Lenskart Controversy: લેન્સકાર્ટમાં ‘બિંદી-તિલક’ પર પ્રતિબંધ? ધાર્મિક ભેદભાવના ગંભીર આરોપો વચ્ચે પિયુષ બંસલે આપી સ્પષ્ટતા
Lenskart Controversy: લેન્સકાર્ટમાં કર્મચારીઓને બિંદી, તિલક અને કલાવા પહેરવા પર પ્રતિબંધ હોવાના સમાચારથી સોશિયલ મીડિયા પર હોબાળો મચ્યો છે. પિયુષ બંસલે આ અંગે સ્પષ્ટતા કરી છે, પરંતુ વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. જાણો શું છે આખો મામલો.
Lenskart Controversy: લેન્સકાર્ટમાં કર્મચારીઓને બિંદી, તિલક અને કલાવા પહેરવા પર પ્રતિબંધ હોવાના સમાચારથી સોશિયલ મીડિયા પર હોબાળો મચ્યો છે.
Lenskart Controversy: ચશ્માની જાણીતી કંપની લેન્સકાર્ટ (Lenskart) હાલ સોશિયલ મીડિયા પર ભારે વિવાદોમાં ઘેરાઈ છે. કંપની પર તેના કર્મચારીઓ સાથે ધાર્મિક ભેદભાવ કરવાનો અને હિન્દુ ધાર્મિક પ્રતીકોના ઉપયોગ પર રોક લગાવવાનો ગંભીર આરોપ લાગ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે લેન્સકાર્ટે તેના કર્મચારીઓ માટે એક સખત 'ડ્રેસ કોડ' લાગુ કર્યો છે, જેમાં બિંદી અને તિલક જેવી વસ્તુઓ પર મનાઈ ફરમાવવામાં આવી છે.
શું છે સોશિયલ મીડિયા પરના દાવા?
વાયરલ થઈ રહેલી વિગતો મુજબ, લેન્સકાર્ટની નવી ગાઈડલાઈન્સમાં મહિલા કર્મચારીઓને કપાળ પર બિંદી લગાવવાની મનાઈ છે. જો કોઈ મહિલા સિંદૂર લગાવે તો તે પણ ખૂબ જ ઓછું હોવું જોઈએ. આ સિવાય હાથમાં પહેરવામાં આવતા પવિત્ર ‘કલાવા' (નાડાછડી) પર પણ પ્રતિબંધ હોવાની વાત સામે આવી છે.
વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે શીખ ભાઈઓ માટેની પોલિસી સામે આવી. કહેવામાં આવી રહ્યું છે કે શીખ કર્મચારીઓ જો પાઘડી પહેરવા માંગતા હોય તો તેમણે માત્ર 'બ્લેક' (કાળા) રંગની જ પાઘડી પહેરવી પડશે. બીજી તરફ, સોશિયલ મીડિયા યુઝર્સનો આરોપ છે કે કંપનીમાં હિજાબ પહેરવા પર કોઈ ખાસ પાબંદી નથી, જેના કારણે લોકો તેને ધાર્મિક ભેદભાવ ગણાવી રહ્યા છે.
પિયુષ બંસલે ‘X' પર શું કહ્યું?
આ વિવાદ વધતા લેન્સકાર્ટના સ્થાપક અને CEO પિયુષ બંસલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X' પર સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે, "સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો પોલિસી ડોક્યુમેન્ટ જૂનો છે અને તે હાલની ગાઈડલાઈન્સ દર્શાવતો નથી. કંપનીમાં બિંદી કે તિલક લગાવવા પર કોઈ જ રોક નથી."
બંસલે વધુમાં ઉમેર્યું કે કંપનીની ‘ગ્રૂમિંગ પોલિસી' સમયની સાથે બદલાતી રહે છે. વાયરલ પોસ્ટને કારણે જે પણ ભ્રમ કે ચિંતા ઊભી થઈ છે, તે માટે તેમણે માફી પણ માંગી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે લેન્સકાર્ટમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરવામાં આવતો નથી.
કોમ્યુનિટી નોટે વધારી મુશ્કેલી
પિયુષ બંસલે ભલે સફાઈ આપી હોય, પણ ‘X' પર આવેલી એક ‘કોમ્યુનિટી નોટ' (Community Note) એ વિવાદમાં નવો વળાંક આપ્યો છે. આ નોટમાં દાવો કરવામાં આવ્યો છે કે પિયુષ બંસલ જે પોલિસીને જૂની ગણાવી રહ્યા છે, તે હકીકતમાં તાજેતરની જ છે. નોટ મુજબ, આ પોલિસી ડોક્યુમેન્ટ પછી કંપની દ્વારા અત્યાર સુધી કોઈ નવું અપડેટેડ ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં આવ્યું નથી. એટલે કે, સોશિયલ મીડિયા પર લોકો એવો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો નવી પોલિસી અસ્તિત્વમાં છે તો તે ક્યાં છે?
હાલમાં લેન્સકાર્ટ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ કંપની આ બાબતને ખોટી ગણાવી રહી છે, તો બીજી તરફ યુઝર્સ જૂના પુરાવાઓ સાથે કંપનીને ઘેરી રહ્યા છે. ધાર્મિક લાગણીઓ સાથે જોડાયેલો આ મુદ્દો આવનારા દિવસોમાં લેન્સકાર્ટ માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.