Ahmedabad School Bomb Threat: અમદાવાદની 7 જાણીતી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓમાં ફફડાટ અને દોડધામ | Moneycontrol Gujarati
Get App

Ahmedabad School Bomb Threat: અમદાવાદની 7 જાણીતી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓમાં ફફડાટ અને દોડધામ

Ahmedabad School Bomb Threat: અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ અને DPS સહિત 7 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ. વાલીઓ ચિંતિત, પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સઘન તપાસ શરૂ. જાણો લેટેસ્ટ અપડેટ.

અપડેટેડ 10:23:50 AM Jan 23, 2026 પર
Story continues below Advertisement
Ahmedabad School Bomb Threat: અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ અને DPS સહિત 7 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ.

Ahmedabad School Bomb Threat: અમદાવાદ શહેરમાં આજની સવાર વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે અત્યંત ચિંતાજનક સાબિત થઈ છે. આજે તારીખ 23મી જાન્યુઆરીના રોજ વહેલી સવારે શહેરની નામાંકિત સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. એકસાથે 7 જેટલી સ્કૂલોને ધમકીભર્યા ઈમેલ મળતા જ પોલીસ વિભાગ હરકતમાં આવી ગયું છે અને વાલીઓના જીવ તાળવે ચોંટ્યા છે.

કઈ-કઈ સ્કૂલોને મળી ધમકી?

મળતી માહિતી મુજબ, જે સ્કૂલોને ટાર્ગેટ કરવામાં આવી છે તેમાં શહેરની સૌથી જાણીતી શાળાઓનો સમાવેશ થાય છે. આ લિસ્ટમાં નીચે મુજબની સ્કૂલો છે:

* સંત કબીર સ્કૂલ (3 અલગ અલગ બ્રાન્ચ)

* બોપલ વિસ્તારમાં આવેલી DPS (દિલ્હી પબ્લિક સ્કૂલ)


* નવરંગપુરાની સેન્ટ ઝેવિયર્સ લોયોલા

* ઘાટલોડિયાની કેલોરેક્ષ સ્કૂલ

* વસ્ત્રાપુરની સ્વયંમ સ્કૂલ

વહેલી સવારે આવ્યો ઈમેલ અને અફરાતફરી મચી

હજુ તો સવારે સ્કૂલો શરૂ જ થઈ હતી અને ગણતરીનો સમય વીત્યો હતો ત્યાં જ સ્કૂલના વહીવટી તંત્રને એક શંકાસ્પદ ઈમેલ મળ્યો હતો. આ ઈમેલમાં સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની વાત કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા જોઈને સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા જરા પણ વિલંબ કર્યા વગર તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી.

સુરક્ષાના ભાગરૂપે સ્કૂલ દ્વારા તરત જ વાલીઓને ફોન અને મેસેજ કરીને જાણ કરવામાં આવી હતી કે તેઓ પોતાના બાળકોને ઘરે લઈ જાય. અચાનક સ્કૂલેથી બાળકોને લઈ જવાના મેસેજ આવતા વાલીઓ ગભરાઈ ગયા હતા અને મોટી સંખ્યામાં સ્કૂલની બહાર ભીડ જમા થઈ ગઈ હતી.

DPS સ્કૂલે ફોર્મ ભરાવતા વાલીઓ પરેશાન

આ ગંભીર માહોલ વચ્ચે બોપલની DPS સ્કૂલ ખાતે એક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું હતું. અહીં પણ વાલીઓને બાળકોને લઈ જવા માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ જ્યારે વાલીઓ પહોંચ્યા ત્યારે સ્કૂલ પ્રશાસન દ્વારા તેમની પાસે ‘સંમતિ ફોર્મ’ (Consent Form) ભરાવવામાં આવ્યા હતા. બોમ્બની ધમકી જેવી ગંભીર ઘટના સમયે પણ આ પ્રકારની કાગળની કાર્યવાહીથી વાલીઓ પેનિકમાં આવી ગયા હતા અને ઘણી જગ્યાએ રોષ પણ જોવા મળ્યો હતો. વાલીઓનું કહેવું હતું કે આવા સમયે પહેલી પ્રાયોરિટી બાળકોને સલામત બહાર કાઢવાની હોવી જોઈએ.

પોલીસ અને બોમ્બ સ્ક્વોડનું સર્ચ ઓપરેશન

ધમકી મળ્યાની જાણ થતા જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમો તાત્કાલિક અસરથી સ્કૂલો પર પહોંચી ગઈ હતી. હાલમાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડની મદદથી સ્કૂલના ખૂણેખૂણાની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા ક્લાસરૂમ, મેદાન, લોબી અને પાર્કિંગ એરિયામાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી હોવાના અહેવાલ નથી, પરંતુ તકેદારીના ભાગરૂપે સઘન ચેકિંગ ચાલુ છે.

આ પણ વાંચો- ટેક્સટાઇલ માર્કેટમાં ભારતનો ડંકો: બાંગ્લાદેશનું ટેન્શન વધારશે સરકારનો આ ‘માસ્ટર પ્લાન’, 2030 સુધીમાં 100 અબજ ડોલરનો ટાર્ગેટ

MoneyControl News

MoneyControl News

First Published: Jan 23, 2026 10:23 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.