વેનેઝુએલા સંકટ: શું ભારતમાં મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ? અમેરિકાની કાર્યવાહી બાદ જાણો શું થશે કિંમતો પર અસર
Venezuela Crisis: અમેરિકાએ વેનેઝુએલામાં મોટી કાર્યવાહી કરીને રાષ્ટ્રપતિ માદુરોની ધરપકડ કરી છે. શું આ ઘટનાને કારણે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધશે? જાણો નિષ્ણાતોનો અભિપ્રાય અને ગ્લોબલ માર્કેટનું ગણિત.
Venezuela Crisis: અમેરિકાએ વેનેઝુએલામાં મોટી કાર્યવાહી કરીને રાષ્ટ્રપતિ માદુરોની ધરપકડ કરી છે.
Venezuela Crisis: અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે ચાલી રહેલા તણાવમાં એક નવો વળાંક આવ્યો છે. અમેરિકાએ દુનિયાના સૌથી મોટા ઓઈલ ભંડાર ધરાવતા દેશ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ કરી લીધી છે. આ ઘટના બાદ એવી ચર્ચાઓ શરૂ થઈ છે કે અમેરિકા હવે વેનેઝુએલાના ઓઈલ ફિલ્ડ્સ પર કબજો જમાવી શકે છે. સ્વાભાવિક છે કે, જ્યારે પણ કોઈ મોટા ઓઈલ ઉત્પાદક દેશમાં ઉથલ-પાથલ થાય, ત્યારે ગ્લોબલ ઈકોનોમી અને ક્રૂડ ઓઈલના ભાવ પર તેની અસરની ચિંતા વધી જાય છે.
જો કે, ભારતીય વાહનચાલકો માટે સૌથી મોટો સવાલ એ છે કે શું આ ઘટનાને કારણે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થશે? ચાલો સમજીએ આ આખા મામલાનું ગણિત અને નિષ્ણાતોનો મત.
શું ભારત પર કોઈ તાત્કાલિક અસર થશે?
આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલી આ હલચલ વચ્ચે રાહતના સમાચાર એ છે કે ભારત પર તેની કોઈ મોટી અથવા તાત્કાલિક અસર થવાની શક્યતા નહિવત છે. ના એક રિપોર્ટ મુજબ, જાણકારોનું કહેવું છે કે વેનેઝુએલામાં જે કંઈ પણ થઈ રહ્યું છે, તેનાથી ભારતમાં તેલની સપ્લાય કે કિંમતો પર હાલ કોઈ જોખમ નથી.
સરકારી અધિકારીઓના જણાવ્યા મુજબ, તેઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે, પરંતુ હાલ સપ્લાય ચેઈનમાં કોઈ વિક્ષેપ નથી. ઉલટું, જો અમેરિકા વેનેઝુએલામાં પોતાની પકડ મજબૂત કરે છે, તો ભવિષ્યમાં ભારત માટે તેલના નવા સ્ત્રોત ખુલવાની તકો પણ ઉભી થઈ શકે છે.
ભારત અને વેનેઝુએલા વચ્ચેના ઓઈલ વેપારની સ્થિતિ
અમેરિકાએ વેનેઝુએલા પર અગાઉ જે પ્રતિબંધો લગાવ્યા હતા, તેના કારણે દુનિયાભરના બજારોમાં ત્યાંથી તેલની આવક ઓછી થઈ ગઈ છે. ભારત માટે પણ આ આંકડા નીચે મુજબ છે:
સપ્લાય રેન્કિંગ: 2024 ની શરૂઆતમાં ભારતની ક્રૂડ સપ્લાયમાં વેનેઝુએલા 18 માં નંબર પર હતું, જે ગયા વર્ષે એપ્રિલથી ઓક્ટોબર વચ્ચે ઘટીને 21 માં નંબર પર આવી ગયું છે.
આયાત: આ સમયગાળા દરમિયાન ભારતે વેનેઝુએલા પાસેથી આશરે 300 મિલિયન ડોલરનું જ તેલ ખરીદ્યું હતું, જે ભારતની કુલ જરૂરિયાતનો ખૂબ નાનો હિસ્સો છે.
નિષ્ણાતો શું કહે છે?
થિંક ટેન્ક GTRIના સ્થાપક અજય શ્રીવાસ્તવના મતે, "વેનેઝુએલાની સ્થિતિની ભારત પર કોઈ ખાસ અસર નહીં પડે. જોકે, 2000 થી 2010 ના દાયકામાં ભારત વેનેઝુએલા પાસેથી મોટા પાયે તેલ ખરીદતું હતું અને ONGC વિદેશ જેવી કંપનીઓની ત્યાં ભાગીદારી પણ હતી. પરંતુ 2019 પછી અમેરિકી પ્રતિબંધોને કારણે વેપાર ખૂબ જ ઘટી ગયો છે."
IDFC ફર્સ્ટ બેંકના ચીફ ઈકોનોમિસ્ટ ગૌરા સેનગુપ્તા માને છે કે આ ઘટનાની બજારો પર ભાવનાત્મક અસર થઈ શકે છે, જેનાથી રૂપિયો અને અન્ય કરન્સીમાં થોડી વધઘટ જોવા મળી શકે, પરંતુ પેટ્રોલ પંપ પર તેની સીધી અસર દેખાવાની શક્યતા ઓછી છે.
ક્રૂડ ઓઈલના ભાવ ઘટશે કે વધશે?
વેનેઝુએલા પાસે દુનિયાનો સૌથી મોટો ઓઈલ ભંડાર હોવા છતાં, હાલમાં વૈશ્વિક ઉત્પાદનમાં તેની ભાગીદારી માત્ર 1% જેટલી છે. ICRA રેટિંગ્સના પ્રશાંત વશિષ્ઠ જણાવે છે કે વેનેઝુએલાનું ઓઈલ ઘણા સમયથી માર્કેટમાંથી બહાર જેવું જ છે, તેથી શોર્ટ ટર્મમાં કોઈ મોટી અસર નહીં થાય. 2014 થી 2024 વચ્ચે ત્યાંના ઉત્પાદનમાં 10% નો ઘટાડો થયો છે.
બીજી તરફ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટી રહ્યા છે. Oilprice.com મુજબ, બ્રેન્ટ ક્રૂડ 60.57 ડોલર આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. જેપી મોર્ગનનો એક રિપોર્ટ તો ત્યાં સુધી દાવો કરે છે કે 2027 સુધીમાં ક્રૂડના ભાવ ઘટીને 30 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે, કારણ કે ડિમાન્ડ કરતા સપ્લાય વધી જશે.
ભારત પોતાની જરૂરિયાતનું 85% થી વધુ ક્રૂડ ઓઈલ આયાત કરે છે. જો ક્રૂડના ભાવમાં ઘટાડો ચાલુ રહેશે, તો તેનો સીધો ફાયદો ભારતીય અર્થવ્યવસ્થા અને સામાન્ય જનતાને થશે. હાલ પૂરતું, વેનેઝુએલા સંકટને કારણે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની કોઈ ભીતિ નથી.