ભારત સરકારે 2030 સુધીમાં ટેક્સટાઇલ એક્સપોર્ટને 100 અબજ ડોલર સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ નિર્ણયથી બાંગ્લાદેશના કપડા ઉદ્યોગ પર શું અસર પડશે અને ભારતની શું છે રણનીતિ? જાણો વિગતે.
સરકારનું આયોજન છે કે ભૌગોલિક સંકેત (GI) ધરાવતા ઉત્પાદનો, હેન્ડલૂમ, કાલીન (કાર્પેટ) અને રેશમી વસ્ત્રો જેવા હાઈ-વેલ્યુ સેગમેન્ટને વધુ પ્રોત્સાહન આપવામાં આવે.
ભારત હવે ટેક્સટાઇલ (કાપડ) ક્ષેત્રે વૈશ્વિક સ્તરે પોતાની પકડ મજબૂત કરવા માટે કમર કસી રહ્યું છે. ભારત સરકારે એક મોટો નિર્ણય લીધો છે જે પડોશી દેશ બાંગ્લાદેશ માટે ચિંતાનો વિષય બની શકે છે. સરકારે વર્ષ 2030 સુધીમાં ટેક્સટાઇલ અને અપેરલ (તૈયાર વસ્ત્રો) ના એક્સપોર્ટને બમણાથી પણ વધુ કરવાનો ટાર્ગેટ સેટ કર્યો છે. આ પ્લાન માત્ર ભારતની નિકાસ વધારશે એટલું જ નહીં, પણ ગ્લોબલ માર્કેટનું આખું ચિત્ર બદલી નાખશે.
નિકાસ 100 અબજ ડોલર સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક
નવી દિલ્હીથી મળતા અહેવાલો મુજબ, ભારતનો ઉદ્દેશ્ય હાલના 40 અબજ ડોલરના એક્સપોર્ટને વધારીને 2030 સુધીમાં 100 અબજ ડોલર સુધી લઈ જવાનો છે. આ મહત્વાકાંક્ષી યોજનાને પાર પાડવા માટે સરકાર ખાસ રણનીતિ પર કામ કરી રહી છે. ભારત હવે એવા દેશો પર વધુ ફોકસ કરશે જેની સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) થયેલા છે.
સરકારનું આયોજન છે કે ભૌગોલિક સંકેત (GI) ધરાવતા ઉત્પાદનો, હેન્ડલૂમ, કાલીન (કાર્પેટ) અને રેશમી વસ્ત્રો જેવા હાઈ-વેલ્યુ સેગમેન્ટને વધુ પ્રોત્સાહન આપવામાં આવે. એટલું જ નહીં, દેશના એવા જિલ્લાઓને પણ એક્સપોર્ટના નકશા પર લાવવામાં આવશે જે અત્યાર સુધી નિકાસમાં પાછળ હતા અથવા નહિવત હતા.
બાંગ્લાદેશ માટે મુશ્કેલી કેમ વધશે?
ભારતનો આ પ્લાન સીધો બાંગ્લાદેશના અર્થતંત્ર પર અસર કરશે. આપણે સૌ જાણીએ છીએ કે ટેક્સટાઇલ એક્સપોર્ટમાં બાંગ્લાદેશ એક મોટો ખેલાડી છે. બાંગ્લાદેશની કુલ જીડીપી અને એક્સપોર્ટમાં ટેક્સટાઇલ સેક્ટરનો ફાળો 80% થી પણ વધુ છે. સાદી ભાષામાં કહીએ તો, કાપડ ઉદ્યોગ બાંગ્લાદેશની અર્થવ્યવસ્થાની 'કરોડરજ્જુ' સમાન છે.
બાંગ્લાદેશને અત્યાર સુધી 'અલ્પ વિકસિત દેશ' (LDC) ના દરજ્જાનો ફાયદો મળતો હતો, જેના કારણે તેને યુરોપિયન યુનિયન અને અમેરિકા જેવા મોટા બજારોમાં 'ડ્યુટી-ફ્રી' (ટેક્સ વગર) એન્ટ્રી મળતી હતી. પરંતુ હવે બાંગ્લાદેશ ટૂંક સમયમાં LDC લિસ્ટમાંથી બહાર નીકળવા જઈ રહ્યો છે, એટલે તેને મળતી આ ટેક્સ છૂટ બંધ થઈ જશે. બીજી તરફ, ભારત પાસે કાચો માલ (જેમ કે કપાસ અને સિન્થેટિક ફાઈબર) ભરપૂર માત્રામાં ઉપલબ્ધ છે, જે તેને ગ્લોબલ માર્કેટમાં મજબૂત સ્થિતિમાં મૂકે છે.
ટોપ 40 દેશોમાં પકડ મજબૂત કરશે ભારતટેક્સટાઇલ મંત્રાલય એક ખાસ બ્લુ-પ્રિન્ટ તૈયાર કરી રહ્યું છે. અત્યારે FTA પાર્ટનર્સ સાથે ભારતનો નિકાસ હિસ્સો 5.8% છે, જેને વધારીને 12% સુધી લઈ જવાની યોજના છે. આ ઉપરાંત, દુનિયાના ટોપ 40 દેશોમાં ભારત પોતાની આયાત હિસ્સેદારીને 4.8% થી વધારીને 10% કરવા માંગે છે.
અત્યારે અમેરિકા, યુરોપ અને બ્રિટન જેવા પરંપરાગત બજારોમાં ભારતનો દબદબો છે, જે કુલ નિકાસના 55% હિસ્સો ધરાવે છે. હવે સરકાર ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુએઈ (UAE) અને સાઉદી અરેબિયા જેવા ઉભરતા બજારો પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
નવા એક્સપોર્ટર્સ અને જિલ્લાઓ પર ફોકસ
એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ, સરકાર રાજ્યોને નવા નિકાસકારો તૈયાર કરવા અને જેઓ પ્રથમવાર એક્સપોર્ટ કરી રહ્યા છે તેમને મદદ કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. જે પ્રોડક્ટ્સમાં રોજગારીની તકો વધુ છે અને જેનું સાંસ્કૃતિક મૂલ્ય છે, તેના માર્કેટિંગ પર ભાર મુકવામાં આવશે. જો ભારત પોતાની લોજિસ્ટિક્સ કોસ્ટ (માલસામાન હેરફેરનો ખર્ચ) ઘટાડી શકે અને વધુ દેશો સાથે FTA સાઈન કરે, તો ટેક્સટાઇલ ક્ષેત્રે ભારતનું વર્ચસ્વ અનેકગણું વધી જશે.