12,638ના ઉછાળા સાથે ચાંદી ઐતિહાસિક ટોચે, સોનું પણ 1.59 લાખને પાર, તમામ રેકોર્ડ તૂટ્યાં
Gold and silver prices: ભારતીય વાયદા બજાર એટલે કે MCXમાં આજે ઈતિહાસ રચાયો છે. શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026નો દિવસ બુલિયન માર્કેટ (Bullion Market)ના રોકાણકારો માટે સુવર્ણ દિવસ સાબિત થયો છે. સોના અને ચાંદી બંને કિંમતી ધાતુઓમાં આજે એવી તેજી જોવા મળી છે કે જુના તમામ રેકોર્ડ ધ્વસ્ત થઈ ગયા છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં જે ઉછાળો આવ્યો છે તે જોઈને બજારના પંડિતો પણ ચોંકી ઉઠ્યા છે.
ચાંદી બની રોકેટ: 3.40 લાખની ઐતિહાસિક સપાટીની નજીક
આજના ટ્રેડિંગ સેશનમાં ચાંદીએ રોકાણકારોને માલામાલ કરી દીધા છે. MCX પર 5 માર્ચ, 2026 ના વાયદામાં ચાંદીમાં આગ ઝરતી તેજી જોવા મળી હતી. આંકડાઓ પર નજર કરીએ તો:
જબરદસ્ત ઓપનિંગ: ગુરુવારે ચાંદીનો ભાવ 3,27,289 પર બંધ થયો હતો, જેની સામે આજે બજાર ખુલતાની સાથે જ ભાવ સીધો 3,33,333 પર પહોંચી ગયો હતો.
ઓલ-ટાઈમ હાઈ: માર્કેટ ખુલ્યા બાદ ખરીદીનું જોર એટલું વધ્યું કે ચાંદીએ 3,39,927 ની નવી ઓલ-ટાઈમ હાઈ સપાટી બનાવી દીધી.
રેકોર્ડબ્રેક ઉછાળો: ગઈકાલના બંધ ભાવની સામે ચાંદીમાં ઇન્ટ્રા-ડે (દિવસ દરમિયાન) 12,638 નો તોતિંગ વધારો નોંધાયો હતો.
હાલની સ્થિતિ: હાલના સમાચાર મુજબ, ચાંદી આશરે 2.55% એટલે કે 8,332ના વધારા સાથે 3,35,621 આસપાસ ટ્રેડ થઈ રહી છે. દિવસ દરમિયાન નીચો ભાવ 3,32,000 રહ્યો હતો.
સોનાએ પણ મારી છલાંગ: ભાવ 1.59 લાખને પાર
એક તરફ ચાંદી ચમકી રહી છે, તો બીજી તરફ સોનું પણ પાછળ નથી. પીળી ધાતુએ પણ આજે નવી ઊંચાઈ સર કરી છે. MCX પર 5 ફેબ્રુઆરી, 2026 ના વાયદામાં સોનાના ભાવમાં જોરદાર તેજી જોવા મળી:
નવો રેકોર્ડ: ગુરુવારે 1,56,341 પર બંધ થયેલું સોનું આજે 1,58,889 ના ભાવે ખુલ્યું હતું. દિવસ દરમિયાન તે વધીને 1,59,226 ની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયું હતું.
આજનો ઉછાળો: હાલમાં સોનું ગઈકાલના મુકાબલે 1,875 (1.20%) ના મજબૂત વધારા સાથે 1,58,216 ના સ્તરે કારોબાર કરી રહ્યું છે.
લોઅર લેવલ: આજના સત્રમાં સોનાનો નીચો ભાવ 1,57,500 નોંધાયો હતો.
રોકાણકારોમાં ઉત્સાહનો માહોલ
સોના અને ચાંદી બંનેમાં આવેલી આ એકધારા તેજીને કારણે બજારમાં રોકાણકારોનો ઉત્સાહ સાતમા આસમાને છે. વૈશ્વિક પરિબળો અને સ્થાનિક માંગને કારણે કિંમતી ધાતુઓમાં આ રેકોર્ડબ્રેક તેજી જોવા મળી રહી છે. જે રીતે ભાવ વધી રહ્યા છે, તે જોતા આગામી દિવસોમાં બજાર હજુ પણ નવી દિશા પકડે તેવી શક્યતા છે.