ગ્રે માર્કેટ પર સકંજો કસ્યા બાદ SEBI નો મોટો નિર્ણય! હવે Pre-IPO શેરના ટ્રેડિંગ માટે બનશે અલગ એક્સચેન્જ
IPO New Rules: શેરબજારમાં IPO આવતા પહેલા થતા Pre-IPO શેરના સોદા માટે SEBI અલગ ટ્રેડિંગ પ્લેટફોર્મ બનાવવાની તૈયારીમાં છે. જાણો રોકાણકારોને કેવી રીતે થશે ફાયદો.
આ માટે સેબી હવે પ્રી-આઈપીઓ શેરના ટ્રેડિંગ માટે એક અલગ એક્સચેન્જ અથવા વિશેષ ટ્રેડિંગ પ્લેટફોર્મ ઊભું કરવાની શક્યતા પર વિચાર કરી રહ્યું છે.
Pre IPO Shares Trading Platform: ભારતીય શેરબજારમાં રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા અને પારદર્શિતા લાવવા માટે મૂડી બજાર નિયામક સેબી (SEBI) એક પછી એક મહત્વના પગલાં લઈ રહ્યું છે. તાજેતરમાં જ IPO ના ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) અંગે રોકાણકારોને સાવચેત કર્યા બાદ, હવે સેબી પ્રી-આઈપીઓ શેરોના ખરીદ-વેચાણને વધુ પારદર્શક અને નિયમનબદ્ધ બનાવવાની તૈયારી કરી રહ્યું છે.
આ માટે સેબી હવે પ્રી-આઈપીઓ શેરના ટ્રેડિંગ માટે એક અલગ એક્સચેન્જ અથવા વિશેષ ટ્રેડિંગ પ્લેટફોર્મ ઊભું કરવાની શક્યતા પર વિચાર કરી રહ્યું છે. હાલમાં આ પ્રસ્તાવ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ સેબી દ્વારા આ અંગે 'કન્સલ્ટેશન પેપર' જારી કરવામાં આવે તેવી શક્યતા છે.
કેમ ઊભી થઈ અલગ પ્લેટફોર્મની જરૂર?
સેબીના ચેરમેન તુહિન કાંતા પાંડેએ જણાવ્યું હતું કે, છેલ્લા 3 થી 4 વર્ષ દરમિયાન ભારતમાં IPO માર્કેટનો ખૂબ જ મોટા પાયે વિસ્તાર થયો છે. બજારની આ બદલાતી વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને સેબી વિવિધ સુધારાત્મક પગલાં પર વિચારણા કરી રહ્યું છે, જેમાં IPO પહેલાના શેર વ્યવહારો માટે અલગ ટ્રેડિંગ પ્લેટફોર્મ બનાવવાનો વિચાર પણ સામેલ છે.
હાલમાં કેવી રીતે થાય છે Pre-IPO શેરના સોદા અને શું છે જોખમ?
અત્યારે ઘણી કંપનીઓ શેરબજારમાં પોતાનો IPO લાવે તે પહેલા ખાનગી સોદા મારફતે પોતાના શેરનું વેચાણ કરે છે, જેને સામાન્ય રીતે ‘પ્રી-આઈપીઓ' અથવા ‘અનલિસ્ટેડ શેર' તરીકે ઓળખવામાં આવે છે. આવા શેરમાં પૈસા રોકવા માટે રોકાણકારોએ બ્રોકર્સ, મધ્યસ્થીઓ (વચેટિયા) અથવા અનલિસ્ટેડ શેરના સોદા કરાવતી સંસ્થાઓનો સહારો લેવો પડે છે.
હાલની આ પદ્ધતિમાં રોકાણકારોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. રોકાણકારોને કંપનીની સાચી નાણાકીય સ્થિતિ અને શેરના યોગ્ય મૂલ્યાંકન (સાચા ભાવ) અંગે પૂરતી જાણકારી મળતી નથી. શેરની ઉપલબ્ધતા અને વેચાણની શરતોમાં પારદર્શિતાનો અભાવ રહે છે. અનલિસ્ટેડ શેરમાં લિક્વિડિટી (પ્રવાહિતા) ઓછી હોવાને કારણે, રોકાણકારોને જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે શેર વેચવામાં ભારે મુશ્કેલી નડે છે.
માત્ર IPO લાવવાની તૈયારી કરતી કંપનીઓને જ મળશે સ્થાન
સેબીના આ પ્રસ્તાવમાં સૌથી મહત્વની બાબત એ છે કે આ નવું પ્લેટફોર્મ સમગ્ર અનલિસ્ટેડ માર્કેટ માટે નહીં હોય. સેબી ચેરમેને સ્પષ્ટતા કરી છે કે દેશની લાખો અનલિસ્ટેડ કંપનીઓના શેરના વ્યવહારોને આ વ્યવસ્થામાં સામેલ કરવાનો સેબીનો કોઈ ઉદ્દેશ્ય નથી.
આ પ્લેટફોર્મનો વ્યાપ માત્ર એવી જ કંપનીઓ પૂરતો મર્યાદિત રહેશે, જે શેરબજારમાં IPO લાવવાની તૈયારી કરી રહી હોય. એટલે કે જે કંપનીઓનો નજીકના ભવિષ્યમાં IPO લાવવાનો કોઈ ઈરાદો નથી અથવા જે કંપનીઓ IPO પ્રક્રિયા સાથે જોડાયેલી નથી, તેમના શેરને આ પ્લેટફોર્મ હેઠળ લાવવાની સેબીની હાલમાં કોઈ યોજના નથી. આનાથી સ્પષ્ટ થાય છે કે સેબી સમગ્ર અનલિસ્ટેડ બજારને નિયંત્રિત કરવાને બદલે માત્ર IPO પૂર્વેના શેર વ્યવહારો માટે જ ચોક્કસ નિયમનકારી વ્યવસ્થા બનાવવા માંગે છે.
રોકાણકારોના હિતોનું થશે રક્ષણ
જો આ પ્રસ્તાવ અમલમાં આવશે, તો IPO પહેલા કંપનીના શેર ખરીદવા અને વેચવા માંગતા રોકાણકારોને એક વ્યવસ્થિત અને નિયંત્રિત માળખું મળી રહેશે. સેબી ચેરમેને જણાવ્યું કે આ નવી વ્યવસ્થામાં રોકાણકારોના હિતોની સુરક્ષા સૌથી મહત્વપૂર્ણ રહેશે.
આ માટેના નિયમનકારી માળખામાં નીચેના મુદ્દાઓ પર નિયમો ઘડવામાં આવી શકે છે:
* કંપનીઓએ રોકાણકારોને કઈ વધારાની માહિતી ફરજિયાત જાહેર કરવી પડશે.
* શેરના ખરીદ-વેચાણના વ્યવહારો કેવી રીતે થશે અને ભાવમાં પારદર્શિતા કેવી રીતે જાળવવી.
* રોકાણકારોની સુરક્ષા વ્યવસ્થા અને તેમની ફરિયાદોનું નિરાકરણ કેવી રીતે લાવવું.
* જોકે, આ તમામ બાબતો અંગેનો અંતિમ નિર્ણય કન્સલ્ટેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.