Gold Price Crash: 2026માં સોનું ટોચ પરથી 25% તૂટ્યું! આજે પણ ભાવમાં ગાબડું, જાણો ક્યારે શરૂ થશે રિકવરી | Moneycontrol Gujarati
Get App

Gold Price Crash: 2026માં સોનું ટોચ પરથી 25% તૂટ્યું! આજે પણ ભાવમાં ગાબડું, જાણો ક્યારે શરૂ થશે રિકવરી

વર્ષ 2026 માં સોનાના ભાવમાં ટોચ પરથી 25% નો મોટો ઘટાડો નોંધાયો છે. આજે 19 નવેમ્બરે પણ MCX પર સોનું ગગડ્યું. જાણો સોનામાં રિકવરી ક્યારે આવશે અને શું કહે છે જૂના આંકડા.

અપડેટેડ 02:57:22 PM Nov 19, 2026 પર
Story continues below Advertisement
'ફંડ્સઈન્ડિયા રિસર્ચ'ના અહેવાલ મુજબ, 31 ઓક્ટોબર 2026 સુધીમાં ચાલુ વર્ષ દરમિયાન સોનામાં ટોચ પરથી 25% નો ઘટાડો જોવા મળ્યો છે.

Gold Price Crash: જો તમે ચાલુ વર્ષે સોનાના ભાવ જ્યારે ટોચ પર હતા ત્યારે ખરીદી કરી હતી, તો હાલમાં સોનામાં આવેલા મોટા કડાકાએ તમારી ચિંતા ચોક્કસ વધારી દીધી હશે. બીજી તરફ, જો તમે અત્યારે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો મનમાં એ સવાલ થવો સ્વાભાવિક છે કે શું ભાવ હજુ પણ નીચે જશે?

પરંતુ સોનાનો ઈતિહાસ કંઈક અલગ જ સંકેત આપે છે. ભૂતકાળમાં પણ અનેક વર્ષો દરમિયાન સોનાના ભાવમાં ડબલ-ડિજિટ મોટો ઘટાડો આવ્યો છે, પરંતુ ઘણી વખત વર્ષના અંત સુધીમાં સોનું આ ઘટાડામાંથી બહાર આવીને પોઝિટિવ રિટર્ન આપવામાં સફળ રહ્યું છે.

આજે 19 નવેમ્બરે પણ સોનામાં નરમાઈ યથાવત


આજે ગુરુવાર, 19 નવેમ્બરના રોજ પણ સોનાના ભાવમાં કમજોરી જોવા મળી રહી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર 4 ડિસેમ્બરની ડિલિવરીવાળું ગોલ્ડ ફ્યુચર્સ 0.75% ના ઘટાડા સાથે 1,28,842 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે ખુલ્યું હતું. જ્યારે MCX પર હાજર બજારમાં સોનાનો ભાવ 1,30,921 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે શું હાલનો ઘટાડો ખરેખર ગંભીર છે કે પછી અગાઉની જેમ આ એક સામાન્ય કરેક્શન છે?

1980 પછીનો સૌથી મોટો ઘટાડો: શું કહે છે રિસર્ચ?

'ફંડ્સઈન્ડિયા રિસર્ચ'ના અહેવાલ મુજબ, 31 ઓક્ટોબર 2026 સુધીમાં ચાલુ વર્ષ દરમિયાન સોનામાં ટોચ પરથી 25% નો ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 1980 થી અત્યાર સુધીના ઐતિહાસિક આંકડાઓ પર નજર કરીએ તો, આ સોનામાં આવેલા સૌથી મોટા ઘટાડાઓ પૈકીનો એક છે.

સરેરાશ વાર્ષિક ઘટાડો: 1980 થી અત્યાર સુધી સોનાના ભાવમાં વર્ષ દરમિયાનસરેરાશ અંદાજે 13% નો ઘટાડો જોવા મળ્યો છે. આ દર્શાવે છે કે કોઈ પણ વર્ષ દરમિયાન સોનાના ભાવમાં તેના હાઈ લેવલથી 10% થી 15% નો ઘટાડો આવવો એ કોઈ અસામાન્ય વાત નથી.

તાજેતરના વર્ષોના ઉદાહરણ: વર્ષ 2020 અને 2022 માં સોનાના ભાવમાં વર્ષ દરમિયાન 15% સુધીનો ઘટાડો આવ્યો હતો, જ્યારે 2023 માં 10% નું કરેક્શન આવ્યું હતું. જોકે, 2026 નો 25% નો ઘટાડો તેની તીવ્રતાને કારણે અલગ તરી આવે છે.

મોટા કડાકા છતાં 78% વખત સોનાએ આપ્યું પોઝિટિવ રિટર્ન!

