કંપની હવે પોતાના પરંપરાગત સલ્ફર ફર્ટિલાઇઝર બિઝનેસથી આગળ વધીને પાક પોષણ, પાક સંરક્ષણ અને જૈવિક ઉત્પાદનો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
જો તમે શેરબજારમાં લાંબા ગાળાના રોકાણ માટે સારા IPO ની રાહ જોઈ રહ્યા છો, તો એગ્રી સેક્ટરની વધુ એક મજબૂત કંપની માર્કેટમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. ખેતી અને પાક માટે જરૂરી ઉત્પાદનો બનાવતી કંપની SML Ltd આગામી 2 થી 3 વર્ષમાં શેરબજારમાં લિસ્ટ થવા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. કંપનીનું જૂનું નામ 'સલ્ફર ઇન્ડિયા લિમિટેડ' હતું.
SML ના મેનેજિંગ ડિરેક્ટર બિમલ શાહે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે, લિસ્ટિંગ અંગે હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી અને હાલ તેનું મૂલ્યાંકન ચાલી રહ્યું છે. જોકે, આગામી એક-બે વર્ષમાં આ દિશામાં ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જશે.
શા માટે IPO લાવવા માંગે છે કંપની?
કંપનીના IPO લાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ન્યૂ કેમિકલ એન્ટિટીઝના વિકાસ માટે જરૂરી મોટું ભંડોળ એકત્ર કરવાનો છે. SML ભારતની એ ગણતરીની કંપનીઓમાં સામેલ છે, જે NCE ના વિકાસ પર કામ કરી રહી છે.છેલ્લા 3 વર્ષથી કંપની આ દિશામાં કામ કરી રહી છે અને ટૂંક સમયમાં જ તેમનો એક નવો મોલેક્યુલ બજારમાં આવવાનો છે. કંપનીના અંદાજ મુજબ, એક NCE ને બજારમાં લાવવા પાછળ 7 થી 8 કરોડ ડોલરનો તોતિંગ ખર્ચ થાય છે. અત્યાર સુધી કંપનીએ રિસર્ચ અને ડેવલપમેન્ટનો તમામ ખર્ચ પોતાની જાતે જ ઉઠાવ્યો છે.
કંપની પાસે છે 450 કરોડની રોકડ, દેવું શૂન્ય
કોઈપણ રોકાણકાર માટે સૌથી મોટી રાહતની વાત એ છે કે SML લગભગ દેવામુક્ત કંપની છે. હાલમાં કંપની પાસે 450 થી 470 કરોડની રોકડ ઉપલબ્ધ છે. કંપનીનું મેનેજમેન્ટ આ જમા પૂંજીનો ઉપયોગ ભવિષ્યમાં કોઈ નવી કંપનીના અધિગ્રહણ, રેગ્યુલેટરી એસેટ્સ અથવા NCE પ્રોગ્રામમાં વ્યુહાત્મક ભાગીદારી માટે કરી શકે છે.
નવો બિઝનેસ પ્લાન: પાક પોષણ પર સૌથી વધુ ભાર
કંપની હવે પોતાના પરંપરાગત સલ્ફર ફર્ટિલાઇઝર બિઝનેસથી આગળ વધીને પાક પોષણ, પાક સંરક્ષણ અને જૈવિક ઉત્પાદનો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. મેનેજમેન્ટનું માનવું છે કે આગામી 3 વર્ષમાં ભારતમાં અને વૈશ્વિક સ્તરે 'પાક પોષણ' ક્ષેત્રે તેમનો બિઝનેસ સૌથી વધુ ઝડપે આગળ વધશે.
રેવેન્યુ ટાર્ગેટમાં કર્યો ફેરફાર
SML એ ચાલુ નાણાકીય વર્ષ 2026-27 માટે પોતાનો રેવેન્યુ ટાર્ગેટ 1,800 કરોડથી ઘટાડીને 1,600 કરોડ કર્યો છે.આ ટાર્ગેટ ઘટાડવા પાછળ નબળું ચોમાસું, અમેરિકા દ્વારા લાદવામાં આવેલા નવા ટેરિફ અને જિયો-પોલિટિકલ તણાવના કારણે ટ્રાન્સપોર્ટેશનમાં આવતી અડચણો મુખ્ય કારણ છે.જોકે, તેમ છતાં આ નવો ટાર્ગેટ પાછલા નાણાકીય વર્ષના 1,200 થી 1,300 કરોડના ટર્નઓવર કરતા ઘણો વધારે છે. આવક વધારવા કંપનીએ પોતાના ઉત્પાદનોના ભાવમાં પણ 15 થી 20 ટકાનો વધારો કર્યો છે.
80 થી વધુ દેશોમાં ફેલાયો છે બિઝનેસ
SML નો કારોબાર માત્ર ભારત પૂરતો સીમિત નથી, પરંતુ દુનિયાના 80 થી વધુ દેશોમાં ફેલાયેલો છે.ગત નાણાકીય વર્ષમાં કંપનીને વિદેશી બજારમાંથી 600 થી 700 કરોડની આવક થઈ હતી.ચાલુ વર્ષે આ આંકડો 700 થી 800 કરોડ થવાની આશા છે. જ્યારે આગામી 2 વર્ષમાં ઇન્ટરનેશનલ માર્કેટમાંથી 1,000 કરોડની આવકનો મજબૂત ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.
ડિસ્ક્લેમર: આ માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. અહીં જણાવવું જરૂરી છે કે શેરબજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકારોએ કોઈપણ જગ્યાએ નાણાં રોકતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. મનીકંટ્રોલ દ્વારા ક્યારેય પણ કોઈને રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી.