Sham Foam IPO Listing: રોકાણકારોને લાગ્યો મોટો ઝટકો! 130નો શેર 20%ના તોતિંગ ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટ થયો | Moneycontrol Gujarati
Get App

Sham Foam IPO Listing: રોકાણકારોને લાગ્યો મોટો ઝટકો! 130નો શેર 20%ના તોતિંગ ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટ થયો

Sham Foam IPO Listing: શૈમ ફોમના IPO એ રોકાણકારોને નિરાશ કર્યા. 130નો શેર BSE SME પર 20%ના મોટા ડિસ્કાઉન્ટ સાથે 104 પર લિસ્ટ થયો. જાણો કંપનીના ફંડનો ઉપયોગ અને લેટેસ્ટ ફાઇનાન્સિયલ ડેટા.

અપડેટેડ 10:51:40 AM Aug 18, 2026 પર
Story continues below Advertisement
Sham Foam IPO Listing: શૈમ ફોમના IPO એ રોકાણકારોને નિરાશ કર્યા.

Sham Foam IPO Listing: શૅર બજારમાં IPOમાં રોકાણ કરીને લિસ્ટિંગ ગેઇન કમાવવાનું વિચારતા રોકાણકારોને ક્યારેક મોટો ઝટકો લાગતો હોય છે. શૈમ ફોમના IPOમાં પણ આજે આવું જ કંઈક જોવા મળ્યું છે. ઘરવપરાશ અને અલગ-અલગ ઇન્ડસ્ટ્રી માટે ગાદલા તેમજ ફોમ બનાવતી આ કંપનીની આજે BSE SME પ્લેટફોર્મ પર એન્ટ્રી થઈ છે, પરંતુ રોકાણકારો માટે આ લિસ્ટિંગ ખૂબ જ નિરાશાજનક રહ્યું છે. નવી એન્ટ્રી પહેલા જાણી લઈએ કંપનીની હાલની આર્થિક સ્થિતિ અને શેરના લેટેસ્ટ ભાવ વિશે.

રોકાણકારોને રાતા પાણીએ રોવડાવ્યા

શૈમ ફોમના IPOમાં શેરની ઇશ્યૂ પ્રાઇસ 130 નક્કી કરવામાં આવી હતી. પરંતુ આજે BSE SME પર આ શેર સીધા 20%ના મોટા ડિસ્કાઉન્ટ સાથે માત્ર 104 પર લિસ્ટ થયો છે. આનો સીધો અર્થ એ છે કે, જે રોકાણકારોને નફાની આશા હતી, તેમની મૂડી પહેલા જ દિવસે 20% સ્વાહા થઈ ગઈ છે. રોકાણકારોને બીજો આંચકો ત્યારે લાગ્યો જ્યારે લિસ્ટિંગ બાદ પણ શેરમાં ઘટાડો ચાલુ રહ્યો. ભાવ તૂટીને 101.55 પર આવી ગયો છે. એટલે કે IPO ના રોકાણકારો હાલ 21.88%ના મોટા નુકસાનમાં ચાલી રહ્યા છે.

કેવો રહ્યો હતો પ્રતિસાદ અને ફંડનો ઉપયોગ ક્યાં થશે?

શૈમ ફોમનો 40 કરોડનો આ IPO 11 થી 13 ઓગસ્ટ દરમિયાન સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો હતો.


સબસ્ક્રિપ્શન: આ IPO ને એકંદરે 2.40 ગણો સારો પ્રતિસાદ મળ્યો હતો. જેમાં રિટેલ રોકાણકારોનો હિસ્સો 2.62 ગણો અને નોન-ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સનો હિસ્સો 2.17 ગણો ભરાયો હતો.

શેરની વિગતો: કંપનીએ 10 ની ફેસ વેલ્યુ ધરાવતા કુલ 31.14 લાખ નવા શેર બહાર પાડ્યા છે.

ફંડનો ઉપયોગ: આ IPO દ્વારા એકત્ર કરાયેલા નાણાંમાંથી 14.72 કરોડ નવી મશીનરી ખરીદવા અને સિવિલ કન્સ્ટ્રક્શન પાછળ ખર્ચાશે. જ્યારે 14.25 કરોડ વર્કિંગ કેપિટલ (રોજબરોજના ખર્ચા) માટે અને બાકીની રકમ અન્ય કોર્પોરેટ હેતુઓ માટે વાપરવામાં આવશે.

શું કરે છે શૈમ ફોમ કંપની?

આ કંપની મુખ્યત્વે PU ફોમ, ગાદલા અને આરામદાયક હોમ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે. આ ઉપરાંત, કંપની ઇન્ડસ્ટ્રિયલ ગ્રેડના PU ફોમ પણ બનાવે છે, જેનો ઉપયોગ ફર્નિચર, સ્પોર્ટ્સના સાધનો, કપડાં અને ઓટોમોબાઇલ સેક્ટરમાં મોટા પાયે થાય છે. માર્કેટમાં કંપનીના ગાદલા 'ફેધરફ્રેશ' અને રેસ્ટિવિયા બ્રાન્ડના નામથી વેચાય છે. પ્રોડક્ટ ડિઝાઇનથી લઈને મેન્યુફેક્ચરિંગ અને ડિસ્ટ્રીબ્યુશન સુધીનું તમામ કામ કંપની જાતે જ સંભાળે છે. કંપની ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, પંજાબ, રાજસ્થાન, યુપી, બિહાર અને જમ્મુ-કાશ્મીર સહિત દેશના અનેક રાજ્યોમાં પોતાની પ્રોડક્ટ્સ સપ્લાય કરે છે.

કંપનીની આર્થિક સ્થિતિ

કંપનીના લેટેસ્ટ આર્થિક આંકડાઓ પર નજર કરીએ તો, તાજેતરના નાણાકીય વર્ષોમાં કંપનીના ચોખ્ખા નફામાં વાર્ષિક 71%નો શાનદાર ઉછાળો જોવા મળ્યો છે અને તે વધીને 8.65 કરોડ સુધી પહોંચ્યો છે. જ્યારે તેમની કુલ આવક 12%ના વધારા સાથે 92.39 કરોડ નોંધાઈ છે. દેવાની વાત કરીએ તો, કંપની પર હાલ 3.99 કરોડનું કુલ દેવું છે, જેની સામે કંપની પાસે રિઝર્વ અને સરપ્લસ ફંડમાં 12.74 કરોડ જમા પડેલા છે.

આર્થિક રીતે કંપની મજબૂત દેખાઈ રહી છે, પરંતુ શેરબજારના સેન્ટિમેન્ટ અને ઇશ્યૂ પ્રાઇસના વેલ્યુએશનને કારણે શોર્ટ-ટર્મ રોકાણકારોને આ IPO માં મોટો ફટકો પડ્યો છે. લૉંગ-ટર્મ રોકાણકારો હવે કંપનીના આગામી ક્વાર્ટરના રિઝલ્ટ પર નજર રાખી રહ્યા છે.

આ પણ વાંચો- Milky Mist IPO Listing: શેરબજારમાં મિલ્કી મિસ્ટની ધમાકેદાર એન્ટ્રી, 140નો શેર 165 પર લિસ્ટ થતાં રોકાણકારો માલામાલ

ડિસ્ક્લેમર: આ માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. અહીં જણાવવું જરૂરી છે કે શેરબજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકારોએ કોઈપણ જગ્યાએ નાણાં રોકતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. મનીકંટ્રોલ દ્વારા ક્યારેય પણ કોઈને રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 18, 2026 10:51 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.