NSE IPO Update: રોકાણકારો માટે મોટા સમાચાર! એનએસઈએ IPOની સાઇઝ ઘટાડીને 23,000 કરોડ કરી, હ્યુન્ડાઈનો રેકોર્ડ નહીં તૂટે
NSEના IPOની રાહ જોતા રોકાણકારો માટે મોટું અપડેટ. કંપનીએ IPOની સાઈઝ 30,000 કરોડથી ઘટાડીને 23,000 કરોડ કરી છે. જાણો નવી પ્રાઇસ બેન્ડ, OFS અને લિસ્ટિંગની સંપૂર્ણ અને લેટેસ્ટ માહિતી.
સૌથી મોટો ફેરફાર IPOની સાઇઝમાં જોવા મળ્યો છે. પહેલા એવો અંદાજ હતો કે NSEનો IPO 30,000 કરોડ રૂપિયાનો હશે. પરંતુ, લેટેસ્ટ અપડેટ મુજબ હવે આ સાઇઝ ઘટાડીને 23,000 કરોડ રૂપિયા કરી દેવામાં આવી છે.
NSE IPO Update: શેરબજારમાં રોકાણ કરતા અને ખાસ કરીને નેશનલ સ્ટોક એક્સચેન્જના IPO ની કાગડોળે રાહ જોઈ રહેલા લોકો માટે એક મોટા અને અગત્યના સમાચાર સામે આવ્યા છે. NSE એ 9 સપ્ટેમ્બરના રોજ પોતાનું અપડેટ કરેલું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઈલ કર્યું છે. આ નવા પેપર્સ પરથી જાણવા મળ્યું છે કે એક્સચેન્જે પોતાના IPOના પ્લાનમાં મોટા ફેરફારો કર્યા છે. તમને જણાવી દઈએ કે, NSE દેશનું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ છે અને તેની સીધી ટક્કર પહેલેથી જ શેરબજારમાં લિસ્ટેડ BSE સાથે છે.
IPOની સાઈઝ ઘટી, હવે 23,000 કરોડનો અંદાજ
સૌથી મોટો ફેરફાર IPOની સાઇઝમાં જોવા મળ્યો છે. પહેલા એવો અંદાજ હતો કે NSEનો IPO 30,000 કરોડ રૂપિયાનો હશે. પરંતુ, લેટેસ્ટ અપડેટ મુજબ હવે આ સાઇઝ ઘટાડીને 23,000 કરોડ રૂપિયા કરી દેવામાં આવી છે. એક્સચેન્જે પોતાના અપડેટેડ ડ્રાફ્ટ પેપર્સમાં આ માહિતી સ્પષ્ટ કરી છે.
હ્યુન્ડાઈનો રેકોર્ડ અકબંધ રહેશે
આ સાઈઝ ઘટવાનો સીધો અર્થ એ છે કે, હવે NSEનો IPO દેશના સૌથી મોટા IPOનો રેકોર્ડ તોડી શકશે નહીં. આ રેકોર્ડ હજુ પણ Hyundai Motor Indiaના નામે જ રહેશે. હ્યુન્ડાઈનો IPO 27,870 કરોડ રૂપિયાનો હતો, જે ભારતના ઈતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO છે. આ પહેલા 2022માં LIC એ 21,000 કરોડ રૂપિયાનો IPO લાવ્યો હતો. શરૂઆતમાં માર્કેટને આશા હતી કે NSE હ્યુન્ડાઈનો રેકોર્ડ તોડશે, પણ હવે આ શક્ય નથી.
સંપૂર્ણપણે ઓફર ફોર સેલ હશે
આ IPOની સાઈઝ ઘટવાનું મુખ્ય કારણ એ છે કે કંપનીના અમુક જૂના રોકાણકારોએ હવે પહેલા કરતા ઓછા શેર વેચવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે આ IPO 100% ઓફર ફોર સેલ હશે. એટલે કે, આમાં કોઈ નવા શેર બહાર પાડવામાં આવશે નહીં અને IPO થકી મળેલા નાણાં કંપની પાસે નહીં જાય. માત્ર જૂના શેરધારકો જ પોતાના શેર વેચીને નફો બુક કરશે.
કયા રોકાણકારો વેચશે પોતાના શેર?
પહેલાના પ્લાન મુજબ વીમા કંપનીઓ મોટા પાયે શેર વેચવાની હતી:
* GIC Re: 1.066 કરોડ શેર
* ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ: 1.05 કરોડ શેર
* નેશનલ ઇન્સ્યોરન્સ અને યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ: પ્રત્યેક 60-60 લાખ શેર
આ ચારેય કંપનીઓ મળીને અગાઉ કુલ 3.37 કરોડ શેર વેચવાની હતી, પરંતુ હવે આ કંપનીઓએ પોતાનો હિસ્સો ઓછો વેચવાનો નિર્ણય લીધો છે, જેના કારણે IPOની સાઇઝ ઘટી ગઈ છે.
પ્રાઇસ બેન્ડ અને લિસ્ટિંગની માહિતી
છેલ્લો મોટો ફેરફાર પ્રાઇસ બેન્ડમાં જોવા મળી શકે છે. બજારના નિષ્ણાતો અનુસાર, અગાઉ શેરની કિંમત 2000 રૂપિયાની આસપાસ રહેવાનો અંદાજ હતો, પરંતુ હવે નવી પ્રાઇસ બેન્ડ 1,700થી 1,785 રૂપિયાની વચ્ચે રહી શકે છે. રિટેલ રોકાણકારો માટે આ એક સારા સમાચાર કહી શકાય, કારણ કે પ્રાઇસ બેન્ડ ઘટવાથી IPOમાં અરજી કરવા માટે જરૂરી ન્યૂનતમ રકમ પણ ઘટી જશે. આશા છે કે આગામી એક-બે દિવસમાં જ NSE દ્વારા આ IPOની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે અને આ મહિનાના અંત સુધીમાં જ શેરનું લિસ્ટિંગ પણ થઈ શકે છે. બજારના રોકાણકારોની નજર હવે આ IPOની ઓપનિંગ ડેટ પર ટકેલી છે.
(ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી માત્ર ન્યૂઝ અપડેટ અને જાણકારી માટે છે. શેર બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ IPO અથવા શેરમાં પૈસા લગાવતા પહેલા તમારા સર્ટિફાઇડ ફાઇનાન્સિયલ એક્સપર્ટની સલાહ ચોક્કસ લો.)