Bharat Coking Coal IPO: વર્ષ 2026નો પ્રથમ મેઈનબોર્ડ IPO આવી રહ્યો છે.
Bharat Coking Coal IPO: શેરબજારમાં રોકાણ કરતા લોકો માટે નવા વર્ષ 2026ની શરૂઆત જોરદાર થવા જઈ રહી છે. વર્ષ 2025માં રેકોર્ડબ્રેક આઈપીઓ આવ્યા બાદ, હવે 2026નો સૌથી પહેલો મેઈનબોર્ડ આઈપીઓ ખુલવા માટે તૈયાર છે. દેશની સૌથી મોટી કોલસા ઉત્પાદક કંપની કોલ ઈન્ડિયાની સબસિડરી કંપની 'ભારત કોકિંગ કોલ' પોતાનો IPO લાવી રહી છે.
કંપનીએ આ IPO માટે પ્રાઈસ બેન્ડ નક્કી કરી લીધી છે અને ગ્રે માર્કેટમાં પણ આ શેરની બોલબાલા છે. જો તમે પણ આ IPOમાં પૈસા રોકવાનું વિચારી રહ્યા હોવ, તો નીચે આપેલી 10 મહત્વની બાબતો તમારે ખાસ જાણી લેવી જોઈએ.
1. પ્રાઈસ બેન્ડ અને લોટ સાઈઝ
ભારત કોકિંગ કોલના 1071 કરોડ રૂપિયાના આ IPO માટે પ્રાઈસ બેન્ડ 21થી 23 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. રોકાણકારોએ ઓછામાં ઓછા 600 શેરના લોટ માટે અરજી કરવી પડશે. કંપનીના કર્મચારીઓ માટે પણ સારા સમાચાર છે, તેમને દરેક શેર પર 2 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.
2. IPOની મહત્વની તારીખો
આ આઈપીઓ 9 જાન્યુઆરીએ સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને તમે 13 જાન્યુઆરી સુધી તેમાં બિડ કરી શકશો. શેર્સનું એલોટમેન્ટ 14 જાન્યુઆરીએ નક્કી થશે અને શેરબજાર (BSE અને NSE) પર કંપનીનું લિસ્ટિંગ 16 જાન્યુઆરીએ થશે.
3. કોના માટે કેટલો હિસ્સો?
આ આઈપીઓમાં અલગ-અલગ કેટેગરી માટે શેર અનામત રાખવામાં આવ્યા છે:
* 50% હિસ્સો સંસ્થાકીય રોકાણકારો (QIB) માટે.
* 35% હિસ્સો બિન-સંસ્થાકીય રોકાણકારો (NII) માટે.
* 15% હિસ્સો રિટેલ એટલે કે નાના રોકાણકારો માટે.
ખાસ વાત એ છે કે, જે લોકો પાસે 1 જાન્યુઆરી 2026 કે તે પહેલાથી કોલ ઈન્ડિયાના શેર છે, તેમના માટે 107 કરોડ રૂપિયાના શેર અનામત રાખવામાં આવ્યા છે.
4. ગ્રે માર્કેટમાં જબરદસ્ત ક્રેઝ (GMP)
માર્કેટમાં લિસ્ટિંગ પહેલા જ ભારત કોકિંગ કોલના શેરની માંગ જોરદાર દેખાઈ રહી છે. ગ્રે માર્કેટમાં આ શેર અપર પ્રાઈસ બેન્ડ કરતા 16.25 રૂપિયા ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. એટલે કે હાલમાં તેનું પ્રીમિયમ (GMP) લગભગ 70.65% ચાલી રહ્યું છે, જે લિસ્ટિંગ પર મોટા નફાના સંકેત આપે છે. જોકે, માત્ર GMP જોઈને રોકાણ ન કરવું જોઈએ, કંપનીના ફંડામેન્ટલ્સ પણ જોવા જરૂરી છે.
