ITR Refund Status: ITR રિફંડની રાહ જોઈ રહેલા 50 લાખ કરદાતાઓ માટે મહત્ત્વના સમાચાર. ટેક્સ વિભાગની કડક તપાસ અને NUDGE પ્રોસેસને કારણે વિલંબ થઈ રહ્યો છે.
ITR Refund Status: જો તમે તમારું ઇનકમ ટેક્સ રિટર્ન (ITR) ભરી દીધું છે અને હજુ સુધી રિફંડ તમારા ખાતામાં નથી આવ્યું, તો ચિંતા કરશો નહીં. તમે એકલા નથી. દેશભરમાં આશરે 50 લાખથી વધુ કરદાતાઓ હાલમાં તેમના રિફંડની રાહ જોઈ રહ્યા છે. એસેસમેન્ટ યર (AY) 2025-26 માટે કરોડો રિટર્ન ભરાયા હોવા છતાં, લાખો લોકોના પૈસા હજુ સુધી અટક્યા છે. આખરે આ વિલંબ શા માટે થઈ રહ્યો છે અને તમારે શું કરવું જોઈએ? ચાલો સરળ ભાષામાં સમજીએ.
શું કહે છે આંકડા?
એક રિપોર્ટ અને આવકવેરા વિભાગના તાજેતરના ડેટા મુજબ, 11 જાન્યુઆરી સુધીમાં લગભગ 8.8 કરોડ ITR ફાઇલ કરવામાં આવ્યા છે. તેમાંથી 8.68 કરોડ રિટર્ન વેરિફાય થઈ ચૂક્યા છે અને 8.15 કરોડ રિટર્ન પ્રોસેસ પણ થઈ ગયા છે. જો આપણે ગણતરી કરીએ તો, હજુ પણ લગભગ 53 લાખ જેટલા ITR પ્રોસેસિંગ માટે પેન્ડિંગ છે. આમાં ઘણા એવા કેસ છે જેમાં લોકો રિફંડની રાહ જોઈ રહ્યા છે.
શા માટે થઈ રહ્યું છે મોડું? તપાસ બની છે કડક
નિષ્ણાતોના મતે, રિફંડમાં વિલંબ થવાનું મુખ્ય કારણ આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવી રહેલી કડક તપાસ છે. આ વખતે ડિપાર્ટમેન્ટ રિસ્ક-બેઝ્ડ રિવ્યુ કરી રહ્યું છે. એટલે કે, જે લોકોએ સામાન્ય કરતાં વધારે રિફંડ ક્લેમ કર્યું છે અથવા જેમના વ્યવહારો શંકાસ્પદ લાગે છે, તેમના રિટર્ન મેન્યુઅલ વેરિફિકેશન અધિકારીઓ દ્વારા તપાસ માટે રોકવામાં આવ્યા છે.
જો તમારા AIS (એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ) અને ફોર્મ 26ASના ડેટા સાથે તમે ભરેલી વિગતો મેચ નથી થતી, તો સિસ્ટમ ઓટોમેટિકલી પ્રોસેસ ધીમી કરી દે છે. આવા કિસ્સામાં વિભાગ ઝીણવટભરી તપાસ કરે છે, જેના કારણે રિફંડ મળવામાં સમય લાગી રહ્યો છે.
CBDTની NUDGE પહેલ પણ એક કારણ
રિફંડ અટકવાનું બીજું એક મોટું કારણ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) ની 'NUDGE' પહેલ છે. આ પહેલના બીજા ફેઝમાં, ટેક્સ અધિકારીઓ વિદેશી સંપત્તિ કે વિદેશી આવક છુપાવનારા લોકો પર નજર રાખી રહ્યા છે. જો કોઈ કરદાતાએ AY 2025-26ના રિટર્નમાં વિદેશી આવકનો ખુલાસો ન કર્યો હોય અને ઓટોમેટિક એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશન (AEOI) ડેટામાં તે પકડાય, તો આવા કેસની અલગથી તપાસ થઈ રહી છે.
છેલ્લી તારીખે થયેલો ધસારો
આ વર્ષે ITR ફાઇલ કરવાની ડેડલાઇન બે વાર લંબાવવામાં આવી હતી. છેલ્લે તારીખ વધારીને 16 સપ્ટેમ્બર, 2025 કરવામાં આવી હતી. આ કારણે સપ્ટેમ્બર મહિનામાં રિટર્ન ફાઇલ કરનારાઓની ભારે ભીડ જામી હતી. છેલ્લા દિવસોમાં થયેલા આશરે ફાઇલિંગને કારણે સિસ્ટમ પર ભારણ વધ્યું અને પ્રોસેસિંગનું બેકલોગ વધી ગયું. વળી, બેંકો અને મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા મળતી માહિતી અને કરદાતાએ બતાવેલી આવકમાં તફાવત આવતા પણ સિસ્ટમ એલર્ટ મોકલી રહી છે.
રિફંડ ન આવ્યું હોય તો તમારે શું કરવું?
જો તમારું રિફંડ પણ અટકેલું છે, તો ગભરાવાને બદલે નીચે મુજબના સ્ટેપ્સ ફોલો કરો:
સ્ટેટસ ચેક કરો: સૌથી પહેલા ઇનકમ ટેક્સ પોર્ટલ પર લોગિન કરીને તમારા ITR નું કરન્ટ સ્ટેટસ ચેક કરો.
બેંક એકાઉન્ટ વેરિફિકેશન: ખાતરી કરો કે તમારું બેંક એકાઉન્ટ પોર્ટલ પર 'વેલિડેટ' થયેલું છે કે નહીં. ઘણીવાર એકાઉન્ટ વેલિડેટ ન હોવાને કારણે રિફંડ જમા થતું નથી.
મેસેજ અને ઇમેઇલ જુઓ: આવકવેરા વિભાગ તરફથી તમને કોઈ ઇમેઇલ કે SMS આવ્યો છે કે નહીં તે તપાસો. જો કોઈ નોટિસ હોય, તો તેનો તાત્કાલિક જવાબ આપો.
રિવાઈઝડ રિટર્ન: જો તમને લાગે કે રિટર્ન ભરવામાં તમારાથી કોઈ ભૂલ થઈ છે, તો તમે 'રિવાઈઝડ રિટર્ન' ફાઇલ કરીને તેને સુધારી શકો છો.
આમ, થોડી સાવચેતી અને નિયમિત તપાસ રાખવાથી તમે રિફંડમાં થતા વિલંબના કારણો જાણી શકો છો અને તેને ઉકેલી શકો છો.