ભારત પર દબાણ? અમેરિકી સાંસદોએ ટ્રમ્પને લખ્યો પત્ર: દાળ પરની ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડવા કરી માગ, જાણો સમગ્ર મામલો | Moneycontrol Gujarati
Get App

ભારત પર દબાણ? અમેરિકી સાંસદોએ ટ્રમ્પને લખ્યો પત્ર: દાળ પરની ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડવા કરી માગ, જાણો સમગ્ર મામલો

India US Trade: અમેરિકાના બે સાંસદોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પત્ર લખીને ભારતમાંથી દાળ પરની ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડવા રજૂઆત કરી છે. જાણો આ નિર્ણયથી ભારતીય ગ્રાહકો અને અમેરિકન ખેડૂતો પર શું અસર થશે અને ટ્રમ્પની ટેરિફ પોલિસી શું છે.

અપડેટેડ 05:17:53 PM Jan 18, 2026 પર
Story continues below Advertisement
સાંસદોએ આંકડા રજૂ કરતા જણાવ્યું કે ભારત દુનિયામાં દાળનો સૌથી મોટો ઉપભોક્તા દેશ છે. સમગ્ર વિશ્વમાં જેટલી દાળની ખપત થાય છે, તેમાં એકલા ભારતનો હિસ્સો 27 ટકા જેટલો છે.

India US Trade: ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધો ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. અમેરિકાના બે પ્રભાવશાળી સાંસદોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને એક પત્ર લખીને ભારત સાથેના વેપારમાં દાળ (Pulses) પરની ઈમ્પોર્ટ ડ્યુટી એટલે કે આયાત શુલ્ક ઘટાડવા માટે દબાણ કરવા વિનંતી કરી છે. આ સાંસદોનું કહેવું છે કે ભારતે જે ઊંચા ટેક્સ લગાવ્યા છે, તેના કારણે અમેરિકન ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે.

અમેરિકન ખેડૂતોને થઈ રહ્યું છે નુકસાન

અમેરિકાના મોન્ટાના રાજ્યના રિપબ્લિકન સાંસદ સ્ટીવ ડેન્સ અને નોર્થ ડકોટાના કેવિન ક્રેમરે 16 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને આ પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે તેમના રાજ્યોમાં વટાણા અને અન્ય દાળનું મોટા પાયે ઉત્પાદન થાય છે. પરંતુ, નવી દિલ્હી (ભારત) દ્વારા લાદવામાં આવેલા અયોગ્ય શુલ્કને કારણે અમેરિકન ઉત્પાદકો વૈશ્વિક બજારમાં સ્પર્ધા કરી શકતા નથી અને તેમને આર્થિક ફટકો પડી રહ્યો છે. સાંસદોએ ટ્રમ્પને અપીલ કરી છે કે ભવિષ્યમાં ભારત સાથે કોઈપણ વેપાર સમજૂતી કરવામાં આવે, તો તેમાં દાળ અને કઠોળ માટે સાનુકૂળ નિયમો બનાવવા પર ભાર મૂકવો જોઈએ.

ભારત દાળનો સૌથી મોટો ગ્રાહક

સાંસદોએ આંકડા રજૂ કરતા જણાવ્યું કે ભારત દુનિયામાં દાળનો સૌથી મોટો ઉપભોક્તા દેશ છે. સમગ્ર વિશ્વમાં જેટલી દાળની ખપત થાય છે, તેમાં એકલા ભારતનો હિસ્સો 27 ટકા જેટલો છે. ભારતમાં મસૂર, ચણા, સૂકા બીન્સ અને વટાણા જેવી જણસીઓની માંગ સૌથી વધુ રહે છે. જોકે, આ કેટેગરીમાં અમેરિકન નિકાસ પર ભારતે ભારે ટેક્સ ઝીંકી દીધો હોવાની ફરિયાદ સાંસદોએ કરી છે.


પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભારતે ગયા વર્ષે 30 ઓક્ટોબરે પીળા વટાણા પર 30 ટકા ડ્યુટીની જાહેરાત કરી હતી, જે 1 નવેમ્બર 2025થી લાગુ થઈ છે.

પીએમ મોદી સાથે વાત કરવા અપીલ

બંને અમેરિકી સાંસદોએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને સૂચન કર્યું છે કે તેમણે આ મુદ્દે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સીધી વાતચીત કરવી જોઈએ. પત્રમાં લખવામાં આવ્યું છે કે, "ભારતના આ ઊંચા ટેક્સને કારણે અમે અમારા ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનો ભારત મોકલી શકતા નથી. જો આ મુદ્દે સમાધાન આવે તો તે અમેરિકન ઉત્પાદકો અને ભારતીય ગ્રાહકો બંને માટે પરસ્પર ફાયદાકારક સાબિત થશે."

અમેરિકાએ પણ ભારત પર લગાવ્યો છે 50 ટકા ટેરિફ

બીજી તરફ, આ મામલાનો એક બીજો પહેલુ પણ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50 ટકા જેટલો જંગી ટેરિફ લગાવી રાખ્યો છે. ટ્રમ્પની નીતિ મુજબ, જે દેશો રશિયા અને ઈરાન સાથે વેપાર કરે છે, તેમના પર અમેરિકા વધારાનો ટેક્સ લગાવે છે.

ભારત રશિયા અને ઈરાન બંને સાથે વેપાર કરે છે. આ જ કારણે, અમેરિકા દ્વારા ભારત પર જે 50 ટકા ટેરિફ લગાવવામાં આવ્યો છે, તેમાં 25 ટકા હિસ્સો તો માત્ર રશિયા સાથે વેપાર કરવાને કારણે જ છે. હવે જોવાનું એ રહેશે કે ટ્રમ્પ આ પત્ર મળ્યા બાદ ભારત સાથેની પોતાની વેપાર નીતિમાં કોઈ ફેરફાર કરે છે કે કેમ.

આ પણ વાંચો-PM Modi : આસામથી PM મોદીની ગર્જના, ભાજપ જ દેશની પહેલી પસંદ- કહ્યું, દેશમાં જૂઠનું નહીં, પરંતુ ભાજપના સુશાસનનું ચાલે છે શાસન

MoneyControl News

MoneyControl News

First Published: Jan 18, 2026 5:17 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.