અમીરોની રેસમાં ગૌતમ અદાણીથી પણ પાછળ રહી જશે જેન્સન હુઆંગ? માત્ર $2 અબજનું રહ્યું અંતર; Nvidiaના સંકટથી અંબાણી-અદાણીને મોટો ફાયદો | Moneycontrol Gujarati
Get App

અમીરોની રેસમાં ગૌતમ અદાણીથી પણ પાછળ રહી જશે જેન્સન હુઆંગ? માત્ર $2 અબજનું રહ્યું અંતર; Nvidiaના સંકટથી અંબાણી-અદાણીને મોટો ફાયદો

Gautam Adani vs Jensen Huang: 63 વર્ષની ઉંમરે પ્રેમપ્રકરણમાં ફસાયેલા Nvidia ના પૂર્વ CEO જેન્સન હુઆંગની સંપત્તિમાં મોટો ઘટાડો થયો છે. હવે ગૌતમ અદાણી અને હુઆંગ વચ્ચે માત્ર 2 અબજ ડોલરનું અંતર બાકી રહ્યું છે.

અપડેટેડ 02:36:10 PM Nov 20, 2026 પર
Story continues below Advertisement
અમીરોની યાદીમાં 16મા ક્રમે હુઆંગ અને 17મા ક્રમે ગૌતમ અદાણી

Gautam Adani vs Jensen Huang: 63 વર્ષની ઉંમરે પ્રેમપ્રકરણમાં ફસાવાને કારણે ટેક જગતના દિગ્ગજ જેન્સન હુઆંગ એ ઘણું બધું ગુમાવવાનો વારો આવ્યો છે. પોતાની જ બનાવેલી કંપની એનવીડિયા (Nvidia) ના CEO પદની ખુરશી છીનવાઈ ગઈ, દબદબો ઘટ્યો, સંપત્તિમાં મોટું ગાબડું પડ્યું અને હવે અમીરોની યાદીમાં ભારતના ગૌતમ અદાણી કરતા પણ પાછળ રહી જવાનું જોખમ ઊભું થયું છે.

અત્યારે જેન્સન હુઆંગ અને ગૌતમ અદાણીની નેટવર્થ (સંપત્તિ) વચ્ચે માત્ર 2 અબજ ડોલરનું જ અંતર બાકી રહ્યું છે. જે ઝડપે હુઆંગની સંપત્તિ ઘટી રહી છે તે જોતાં આગામી એક-બે દિવસમાં જ અદાણી તેમનાથી આગળ નીકળી જશે તેવું લાગી રહ્યું છે. એટલું જ નહીં, Nvidia ના આ સંકટ અને ચીન પર અમેરિકાની કડકાઈનો સીધો ફાયદો ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીને મળી શકે છે.

અમીરોની યાદીમાં 16મા ક્રમે હુઆંગ અને 17મા ક્રમે ગૌતમ અદાણી


'બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ' (Bloomberg Billionaires Index) ના તાજેતરના આંકડા મુજબ બંને દિગ્ગજોની સંપત્તિની સ્થિતિ નીચે મુજબ છે:

જેન્સન હુઆંગ (16મો ક્રમ): હુઆંગની હાલની નેટવર્થ 122 અબજ ડોલર છે. ગુરુવારે જ તેમની સંપત્તિમાં વધુ 4.07 અબજ ડોલરનો ઘટાડો થયો હતો. ચાલુ વર્ષે તેઓ અત્યાર સુધીમાં 40.10 અબજ ડોલર એટલે કે પોતાની કુલ સંપત્તિનો આશરે 25% હિસ્સો ગુમાવી ચૂક્યા છે. થોડા દિવસો પહેલા જ તેઓ દુનિયાના ટોપ-10 અમીરોમાં સામેલ હતા અને હવે ટોપ-15 માંથી પણ બહાર ફેંકાઈ ગયા છે.

ગૌતમ અદાણી (17મો ક્રમ): ભારતના ગૌતમ અદાણી 120 અબજ ડોલરની સંપત્તિ સાથે 17મા સ્થાને છે. ગુરુવારે અદાણીની સંપત્તિમાં 1.52 અબજ ડોલરનો વધારો થયો હતો. હુઆંગથી વિપરીત, ગૌતમ અદાણીએ ચાલુ વર્ષે પોતાની નેટવર્થમાં આશરે 30 અબજ ડોલર 33.3%નો ઉમેરો કર્યો છે.

