભરાટનો માહોલ ફેલાઈ ગયો હતો.

શરૂઆતી કારોબારમાં જ શેર 10% તૂટ્યો

શેરબજાર ખુલતાની થોડી જ વારમાં ડી ડેવલપમેન્ટ એન્જિનિયર્સના શેરમાં ભારે બિકવાલી (વેચાણ) જોવા મળી હતી. શરૂઆતી કારોબારમાં શેર 10 ટકા જેટલો તૂટીને 281.80 રૂપિયાના સ્તર પર આવી ગયો હતો. સવારે 10:20 વાગ્યાની આસપાસ NSE પર આ શેર 9.01 ટકાના ભારે ઘટાડા સાથે 284.90 રૂપિયાના ભાવ પર ટ્રેડ કરી રહ્યો હતો. આ કડાકા પાછળનું મુખ્ય કારણ વૈશ્વિક પરિસ્થિતિઓ છે.

મિડલ ઈસ્ટના યુદ્ધની સીધી અસર

કંપનીએ શેરબજારોને એક સત્તાવાર માહિતી આપીને જણાવ્યું છે કે, મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) માં ચાલી રહેલા યુદ્ધની સીધી અસર તેમના બિઝનેસ અને એક્સપોર્ટ ઓર્ડર પર પડી છે. ખાસ કરીને હોર્મુઝ સામુદ્રધુની (Hormuz strait) ના સમુદ્રી માર્ગમાં અડચણો ઉભી થવાને કારણે તેમના વિદેશી ગ્રાહકોને મોકલવામાં આવતા માલ-સામાન પર અસર થઈ છે.


કંપનીના જણાવ્યા અનુસાર, નજીકના ભવિષ્યમાં જે શિપમેન્ટ રવાના કરવાના હતા, તેમાં હવે વિલંબ થઈ શકે છે અથવા તો તે કેન્સલ થવાનું મોટું જોખમ ઉભું થયું છે. આ પ્રતિકૂળ પરિસ્થિતિને કંપનીના કોન્ટ્રાક્ટ હેઠળ "ફોર્સ મેજર" (Force Majeure - એવી પરિસ્થિતિ જે માનવ કાબૂની બહાર હોય) ની શ્રેણીમાં ગણવામાં આવી છે. જોકે, કંપનીએ એમ પણ કહ્યું છે કે તેઓ પ્રભાવિત વિદેશી ગ્રાહકોના સતત સંપર્કમાં છે અને હાલની પરિસ્થિતિમાં બંને પક્ષો માટે યોગ્ય ઉકેલ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

નવા ગેસ સપ્લાય નિયમોથી પણ પડકાર

આંતરરાષ્ટ્રીય પડકારોની સાથે સાથે સ્થાનિક સ્તરે પણ કંપનીને મુશ્કેલી પડી રહી છે. તાજેતરમાં સરકારે ‘એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ 1955' હેઠળ નેચરલ ગેસની સપ્લાયને કંટ્રોલ કરવા માટે ‘નેચરલ ગેસ (સપ્લાય રેગ્યુલેશન) ઓર્ડર 2026' લાગુ કર્યો છે. આ નવા કડક નિયમો અંતર્ગત ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ વપરાશકારો માટે ગેસ અને LPG ની સપ્લાય લિમિટેડ કરી દેવામાં આવી છે. આનાથી ઘરેલુ ગ્રાહકોની સપ્લાયને પણ અસર થઈ શકે છે અને કંપનીના ઉત્પાદન પર પણ તેની અસર જોવા મળી છે.

કંપનીએ રોકાણકારોને આપી રાહત

આટલા બધા પડકારો વચ્ચે, કંપનીએ રોકાણકારોને હૈયાધારણા આપતા સ્પષ્ટ કર્યું છે કે આ તમામ સમસ્યાઓની તેમના કુલ પરફોર્મન્સ પર માત્ર સીમિત (થોડી જ) અસર પડશે. કંપનીએ જણાવ્યું છે કે, તેમની ઓર્ડર બુક અત્યારે એકદમ મજબૂત છે. મેન્યુફેક્ચરિંગ (ઉત્પાદન) ક્ષમતા સંપૂર્ણ રીતે ચાલુ છે. કંપનીની આર્થિક સ્થિતિ એકદમ સ્થિર અને સલામત છે.

શું કરે છે આ કંપની?

DEE Development Engineers મુખ્યત્વે ઓઇલ એન્ડ ગેસ, પાવર અને કેમિકલ સેક્ટરની મોટી કંપનીઓ માટે પાઇપિંગ સોલ્યુશન્સ પૂરું પાડવાનું કામ કરે છે. આ કંપની માત્ર ભારતમાં જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ પોતાનો મજબૂત દબદબો ધરાવે છે. ભલે અત્યારે કંપનીના શેરમાં મોટો કડાકો જોવા મળ્યો હોય, પરંતુ તમને જણાવી દઈએ કે ગત ફેબ્રુઆરી મહિનામાં જ આ શેરમાં 55 ટકાની શાનદાર તેજી જોવા મળી હતી.

આ પણ વાંચો- શેરબજારમાં ઉતાર-ચઢાવ ચાલુ રહેવાના સંકેત: નિફ્ટી માટે 23350 મહત્ત્વનો સપોર્ટ, જાણો આજનો ટ્રેડિંગ સેટઅપ અને એક્સપર્ટ્સની સલાહ

ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી માત્ર સમાચાર અને જાણકારીના હેતુથી છે. શેરબજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ શેરમાં ખરીદી કે વેચાણ કરવાનો નિર્ણય લેતા પહેલા તમારા સર્ટિફાઇડ ફાઇનાન્સિયલ એડવાઇઝરની સલાહ ચોક્કસ લેવી. આ પ્લેટફોર્મ કે તેના મેનેજમેન્ટ કોઈ પણ નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 18, 2026 10:57 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.