5. કેટલા શેર વેચાશે?
આ આઈપીઓ મારફતે કંપની 10 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા કુલ 46.57 કરોડ શેર બહાર પાડશે. મહત્વની વાત એ છે કે આ સંપૂર્ણ ઈશ્યુ 'ઓફર ફોર સેલ' (OFS) છે. એટલે કે કોઈ નવા શેર ઈશ્યુ નહીં થાય, પરંતુ કોલ ઈન્ડિયા પોતાનો 10% હિસ્સો વેચી રહી છે.
6. રજીસ્ટ્રાર કોણ છે?
આ IPOના રજીસ્ટ્રાર તરીકે 'કેફિન ટેક' (KFin Tech)ની નિમણૂક કરવામાં આવી છે. એલોટમેન્ટ ફાઈનલ થયા પછી તમે કેફિન ટેક અથવા BSEની વેબસાઈટ પર જઈને તમને શેર મળ્યા છે કે નહીં તે સ્ટેટસ ચેક કરી શકશો.
7. પૈસાનો ઉપયોગ ક્યાં થશે?
જેમ આપણે ઉપર વાત કરી કે આ ઈશ્યુ પૂરેપૂરો 'ઓફર ફોર સેલ' છે, તેથી IPOમાંથી જે પણ 1071 કરોડ રૂપિયા ભેગા થશે, તે કંપનીને નહીં પરંતુ શેર વેચનાર પ્રમોટર એટલે કે 'કોલ ઈન્ડિયા' ને મળશે.
8. કંપનીનો કારોબાર કેવો છે?
વર્ષ 1972માં સ્થપાયેલી ભારત કોકિંગ કોલ એ કોલ ઈન્ડિયાની સંપૂર્ણ માલિકીની કંપની છે. તે સ્ટીલ અને પાવર ઈન્ડસ્ટ્રીમાં વપરાતા કોકિંગ કોલ, નોન-કોકિંગ કોલ વગેરે બનાવે છે. સપ્ટેમ્બર 2025 સુધીના ડેટા મુજબ કંપની પાસે 34 કાર્યરત ખાણો છે, જે ઝારખંડના ઝરિયા અને પશ્ચિમ બંગાળના રાણીગંજમાં આવેલી છે. નાણાકીય વર્ષ 2025માં દેશના કુલ કોકિંગ કોલ ઉત્પાદનમાં આ કંપનીનો હિસ્સો 58.50% જેટલો મોટો હતો.
9. આર્થિક સ્થિતિ (Financials)
કંપનીના નફાની વાત કરીએ તો તેમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે.
* વર્ષ 2023માં ચોખ્ખો નફો: 664.78 કરોડ રૂપિયા.
* વર્ષ 2024માં વધીને: 1,564.46 કરોડ રૂપિયા.
* વર્ષ 2025માં ઘટીને: 1,240.19 કરોડ રૂપિયા.
ચાલુ નાણાકીય વર્ષ 2026ના પહેલા 6 મહિનામાં (એપ્રિલ-સપ્ટેમ્બર 2025) કંપનીએ 123.88 કરોડનો નફો કર્યો છે. સપ્ટેમ્બર 2025ના અંતે કંપની પર 1,559.13 કરોડનું દેવું હતું, જ્યારે રિઝર્વમાં 1,006.52 કરોડ રૂપિયા પડ્યા હતા.
10. IPO લાવવાનું કારણ
તમને થતું હશે કે કોલ ઈન્ડિયા આ કંપનીનો IPO કેમ લાવી રહી છે? તો જણાવી દઈએ કે કોલ ઈન્ડિયાની યોજના નાણાકીય વર્ષ 2030 સુધીમાં તેની તમામ સબસિડરી કંપનીઓને શેરબજારમાં લિસ્ટ કરાવવાની છે. આ પ્લાનના ભાગરૂપે જ ભારત કોકિંગ કોલનો IPO આવી રહ્યો છે.