કથિત ચીની જાસૂસ સાથેના અફેરથી ડૂબ્યા Nvidiaના શેર

અન્ય ટેક કંપનીઓના CEO ની સરખામણીમાં હુઆંગની સંપત્તિનો સૌથી મોટો આધાર તેમની કંપનીના શેર પર છે. બ્લૂમબર્ગ મુજબ, Nvidia કંપનીમાં તેમની આશરે 3.5% હિસ્સેદારી છે, જે તેમની કુલ સંપત્તિના લગભગ 97% બરાબર છે.

'ધ ન્યૂયોર્ક ટાઈમ્સ'ના એક રિપોર્ટમાં હુઆંગના પોતાની જ હાથ નીચે કામ કરતી મહિલા કર્મચારી અને કથિત ચીની જાસૂસ એલિસ હુઆંગ (Alice Huang) સાથેના સંબંધોનો ભાંડો ફૂટ્યો હતો. આ ખુલાસા બાદથી Nvidia ના શેરમાં સતત મોટો ઘટાડો થઈ રહ્યો છે, જેના કારણે જેન્સન હુઆંગની સંપત્તિ પણ ધોવાઈ રહી છે.

Nvidiaના સંકટ અને અમેરિકાની કડકાઈથી અંબાણી-અદાણીને કેવી રીતે થશે ફાયદો?

સિલિકોન વેલીમાં Nvidia સાથે જોડાયેલા વિવાદ અને ચીનને હાઈ-એન્ડ ચિપ્સની સપ્લાય રોકવા માટે અમેરિકાએ લીધેલા કડક પગલાંનો મોટો ફાયદો ભારતના મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીને મળી શકે છે. અમેરિકાએ સિંગાપુર, મલેશિયા, થાઈલેન્ડ અને ઈન્ડોનેશિયાના ડેટા સેન્ટરોને એડવાન્સ્ડ ચિપ્સ આપવા પર કડક નિકાસ નિયમો લાગુ કરી દીધા છે.

આનાથી અમેરિકન ટેક કંપનીઓ માટે સમગ્ર એશિયામાં ભારત એક સૌથી સુરક્ષિત અને ભરોસાપાત્ર AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર હબ તરીકે ઉભરી શકે છે. અમેરિકાની 'Pax Silica' પહેલ હેઠળ ચીનથી સુરક્ષિત AI સપ્લાય ચેઈન માટે ભારતને મુખ્ય ભાગીદાર માનવામાં આવી રહ્યું છે. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, અંબાણી અને અદાણીએ મળીને AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અમેરિકન કંપનીઓ માટે વિશાળ ડેટા સેન્ટર બનાવવા માટે 200 અબજ ડોલરથી વધુના રોકાણની જાહેરાત કરી છે:

મુકેશ અંબાણીનો $107 અબજનો પ્લાન: મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે આગામી 7 વર્ષમાં 10 લાખ કરોડ રૂપિયા (આશરે 107 અબજ ડોલર) નું રોકાણ કરીને ગીગાવોટ ક્ષમતાવાળું વિશાળ AI હબ બનાવવાની યોજના બનાવી છે. રિલાયન્સ પાસે 50 કરોડથી વધુ ટેલિકોમ ગ્રાહકો છે, જે ભવિષ્યમાં AI સેવાઓ માટે મોટું બજાર બની શકે છે.

ગૌતમ અદાણીનો $100 અબજનો દાવ: ગૌતમ અદાણીના અદાણી ગ્રુપે વર્ષ 2035 સુધીમાં ડેટા સેન્ટર બિઝનેસમાં 100 અબજ ડોલરનું રોકાણ કરવાનો પ્લાન રજૂ કર્યો છે. AI ડેટા સેન્ટરોને ચલાવવા માટે ખૂબ જ મોટા પ્રમાણમાં વીજળીની જરૂર પડે છે અને અદાણી ગ્રુપ પાસે વીજ ઉત્પાદન તથા ટ્રાન્સમિશનનું વિશાળ નેટવર્ક હોવાથી તેમને આ બિઝનેસમાં સીધો ફાયદો મળી શકે છે.

આ પણ વાંચો - હોર્મુઝની ખાડીમાંથી આવ્યા ભારતની ચિંતા વધારતા સમાચાર! ભારતના 9 જહાજો પર મોટું જોખમ, એક્શનમાં આવી મોદી સરકાર

MoneyControl News

MoneyControl News

First Published: Nov 20, 2026 2:36 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.