PM Modi FICCI Speech: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે નવી દિલ્હીમાં યોજાયેલા ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના શતાબ્દી સમારોહ દરમિયાન દેશના મોટા ઉદ્યોગપતિઓ અને બિઝનેસ લીડર્સને એક સીધો અને તીખો સવાલ પૂછ્યો હતો.
PM Modi FICCI Speech: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે નવી દિલ્હીમાં યોજાયેલા ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના શતાબ્દી સમારોહ દરમિયાન દેશના મોટા ઉદ્યોગપતિઓ અને બિઝનેસ લીડર્સને એક સીધો અને તીખો સવાલ પૂછ્યો હતો.
વડાપ્રધાને કોર્પોરેટ સેક્ટરને આપવામાં આવેલી ટેક્સ રાહતની વાત કરતા ઉદ્યોગ જગતને પૂછ્યું કે, સરકારે તો કોર્પોરેટ ટેક્સ ઘટાડ્યો છે, પરંતુ શું તમે તમારા કર્મચારીઓનો પગાર વધાર્યો કે પછી નવા લોકોને નોકરી પર રાખ્યા? પીએમ મોદીએ કોર્પોરેટ જગતને ટકોર કરી હતી કે ટેક્સમાં મળેલી છૂટનો સીધો ફાયદો નીચે કર્મચારીઓ સુધી પણ પહોંચવો જોઈએ.
'તમારી ભૂખ એટલી છે કે ગમે તેટલું ખવડાવો, પેટ ભરાતું નથી'
પોતાના સંબોધનમાં બિઝનેસ લીડર્સ તરફ ઈશારો કરીને હળવા અંદાજમાં કટાક્ષ કરતા પીએમ મોદીએ કહ્યું કે,,"વર્ષ 2014 માં કોર્પોરેટ ટેક્સનો મૂળ દર 30% હતો, જેને અમે ઘટાડીને 22% કરી દીધો છે.""આજે ભારતમાં વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની વ્યક્તિગત કમાણી પર કોઈ ઈન્કમ ટેક્સ લાગતો નથી. મેં તો 12 લાખ રૂપિયા સુધીનો ઈન્કમ ટેક્સ માફ કરી દીધો." "પણ શું તમે તમારા કર્મચારીઓની સેલેરી વધારી? શું તમે કર્મચારીઓની સંખ્યામાં વધારો કર્યો? મોદીજી તમે કરતા રહો, અમે જોઈ લઈશું... શું આવું જ ચાલશે? તમારી ભૂખ એટલી બધી છે કે ગમે તેટલું ખવડાવો, પેટ ભરાતું જ નથી!" પીએમ મોદીની આ વાત સાંભળીને હોલમાં હાજર તમામ ઉદ્યોગપતિઓ હસી પડ્યા હતા.
#WATCH | Delhi: At FICCI's centenary convention, PM Narendra Modi says, "Any country progresses only by respecting its farmers, small entrepreneurs, industry, wealth creators, and taxpayers, not by abusing them morning and evening. Back around 2001–02, when I had newly become Gujarat CM, I addressed an Income Tax Department gathering and asked them: 'When will you stop treating everyone like a thief? You also work for the country; everyone deserves respect.' We brought the basic corporate tax rate down from 30% in 2014 to 22%, and today there is no income tax on earnings up to ₹12 lakh. Did you increase your employees' salaries or hire more staff? We also simplified returns and refunds; unlike earlier, when it took eight months, refunds now arrive within a week."
— ANI (@ANI) November 19, 2026
ટેક્સમાં રાહતથી લોકોની ખરીદશક્તિ વધી, હવે 1 અઠવાડિયામાં મળે છે રિફંડ
વડાપ્રધાને જણાવ્યું કે સરકારે ઈન્કમ ટેક્સમાં આટલી મોટી રાહત આપવાનું સાહસ ત્યારે બતાવ્યું, જ્યારે સરકારને ખબર હતી કે કદાચ ઉદ્યોગ જગતના દિગ્ગજો આ પગલાંથી પૂરી રીતે સંતુષ્ટ નહીં થાય. તેમણે કહ્યું કે ઈન્કમ ટેક્સમાં મળેલી આ મોટી છૂટથી સામાન્ય લોકોની ખરીદી કરવાની ક્ષમતા ઘણી વધી ગઈ છે અને વેપારીઓએ સરકારના આ પ્રયાસોને સ્વીકારવા જોઈએ.
ઈન્કમ ટેક્સ રિટર્ન અને રિફંડની પ્રક્રિયામાં આવેલા બદલાવ અંગે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, કરદાતાઓના પૈસા વગર કારણે ક્યાંય ફસાઈ ન જાય તે માટે સરકારે આખી સિસ્ટમ એકદમ સરળ બનાવી દીધી છે. તેમણે પૂછ્યું, "તમને યાદ હશે કે પહેલાં એક પત્ર પહોંચવામાં જ 8 મહિના લાગી જતા હતા. આજે શું રિટર્ન 1 અઠવાડિયાની અંદર પ્રોસેસ નથી થઈ જતું અને રિફંડ અઠવાડિયામાં ખાતામાં નથી આવી જતું?"
'ટેક્સપેયર્સનું સન્માન કરવાથી દેશ આગળ વધે છે, ગાળો આપવાથી નહીં'
વર્લ્ડ બેંકના લેટેસ્ટ રિપોર્ટનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું કે માત્ર 12-13 વર્ષમાં દેશના 50 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. ભારતમાં વિકાસની ગતિ અને ગરીબીમાંથી બહાર નીકળવાની ગતિ બંને ખૂબ જ તેજ છે. દેશના ખેડૂતો, નાના ઉદ્યોગસાહસિકો, ઉદ્યોગો, સંપત્તિનું સર્જન કરનારા અને કરદાતાઓનું સન્માન કરવાથી દેશ આગળ વધે છે, નહીં કે તેમને રાત-દિવસ ગાળો કે અપશબ્દો બોલવાથી.
'આ મિત્રોની સરકાર છે, સંકોચ વગર સુધારા માટે સૂચનો લખી મોકલો'
અગાઉની સરકારો પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે, ઉદ્યોગ જગત સાથે પાછલી સરકારોનો અનુભવ એટલો ખરાબ રહ્યો છે કે હવે અમારે પણ તેનું પરિણામ ભોગવવું પડી રહ્યું છે. વડાપ્રધાને ઉદ્યોગપતિઓને ભરોસો આપતા કહ્યું કે, "આ જૂની સરકાર નથી, આ મિત્રોની સરકાર છે. આ સરકાર દોસ્તી નિભાવવાનું જાણે છે અને તમે મારા સાચા મિત્રો છો. તેથી કોઈ પણ ખચકાટ કે સંકોચ રાખ્યા વગર મને ખુલ્લા મને લખીને જણાવો કે દેશના વિકાસ માટે હજુ કઈ-કઈ બાબતોમાં સુધારા કરવાની જરૂર છે."
અંતે તેમણે કંપનીઓને કૃષિ અને તેને સંબંધિત ક્ષેત્રોમાં મોટા પાયે રોકાણ કરવા તથા આગામી 20 વર્ષ સુધી રોકાણને લગતા દરેક લાંબા ગાળાના નિર્ણયના કેન્દ્રમાં ઈન્ડિયા ફર્સ્ટની ભાવના રાખવા અપીલ કરી હતી, જેથી ભારત આત્મનિર્ભર બને અને ઉદ્યોગો માટે પણ વેપારની નવી તકો ખુલે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.