આ અભ્યાસ મુજબ સોનામાં સૌથી મોટો કડાકો 1980 માં નોંધાયો હતો, જ્યારે ભાવ ટોચ પરથી 40% ગગડી ગયા હતા. ત્યારબાદ 1981 માં 25% નું કરેક્શન આવ્યું હતું, જે ઓક્ટોબર 2026 સુધી નોંધાયેલા ઘટાડાની બરાબર છે. પરંતુ વર્ષ દરમિયાન આવેલા મોટા ઘટાડાનો અર્થ એ નથી કે વર્ષનો અંત પણ નુકસાનમાં જ થાય. અભ્યાસના સમયગાળામાં આશરે 78% વખત એવું બન્યું છે જ્યારે સોનાએ કેલેન્ડર વર્ષના અંતે પોઝિટિવ રિટર્ન આપ્યું હોય:

જ્યારે ઘટાડા પછી થઈ શાનદાર રિકવરી: 1980 માં સોનું 40% તૂટ્યું હોવા છતાં વર્ષના અંતે તેમાં 4% નો વધારો નોંધાયો હતો. એ જ રીતે 2008 માં વર્ષ દરમિયાન સોનું 20% તૂટ્યું હતું, પરંતુ વર્ષના અંતે તેણે 28% નું જોરદાર રિટર્ન આપ્યું હતું. વર્ષ 2020માં પણ સોનું એક સમયે 15% ગગડ્યા બાદ વર્ષના અંતે 28% વધ્યું હતું.

જ્યારે વર્ષના અંતે થયું નુકસાન: જોકે દર વખતે રિકવરી નથી આવી. વર્ષ 1981 માં 25% ના ઘટાડા બાદ વર્ષના અંતે રોકાણકારોને 22% નું નુકસાન થયું હતું. એ જ રીતે 2013 માં સોનું 24% તૂટ્યું હતું અને વર્ષના અંતે 18% ના ઘટાડા સાથે બંધ થયું હતું.

2026ની હાલની સ્થિતિ: ફંડ્સઈન્ડિયાના ડેટા મુજબ વર્ષ 2026 ની શરૂઆતથી 31 ઓક્ટોબર સુધીમાં સોનાનું રિટર્ન 5% નેગેટિવ રહ્યું છે.

રોકાણકારોએ અત્યારે શું કરવું જોઈએ?

આ ઐતિહાસિક આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે ઊંચા સ્તરેથી આવેલો મોટો ઘટાડો એ નક્કી નથી કરતો કે આખા વર્ષ દરમિયાન સોનાનું પ્રદર્શન ખરાબ જ રહેશે. સોનું ભૂતકાળમાં અનેકવાર પછડાટ ખાધા પછી ફરી બેઠું થયું છે, પરંતુ તેની કોઈ ગેરંટી નથી કે હાલના ઘટાડામાં પણ તરત એવું જ થશે.

રોકાણકારો માટે સૌથી મહત્વની બાબત તેમનો રોકાણનો સમયગાળો અને તેમની પાસે પહેલાથી રહેલા સોનાનો જથ્થો છે. સોનામાં ટૂંકા ગાળા માટે ઘટાડો આવવો સામાન્ય છે, પરંતુ 25% નો ઘટાડો ઐતિહાસિક સરેરાશ કરતા ઘણો મોટો છે. તેથી ઘટાડામાં ખરીદી કરનારા રોકાણકારોએ ભાવમાં તાત્કાલિક તેજી કે રિકવરીની આશા રાખવાને બદલે આગામી સમયમાં બજારની વધ-ઘટ માટે તૈયાર રહેવું જોઈએ.

ડિસ્ક્લેમર:- Moneycontrol.com પર વ્યક્ત કરવામાં આવેલા મંતવ્યો નિષ્ણાતોના પોતાના અંગત મંતવ્યો છે. આ મંતવ્યો કે ભલામણો માટે વેબસાઇટ અથવા તેનું મેનેજમેન્ટ કોઈપણ રીતે જવાબદાર નથી. મનીકંટ્રોલ તેના યુઝર્સને આગ્રહ કરે છે કે કોઈપણ પ્રકારનો રોકાણનો નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નાણાકીય નિષ્ણાતની સલાહ ચોક્કસથી લેવી.

આ પણ વાંચો-Gold Scam Alert: સોનામાં ચીનના 'રેનિયમ પાઉડર'ની ભેળસેળનું મોટું કૌભાંડ! 20 કેરેટનું સોનું 22 કેરેટમાં વેચાવાનો દાવો, હોલમાર્કિંગ મશીન પણ ફેલ

MoneyControl News

MoneyControl News

First Published: Nov 19, 2026 2:57 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.