Gold and Silver: સોનું-ચાંદી સાચવવાની ઝંઝટ છોડો, મ્યુચ્યુઅલ ફંડ દ્વારા આ રીતે કરો રોકાણ, જાણો પૂરી પ્રોસેસ
Gold Silver Mutual Funds: શું તમે સોનું કે ચાંદી ફિઝિકલી ખરીદ્યા વગર તેમાં રોકાણ કરવા માંગો છો? મ્યુચ્યુઅલ ફંડ, ETF અને FoF દ્વારા રોકાણ કરવાની સરળ રીત, ટેક્સના નિયમો અને એક્સપર્ટની સલાહ વિશે અહીં જાણો.
Gold Silver Mutual Funds: ભારતમાં સોનું અને ચાંદી માત્ર ઘરેણાં નથી, પણ રોકાણનું એક મોટું માધ્યમ છે. જોકે, સોનું ખરીદ્યા પછી તેને સાચવવાની ચિંતા સૌને સતાવતી હોય છે.
Gold Silver Mutual Funds: ભારતમાં સોનું અને ચાંદી માત્ર ઘરેણાં નથી, પણ રોકાણનું એક મોટું માધ્યમ છે. જોકે, સોનું ખરીદ્યા પછી તેને સાચવવાની ચિંતા સૌને સતાવતી હોય છે. પણ હવે જમાનો બદલાયો છે. હવે તમારે સોનું કે ચાંદી ઘરે તિજોરીમાં રાખવાની જરૂર નથી. તમે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ફિઝિકલ ખરીદી કર્યા વગર પણ સોના-ચાંદીમાં રોકાણ કરી શકો છો.
એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ETF), ફંડ ઓફ ફંડ્સ (FoF) અને મલ્ટી-એસેટ એલોકેશન ફંડ જેવા વિકલ્પો આજે ઉપલબ્ધ છે. ચાલો સરળ ભાષામાં સમજીએ કે આ કેવી રીતે કામ કરે છે અને તેમાં રોકાણ કરવાથી શું ફાયદો થાય છે.
1. મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણ કેવી રીતે કરવું?
જો તમે સીધું સોનું નથી ખરીદવા માંગતા, તો એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ETF) અથવા ફંડ-ઓફ-ફંડ (FoF) બેસ્ટ વિકલ્પ છે. આમાં તમે જ્યારે પૈસા રોકો છો, ત્યારે તમને સ્કીમની નેટ એસેટ વેલ્યુ (NAV)ના આધારે યુનિટ્સ મળે છે. આ ફંડ હાઉસ તમારી બદલે ફિઝિકલ સોનું કે ચાંદી રાખે છે. જેમ જેમ બજારમાં સોના-ચાંદીના ભાવ વધે કે ઘટે, તેમ તમારા યુનિટની NAV બદલાય છે. એટલે કે, સોનું હાથમાં રાખ્યા વગર તમે તેના માલિક બની જાવ છો.
2. મલ્ટી-એસેટ એલોકેશન ફંડ: એક સાથે અનેક ફાયદા
જો તમને માત્ર સોનામાં જ રોકાણ કરવું જોખમી લાગતું હોય, તો ફંડ હાઉસ 'મલ્ટી-એસેટ એલોકેશન ફંડ'નો વિકલ્પ પણ આપે છે. આ ફંડમાં તમારા પૈસાનો 10%થી 25% હિસ્સો સોના અને ચાંદીમાં રોકવામાં આવે છે. બાકીના પૈસા ઇક્વિટી (શેરબજાર) અને ડેટ ફંડમાં રોકાય છે. આનાથી તમને ડાયવર્સિફિકેશન મળે છે. જો શેરબજાર નીચે જાય તો સોનું તમને બેલેન્સ આપે છે. જોકે, મેટલ્સમાં લિમિટેડ રોકાણ હોવાથી, જ્યારે સોનાના ભાવ બહુ વધે ત્યારે રિટર્ન થોડું મર્યાદિત રહી શકે છે.
3. શું SIP દ્વારા રોકાણ કરી શકાય?
હા, બિલકુલ. તમે એકસાથે (Lump sum) પૈસા રોકવાને બદલે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) દ્વારા દર મહિને થોડું રોકાણ કરી શકો છો. આ સિવાય તમે સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન (STP)નો વિકલ્પ પણ પસંદ કરી શકો છો. સૌથી સારી વાત એ છે કે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા તમે સોના-ચાંદીમાં કેટલું રોકાણ કરવા માંગો છો, તેની કોઈ ઉપલી મર્યાદા નથી.
4. ખાસ જાણો: ગોલ્ડ અને સિલ્વર ફંડ પર ટેક્સના નિયમો
રોકાણ કરતા પહેલા ટેક્સના નિયમો સમજવા ખૂબ જરૂરી છે:
ETF માટે: જો તમે ગોલ્ડ કે સિલ્વર ETF ના યુનિટ્સ 12 મહિનાની અંદર વેચી દો છો, તો થયેલા નફાને 'શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન' ગણવામાં આવશે અને તમારી આવક મુજબ ટેક્સ લાગશે. જો 12 મહિનાથી વધુ રાખો છો, તો 12.5% લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ લાગશે.
FoF માટે: ફંડ ઓફ ફંડ્સમાં જો તમે 24 મહિનાથી વધુ સમય માટે રોકાણ રાખો છો, તો 12.5% ટેક્સ લાગે છે. જો 24 મહિના પહેલા વેચો તો તમારા ઈન્કમ ટેક્સ સ્લેબ મુજબ ટેક્સ ભરવો પડે છે.
5. એક્સપર્ટ્સ શું સલાહ આપે છે?
હાલમાં સોના-ચાંદીમાં આવેલી તેજી પછી રોકાણકારોએ શું કરવું જોઈએ? ફાઇનાન્શિયલ પ્લાનર્સના મતે એકસાથે મોટી રકમ રોકવાને બદલે બાય ઓન ડીપ્સ એટલે કે ભાવ ઘટે ત્યારે ખરીદોની રણનીતિ અપનાવો. જૂના રિટર્નને જોઈને આંધળું રોકાણ ન કરો. તમારા કુલ પોર્ટફોલિયોના 10-15% હિસ્સો જ મેટલ્સમાં રાખો. સલામતી માટે સોનામાં 10% અને ચાંદીમાં જેમાં વધઘટ વધુ હોય છે, 3-5% રોકાણ કરવું હિતાવહ છે.
6. સોના અને ચાંદીનું જબરદસ્ત રિટર્ન
છેલ્લા કેટલાક સમયના આંકડા જોઈએ તો રોકાણકારોને તગડો ફાયદો થયો છે, આપેલા ડેટા મુજબ, છેલ્લા 1 વર્ષમાં સોનાએ 73% રિટર્ન આપ્યું છે, જ્યારે ચાંદીએ 161% જેટલો ફાયદો કરાવ્યો છે. 3 વર્ષના ગાળામાં સોનાએ વાર્ષિક 32.98% અને ચાંદીએ 48.77% રિટર્ન આપ્યું છે. જો તમે પણ રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ, તો SIP શરૂ કરો અથવા જ્યારે ભાવમાં ઘટાડો થાય ત્યારે ધીરે-ધીરે ખરીદી કરવી શાણપણ ગણાશે.