NSE IPO: રોકાણકારોની આતુરતાનો અંત, દેશના સૌથી મોટા IPOને સેબીની લીલી ઝંડી, જાણો લિસ્ટિંગની તારીખ અને તમામ વિગતો
NSEના અંદાજિત 30,000 કરોડના મેગા IPOને SEBIની મંજૂરી મળી ગઈ છે. આ દેશનો સૌથી મોટો IPO બની શકે છે. જાણો પ્રાઇસ બેન્ડ, લિસ્ટિંગની તારીખ અને અન્ય મહત્વની માહિતી.
લગભગ એક દાયકા પહેલા પણ NSE એ પોતાનો IPO લાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સમયે રેગ્યુલેટરી સમસ્યાઓના કારણે તેને મંજૂરી મળી શકી ન હતી.
NSE IPO : શેરબજારમાં રોકાણ કરતા લોકો લાંબા સમયથી નેશનલ સ્ટોક એક્સચેન્જના IPOની રાહ જોઈ રહ્યા હતા. હવે આખરે રોકાણકારોની આતુરતાનો અંત આવ્યો છે. માર્કેટ રેગ્યુલેટર SEBIએ NSEના IPOને પોતાની લીલી ઝંડી આપી દીધી છે. 4 સપ્ટેમ્બરના રોજ સેબી દ્વારા NSE ને ઓબ્ઝર્વેશન લેટર ઇશ્યૂ કરી દેવામાં આવ્યો છે.
એક દાયકા જૂનો પ્રયાસ હવે થશે સફળ
લગભગ એક દાયકા પહેલા પણ NSE એ પોતાનો IPO લાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સમયે રેગ્યુલેટરી સમસ્યાઓના કારણે તેને મંજૂરી મળી શકી ન હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, કંપનીએ 17 જૂન 2026 ના રોજ સેબીમાં પોતાનો ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઈલ કર્યો હતો. હવે સેબી તરફથી ઓબ્ઝર્વેશન લેટર મળી ગયા બાદ, આ IPO તેની અંતિમ પ્રક્રિયામાં પ્રવેશી ચૂક્યો છે.
IPO ની મહત્વની તારીખો
સૂત્રોના જણાવ્યા અનુસાર, મર્ચન્ટ બેન્કર્સ સાથે તારીખો અંગે ચર્ચા ચાલી રહી છે. જોકે, બજારના નિષ્ણાતો મુજબ નીચે મુજબનું શેડ્યૂલ રહી શકે છે.
RHP ફાઇલિંગ: 8 સપ્ટેમ્બરની આસપાસ થઈ શકે છે.
પ્રાઇસ બેન્ડની જાહેરાત: 11 સપ્ટેમ્બરે કંપની તેના શેરનો ભાવ જાહેર કરી શકે છે.
IPO ખુલવાની તારીખ: પ્રાઇસ બેન્ડ આવ્યાના એક સપ્તાહ બાદ ઈશ્યુ પબ્લિક માટે ખુલી શકે છે.
લિસ્ટિંગની તારીખ: 25 સપ્ટેમ્બરના રોજ શેર બજારમાં આ શેર લિસ્ટ થઈ શકે છે.
100% OFS: કંપનીને કોઈ ફંડ નહીં મળે
ખાસ નોંધવા જેવી બાબત એ છે કે, આ IPO સંપૂર્ણપણે 'ઓફર ફોર સેલ' હશે. આનો અર્થ એ છે કે, કંપની કોઈ નવા શેર બહાર પાડશે નહીં અને IPO માંથી મળેલા પૈસા કંપનીના ખાતામાં જશે નહીં. આ ઈશ્યુમાં 14.89 કરોડ શેર વેચાણ માટે મૂકવામાં આવશે, જે NSE ના પેડ-અપ કેપિટલના લગભગ 6 ટકા જેટલા થાય છે. આ IPO માં સૌથી વધુ શેર વેચનાર SBI ગ્રુપ હશે.
દેશનો સૌથી મોટો IPO બનશે
અનલિસ્ટેડ માર્કેટમાં NSE ના વેલ્યુએશનને જોતા, આ IPO નું કદ અંદાજે 30,000 કરોડનું હોઈ શકે છે. જો આમ થશે, તો આ ભારતના ઈતિહાસનો સૌથી મોટો IPO બની જશે. અગાઉ આ રેકોર્ડ હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાના નામે હતો, જેણે વર્ષ 2024 માં 27,870 કરોડનો IPO લાવ્યો હતો. જોકે, NSE દ્વારા હજુ સુધી ફાઇનલ સાઇઝની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
હરીફ કંપની BSE ની શું છે સ્થિતિ?
NSE ની સીધી સ્પર્ધા બોમ્બે સ્ટોક એક્સચેન્જ સાથે છે. રસપ્રદ વાત એ છે કે, NSE ના શેર માત્ર BSE પર જ લિસ્ટ થશે. BSE એ માત્ર ભારત જ નહીં પરંતુ એશિયાનું સૌથી જૂનું એક્સચેન્જ છે. જોકે, કેશ અને ડેરિવેટિવ્ઝના ટ્રેડિંગ વોલ્યુમની વાત કરીએ તો તે NSE કરતા ઘણું પાછળ છે. શેર બજારની વાત કરીએ તો, 4 સપ્ટેમ્બરે BSE નો શેર 3.17 ટકા તૂટીને 3,411 પર બંધ થયો હતો. તેમ છતાં, આ વર્ષે BSE ના શેરમાં લગભગ 30 ટકાનો મોટો ઉછાળો જોવા મળ્યો છે.