લિક્વિફાઈડ નેચરલ ગેસની આયાત પાછળ 1.3 અબજ ડોલરનો ખર્ચ થયો હતો, જ્યારે સામે ભારતમાંથી પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની નિકાસ કરીને દેશે 6.3 અબજ ડોલરની કમાણી કરી હતી.
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં થયેલા તોતિંગ વધારાને કારણે ભારતના આયાત બિલમાં મોટો ઉછાળો આવ્યો છે. પેટ્રોલિયમ મંત્રાલય હેઠળ કામ કરતા 'પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ' દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, ઓક્ટોબર 2026 માં ભારતનું તેલ અને ગેસનું ચોખ્ખું આયાત બિલ 60% વધીને 16 અબજ અમેરિકન ડોલર પર પહોંચી ગયું છે.
બ્રેન્ટ ક્રૂડ ઓઈલની સરેરાશ કિંમત વાર્ષિક ધોરણે લગભગ બમણી થઈને 124.77 અમેરિકન ડોલર પ્રતિ બેરલ પર પહોંચી જવાને કારણે દેશનું આયાત બિલ વધ્યું છે. ઉલ્લેખનીય છે કે એક વર્ષ પહેલાં ઓક્ટોબર 2025 માં દેશનું તેલ અને ગેસનું નેટ ઈમ્પોર્ટ બિલ 10 અબજ ડોલર રહ્યું હતું.
PPAC ના ડેટા અનુસાર, ઓક્ટોબર મહિનામાં ભારતની આયાત અને નિકાસની સ્થિતિ નીચે મુજબ રહી હતી.
ક્રૂડ ઓઈલની આયાત: ઓક્ટોબરમાં એકલા કાચા તેલની આયાત 19.5 અબજ ડોલરની રહી હતી, જે એક વર્ષ પહેલાં ઓક્ટોબર મહિનામાં 10.4 અબજ ડોલર હતી. જથ્થાની દ્રષ્ટિએ દેશની ક્રૂડ ઓઈલની આયાત 11% વધીને 2.33 કરોડ ટન નોંધાઈ છે.
LNG આયાત અને પેટ્રોલિયમ નિકાસ: લિક્વિફાઈડ નેચરલ ગેસની આયાત પાછળ 1.3 અબજ ડોલરનો ખર્ચ થયો હતો, જ્યારે સામે ભારતમાંથી પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની નિકાસ કરીને દેશે 6.3 અબજ ડોલરની કમાણી કરી હતી.
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 7 મહિના એટલે કે એપ્રિલથી ઓક્ટોબર 2026 દરમિયાન ભારતનું તેલ અને ગેસનું ચોખ્ખું આયાત બિલ વધીને 97.7 અબજ ડોલર પર પહોંચી ગયું છે, જે ગયા વર્ષે આ જ ગાળામાં 70.3 અબજ ડોલર હતું. આ સમયગાળામાં જથ્થાની દ્રષ્ટિએ ક્રૂડ ઓઈલની આયાત 2.7% વધી છે, પરંતુ કિંમતની દ્રષ્ટિએ તે 111 અબજ ડોલર રહી છે (જે એપ્રિલ-ઓક્ટોબર 2025 દરમિયાન 72.3 અબજ ડોલર હતી).
બીજી તરફ, ઓક્ટોબરમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની આયાતમાં 41.2% નો ઘટાડો આવ્યો છે અને ચાલુ નાણાકીય વર્ષ 2026-27 માં અત્યાર સુધીમાં તેમાં 49.3% નો ઘટાડો નોંધાયો છે.
દેશમાં રાંધણ ગેસનો વપરાશ અને એક્ટિવ ગ્રાહકો ઘટ્યા
રિપોર્ટમાં સૌથી ચોંકાવનારો આંકડો રાંધણ ગેસ એટલે કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ (LPG) ના વપરાશ અંગેનો છે.
વપરાશમાં ઘટાડો: દેશમાં LPG નો વપરાશ ઓક્ટોબર મહિનામાં 12.3% અને એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન 15.1% ઘટી ગયો છે.
80 લાખ એક્ટિવ ગ્રાહકો ઘટ્યા: 1 નવેમ્બરની સ્થિતિએ દેશમાં એક્ટિવ ઘરેલું LPG ગ્રાહકોની સંખ્યા 32.6 કરોડ રહી હતી, જે 1 એપ્રિલ, 2026 ના રોજ 33.4 કરોડ હતી.
સરકારી કંપનીઓનું વેચાણ: ઓક્ટોબરમાં સરકારી કંપનીઓના પેક્ડ ઘરેલું LPG બાટલાનું વેચાણ 11.8% અને જથ્થાબંધ LPGનું વેચાણ 49.1% ઘટ્યું છે. જોકે, વાહનોમાં વપરાતા 'ઓટો LPG' ના વેચાણમાં 23.9% નો વધારો નોંધાયો છે.