હોર્મુઝની ખાડીમાંથી આવ્યા ભારતની ચિંતા વધારતા સમાચાર! ભારતના 9 જહાજો પર મોટું જોખમ, એક્શનમાં આવી મોદી સરકાર | Moneycontrol Gujarati
Get App

હોર્મુઝની ખાડીમાંથી આવ્યા ભારતની ચિંતા વધારતા સમાચાર! ભારતના 9 જહાજો પર મોટું જોખમ, એક્શનમાં આવી મોદી સરકાર

Strait of Hormuz Alert: સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાસે ભારતીય જહાજોની સુરક્ષાને લઈને કેન્દ્ર સરકાર એલર્ટ થઈ ગઈ છે. કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે ભારતના 9 જહાજો પર ખાસ નજર રાખવાના આદેશ આપ્યા છે.

અપડેટેડ 02:00:26 PM Nov 20, 2026 પર
Story continues below Advertisement
સંવેદનશીલ દરિયાઈ વિસ્તારોમાં નિગરાની વધારવા કડક આદેશ

Strait of Hormuz Alert: સ્ટ્રેટ ઓફ હોર્મુઝની આસપાસના દરિયાઈ વિસ્તારમાં ભારતીય જહાજોની સુરક્ષાને લઈને કેન્દ્ર સરકાર એકદમ સતર્ક બની ગઈ છે. આ સંવેદનશીલ વિસ્તારમાં રહેલા ભારતીય ધ્વજ તિરંગા વાળા અથવા ભારત સાથે જોડાયેલા 9 જહાજો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. કેન્દ્રીય બંદર, જહાજરાની અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે ગુરુવારે મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ સાથે એક તાકીદની સમીક્ષા બેઠક યોજી હતી અને દરિયાઈ સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવાના આદેશ આપ્યા હતા. આ બેઠકમાં ભારતીય જહાજો અને તેમાં સવાર ખલાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લેવાનારા પગલાં પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

સંવેદનશીલ દરિયાઈ વિસ્તારોમાં નિગરાની વધારવા કડક આદેશ

મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ, કેન્દ્રીય મંત્રી સોનોવાલે સમુદ્રી પ્રશાસન મહાનિદેશાલય (DGMA) ને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માટે નીચે મુજબના મહત્વના પગલાં લેવા જણાવ્યું છે:


* સંવેદનશીલ અને જોખમ ધરાવતા દરિયાઈ વિસ્તારોમાં થતી તમામ હિલચાલ પર ચાંપતી નજર રાખવી.

* સુરક્ષાને લગતી ચેતવણીઓ અને એડવાઈઝરી સમયસર જહાજો સુધી પહોંચાડવી.

* શિપિંગ કંપનીઓ અને જહાજ સંચાલકો સાથે નિયમિત સંપર્ક જાળવી રાખવો.

* ભારતીય ખલાસીઓ (નાવિકો) ને સંભવિત જોખમો અને તેનાથી બચવાના ઉપાયો અંગે જાગૃત કરવા.

વેપારી જહાજો અને ભારતીય ખલાસીઓ પર થતા હુમલાની નિંદા

સર્બાનંદ સોનોવાલે દુનિયાના અલગ-અલગ ભાગોમાં વેપારી જહાજો પર વારંવાર થઈ રહેલા હુમલાઓની આકરી નિંદા કરી હતી. તેમણે ખાસ કરીને એવી ઘટનાઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી જેમાં ભારતીય ખલાસીઓને નિશાન બનાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આવી ઘટનાઓ ખલાસીઓની સુરક્ષા માટે મોટું જોખમ છે. આનાથી દરિયાઈ વેપારને અસર પહોંચે છે અને વૈશ્વિક સપ્લાય ચેઈનની સ્થિરતા પણ નબળી પડે છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીએ અધિકારીઓને વિદેશ મંત્રાલય, ભારતીય રાજદ્વારી મિશનો, દરિયાઈ ક્ષેત્ર સાથે જોડાયેલા હિતધારકો અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓ સાથે સતત સંકલન જાળવી રાખવાનો પણ નિર્દેશ આપ્યો છે.

'ઈ-નાવિક' મોડ્યુલથી પર્શિયન ગલ્ફ અને ઓમાનની ખાડીમાં 1,000 થી વધુ જહાજો પર નજર

મંત્રાલયના આંકડા મુજબ, ભારતીય ધ્વજ ધરાવતા જહાજો અથવા ભારત માટે માલસામાન લઈને જતા જહાજોએ હોર્મુઝની સામુદ્રધુનીમાંથી અત્યાર સુધીમાં 86 વખત અવરજવર કરી છે. જહાજોનું લાઈવ ટ્રેકિંગ અને નિગરાની કરવા માટે મંત્રાલયના 'ઈ-નાવિક' (e-Naavik) સીફેરર ટ્રેકિંગ મોડ્યુલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સિસ્ટમ દ્વારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝની પશ્ચિમમાં આવેલી પર્શિયન ગલ્ફમાં 800થી વધુ જહાજો પર અને હોર્મુઝની પૂર્વમાં આવેલી ઓમાનની ખાડીમાં 200થી વધુ જહાજોની હિલચાલ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો - પહેલીવાર ભારતની મુલાકાતે આવશે નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહ! PM મોદી સાથે કરશે મહત્વની બેઠક, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

MoneyControl News

MoneyControl News

First Published: Nov 20, 2026 2:00 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.