કુસુમગર કંપનીના IPO ની ઇશ્યૂ પ્રાઇસ 419 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. આજે BSE પર આ શેર 574.00 રૂપિયા અને NSE પર 569.00 રૂપિયાના ભાવે લિસ્ટ થયો છે.
Kusumgar IPO Listing : શેરબજારમાં રોકાણકારો માટે આજે એક શાનદાર દિવસ રહ્યો છે. એરોસ્પેસ, ડિફેન્સ અને ઓટોમોટિવ સેક્ટર માટે ખાસ પ્રકારનું ફેબ્રિક બનાવતી મુંબઈની જાણીતી કંપની કુસુમગરની આજે માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી થઈ છે. રોકાણકારોએ આ IPO માં ભારે રસ દાખવ્યો હતો અને આજે લિસ્ટિંગના દિવસે તેમને બમ્પર કમાણી થઈ છે.
શેરબજારમાં Kusumgarની શાનદાર એન્ટ્રી
કુસુમગર કંપનીના IPO ની ઇશ્યૂ પ્રાઇસ 419 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. આજે BSE પર આ શેર 574.00 રૂપિયા અને NSE પર 569.00 રૂપિયાના ભાવે લિસ્ટ થયો છે. આનો સીધો અર્થ એ થયો કે, જે રોકાણકારોને આ શેર લાગ્યા હતા તેમને પહેલા જ દિવસે 37% નો તગડો નફો મળ્યો છે. લિસ્ટિંગ બાદ પણ શેરમાં તેજી અટકી ન હતી. શેર ઉછળીને BSE પર 597.00 રૂપિયા પર પહોંચી ગયો હતો. આ હિસાબે રોકાણકારો અત્યારે 42.48% ના નફામાં ચાલી રહ્યા છે. નોંધનીય છે કે, કંપનીના કર્મચારીઓને દરેક શેર પર 39 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળ્યું હતું, તેથી તેઓ આ લિસ્ટિંગમાં સૌથી વધુ ફાયદામાં રહ્યા છે.
IPO ને મળ્યો હતો રેકોર્ડબ્રેક પ્રતિસાદ
8 થી 10 જુલાઈ વચ્ચે ખુલેલા આ 650 કરોડ રૂપિયાના IPO ને રોકાણકારોએ ખોબલે-ખોબલે ભર્યો હતો. ઓવરઓલ આ IPO 135.80 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. જેમાં ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સનો હિસ્સો 299.51 ગણો, નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સનો હિસ્સો 174.28 ગણો, રિટેલ રોકાણકારોનો હિસ્સો 27.97 ગણો અને કર્મચારીઓનો હિસ્સો 11.09 ગણો ભરાયો હતો.
કંપનીને આ IPO માંથી કોઈ પૈસા નહીં મળે
ખાસ ધ્યાન આપવા જેવી બાબત એ છે કે, આ IPO હેઠળ કંપનીએ કોઈ નવા શેર બહાર પાડ્યા નથી. 1 રૂપિયાની ફેસ વેલ્યૂ વાળા 1,55,21,698 શેર માત્ર 'ઓફર ફોર સેલ' વિન્ડો હેઠળ વેચવામાં આવ્યા છે. એટલે કે, શેર વેચનારા જૂના શેરધારકોને જ આ પૈસા મળશે, કંપનીના ખાતામાં IPO નું ફંડ નહીં જાય.
શું કામ કરે છે કુસુમગર કંપની?
કુસુમગર એરોસ્પેસ, ડિફેન્સ, ઇન્ડસ્ટ્રીયલ, ઓટોમોટિવ અને લાઇફસ્ટાઇલ સેગમેન્ટ માટે એડવાન્સ્ડ એન્જિનિયરિંગ ફેબ્રિક્સ બનાવે છે. કંપનીના ગુજરાતમાં 6 મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ અને ઉત્તર પ્રદેશમાં 1 ફેબ્રિકેશન યુનિટ આવેલા છે. આ કંપની ડિફેન્સ સેક્ટર માટે પેરાશૂટ સિસ્ટમ અને સ્ટીલ્થ સોલ્યુશન્સ જેવી અત્યાધુનિક પ્રોડક્ટ્સ બનાવે છે.
કમાણી ક્યાંથી આવે છે?
કંપનીની કુલ કમાણીમાં એરોસ્પેસ અને ડિફેન્સ ફેબ્રિક્સનો હિસ્સો 32%, ડિફેન્સ સોલ્યુશન્સનો 23%, ઇન્ડસ્ટ્રીયલ અને ઓટોમોટિવનો 24% અને આઉટડોર ફેબ્રિક્સનો 19% હિસ્સો છે.
કેવી છે કંપનીની નાણાકીય સ્થિતિ?
જો કંપનીના નાણાકીય આંકડાઓ પર નજર કરીએ તો,,, નાણાકીય વર્ષ 2025 માં કંપનીનો ચોખ્ખો નફો 84.40 કરોડ રૂપિયા હતો. વર્ષ 2026 માં આ નફો મોટો ઉછાળો લઈને 111.99 કરોડ રૂપિયા પર પહોંચી ગયો હતો. ત્યારબાદ વર્ષ 2027 માં નફો 98.20 કરોડ રૂપિયા નોંધાયો હતો. આ સમયગાળામાં કંપનીની કુલ આવક પણ વર્ષ 2025 ના 474.55 કરોડ રૂપિયાથી વધીને 2026 માં 790.21 કરોડ અને 2027 માં 711.78 કરોડ રૂપિયા રહી હતી. માર્ચ 2027 ક્વાર્ટરના અંતે કંપની પર 223.58 કરોડ રૂપિયાનું દેવું હતું, જેની સામે કંપનીના રિઝર્વ અને સરપ્લસ ફંડમાં 491.05 કરોડ રૂપિયા જમા પડેલા છે.
ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સ્ટોક પર્ફોમન્સ પર આધારિત છે. એ નોંધવું અગત્યનું છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે, પૈસાનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. મનીકંટ્રોલ ક્યારેય કોઈને અહીં પૈસા રોકવાની સલાહ આપતું નથી.