ચીનના શેનઝેન શહેરમાં બેઠેલા એક એજન્ટે ખુલાસો કર્યો છે કે તેમની કંપની આ રેનિયમ પાઉડરનું ઉત્પાદન કરે છે અને ભારતના ઘણા મોટા શહેરોમાં તેના ડીલરો સક્રિય રીતે કામ કરી રહ્યા છે.
Gold Adulteration Scam: દેશમાં સોનાના દાગીના ખરીદતા ગ્રાહકો માટે લાલબત્તી સમાન અને આંખ ઉઘાડનારા સમાચાર સામે આવ્યા છે. બજારમાં સોનાની શુદ્ધતા સાથે છેડછાડ કરવાનું એક તદ્દન નવું અને ખતરનાક કૌભાંડ બહાર આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, ચીનથી ખાસ પ્રકારનો ‘રેનિયમ પાઉડર’ મંગાવીને સોનામાં મોટા પાયે ભેળસેળ કરવામાં આવી રહી છે.
આ કેમિકલ પાઉડરની મદદથી સોનાનું વજન વધારી દેવામાં આવે છે. સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે આ ભેળસેળ એટલી ચાલાકીથી થાય છે કે સામાન્ય ટેસ્ટિંગ મશીનો અને સત્તાવાર હોલમાર્કિંગ સેન્ટરો પણ તેને પકડી શકતા નથી.
24 કેરેટની તપાસમાં પણ મશીન થાપ ખાઈ ગયું
મીડિયા રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે, ચીનના શેનઝેન શહેરમાં બેઠેલા એક એજન્ટે ખુલાસો કર્યો છે કે તેમની કંપની આ રેનિયમ પાઉડરનું ઉત્પાદન કરે છે અને ભારતના ઘણા મોટા શહેરોમાં તેના ડીલરો સક્રિય રીતે કામ કરી રહ્યા છે.
આ ભેળસેળ કેટલી ગંભીર છે તે સમજવા માટે એક પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં 7.83 ગ્રામ 24 કેરેટ શુદ્ધ સોનાની અંદર 1 ગ્રામ રેનિયમ પાઉડર ભેળવવામાં આવ્યો હતો. આ ભેળસેળ બાદ સોનાના ટુકડાનું કુલ વજન વધીને 8.83 ગ્રામ થઈ ગયું હતું. ચોંકાવનારી વાત એ હતી કે જ્યારે આ ભેળસેળવાળા સોનાને તપાસ મશીનમાં મૂકવામાં આવ્યું, ત્યારે મશીને તેને 24 કેરેટ શુદ્ધ સોનું જ ગણાવ્યું હતું!
22 કેરેટના નામે ગ્રાહકોને પધરાવાય છે 20 કેરેટનું સોનું
આ રિપોર્ટમાં ગ્રાહકો સાથે થતી છેતરપિંડીનો પર્દાફાશ કરતા જણાવાયું છે કે, રેનિયમ પાઉડરવાળા આ મિશ્રણમાં બીજી અન્ય ધાતુઓ ભેળવીને 22 કેરેટના સોનાના દાગીના બનાવવામાં આવ્યા હતા. જ્યારે આ દાગીનાને હોલમાર્કિંગ સેન્ટર પર મોકલવામાં આવ્યા, ત્યારે સેન્ટરે પણ તેને 22 કેરેટ સોના તરીકે પાસ કરીને પ્રમાણિત કરી દીધા હતા.
પરંતુ જ્યારે આ દાગીનાની ઊંડાણપૂર્વકની વાસ્તવિક તપાસ કરવામાં આવી, ત્યારે ભાંડો ફૂટ્યો કે તેમાં અસલી સોનાનું પ્રમાણ માત્ર 81.73% જ હતું. સોનાની આ ટકાવારી હકીકતમાં 20 કેરેટ શુદ્ધતા ગણાય છે. એટલે કે, ભેળસેળિયા તત્વો ગ્રાહકો પાસેથી 22 કેરેટ સોનાના પૂરા પૈસા વસૂલીને તેમને માત્ર 20 કેરેટનું સોનું પધરાવી રહ્યા છે.
દેશની હોલમાર્કિંગ સિસ્ટમ સામે ઊઠ્યા ગંભીર સવાલો
આ નવા કૌભાંડે ભારતની સમગ્ર હોલમાર્કિંગ અને શુદ્ધતા તપાસવાની વ્યવસ્થા સામે મોટા સવાલો ઊભા કરી દીધા છે. સીએજી (CAG) ના એક ડ્રાફ્ટ રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન દેશમાં રજિસ્ટર્ડ થયેલા કુલ જ્વેલર્સમાંથી 81% જ્વેલર્સનું કોઈ જ ચેકિંગ કે નિરીક્ષણ કરવામાં આવ્યું નહોતું. નિષ્ણાતોનું માનવું છે કે રેનિયમ પાઉડર જેવી હાઈ-ટેક ભેળસેળ પકડવા માટે હવે જૂની પદ્ધતિઓને બદલે એક્સઆરએફ (XRF) ટેસ્ટિંગ અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી જેવી અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી બની ગયો છે.
સોનું ખરીદતી વખતે છેતરપિંડીથી બચવા ગ્રાહકોએ શું ધ્યાન રાખવું?
આવી ગંભીર છેતરપિંડીથી પોતાની મહેનતના પૈસા બચાવવા માટે ગ્રાહકોએ ખરીદી સમયે નીચે મુજબની સાવચેતી રાખવી જોઈએ:
વિશ્વાસપાત્ર શોરૂમની પસંદગી: સોનાની ખરીદી હંમેશા વર્ષો જૂના, નામાંકિત અને સંપૂર્ણ વિશ્વાસપાત્ર જ્વેલર્સ પાસેથી જ કરવાનો આગ્રહ રાખો.
પાક્કું GST બિલ અચૂક લો: દાગીના ખરીદતી વખતે સોનાનું વજન, કેરેટ અને અન્ય તમામ વિગતો દર્શાવતું પાક્કું બિલ (GST Invoice) ચોક્કસ લો અને તેને ભવિષ્યની સુરક્ષા માટે સાચવીને રાખો.
HUID કોડની તપાસ કરો: તમે જે દાગીના ખરીદી રહ્યા છો તેના પર 6 અંકનો HUID (Hallmark Unique Identification) કોડ લાગેલો છે કે નહીં, તેની પૂરતી ખાતરી કર્યા બાદ જ પેમેન્ટ કરો.
સોનાના ભાવ અત્યારે આસમાને છે, ત્યારે ગ્રાહકોએ સસ્તા કે ડિસ્કાઉન્ટની લાલચમાં આવ્યા વગર સંપૂર્ણ ચકાસણી કરીને જ સોનાની ખરીદી કરવી હિતાવહ છે.