ઉત્કલ સ્પેશિયાલિટી IPOનું શેરબજારમાં ફિક્કું લિસ્ટિંગ. 66 ના ભાવે ખૂલ્યા બાદ શેરમાં સીધી 5% ની લોઅર સર્કિટ લાગતા રોકાણકારો નિરાશ થયા છે. જાણો લિસ્ટિંગ અને કંપનીની વિગતો.
ઉત્કલ સ્પેશિયાલિટી ઈન્ડસ્ટ્રીઝ મુખ્યત્વે પેપર આધારિત પ્રોડક્ટ્સ અને પેકેજિંગ મટિરિયલ બનાવવાનું કામ કરે છે.
Utkal Speciality IPO Listing: શેરબજારમાં આજે ઉત્કલ સ્પેશિયાલિટી ઈન્ડસ્ટ્રીઝ ઈન્ડિયાના શેરોનું NSE SME પ્લેટફોર્મ પર લિસ્ટિંગ થયું છે. જોકે, આ લિસ્ટિંગ રોકાણકારો માટે અત્યંત નિરાશાજનક રહ્યું છે. કંપનીનો IPO પહેલેથી જ રોકાણકારોને આકર્ષવામાં નિષ્ફળ રહ્યો હતો, અને આજે બજારમાં તેની એન્ટ્રી પણ એકદમ ફ્લેટ રહી છે.
IPO માં શેરનો ભાવ 66 રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો, અને આજે તે બજારમાં 66 રૂપિયાના ભાવે જ લિસ્ટ થયો. આનો સીધો અર્થ એ છે કે, જે રોકાણકારોને આ શેર લાગ્યા હતા તેમને 0% લિસ્ટિંગ ગેઈન મળ્યો છે.
શેરમાં લાગી 5% ની લોઅર સર્કિટ
રોકાણકારો માટે ખરાબ સમાચાર માત્ર ફ્લેટ લિસ્ટિંગ પૂરતા સીમિત ન હતા. બજારમાં શેર લિસ્ટ થયાની થોડી જ વારમાં તેમાં ભારે વેચવાલી શરૂ થઈ ગઈ અને શેરનો ભાવ ધડા દઈને તૂટી ગયો. શેરનો ભાવ ઘટીને 62.70 રૂપિયા પર આવી જતાં તેમાં 5% ની લોઅર સર્કિટ લાગી ગઈ. એટલે કે, IPO માં પૈસા લગાવનાર રોકાણકારો અત્યારે સીધા 5 ટકાના નુકસાનમાં ચાલી રહ્યા છે.
IPO ને કેવો પ્રતિસાદ મળ્યો હતો?
ઉત્કલ સ્પેશિયાલિટીનો 35 કરોડ રૂપિયાનો આ IPO 10 થી 12 જૂન સુધી સબસ્ક્રિપ્શન માટે ખૂલ્યો હતો. જોકે, તેને રોકાણકારો તરફથી એકદમ ફિક્કો રિસ્પોન્સ મળ્યો હતો.આખો ઈશ્યૂ માત્ર 1.60 ગણો જ ભરાયો હતો.
જેમાં QIBનો ક્વોટા 1.12 ગણો ભરાયો હતો. NIIનો હિસ્સો માત્ર 0.89 ગણો (એટલે કે પૂરો ભરાયો પણ ન હતો). અને રિટેલ રોકાણકારો (સામાન્ય પબ્લિક) નો હિસ્સો 2.10 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. નોંધનીય છે કે, આ IPO હેઠળ 10 રૂપિયાની ફેસ વેલ્યૂ વાળા 52.34 લાખ નવા શેર બહાર પાડવામાં આવ્યા હતા.
એકઠા કરેલા ફંડનો ઉપયોગ ક્યાં થશે?
કંપની આ IPO દ્વારા એકઠા કરેલા નાણાંમાંથી 7.35 કરોડ રૂપિયાનો ઉપયોગ પોતાના લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમમાં નવા ફીચર્સ ઉમેરવા, નવી પ્રોડક્ટસ અને કોર્સ ડેવલપ કરવા તથા લેપટોપ ખરીદવા પાછળ કરશે. આ ઉપરાંત, 5 કરોડ રૂપિયા કંપનીની વર્કિંગ કેપિટલની જરૂરિયાતો પૂરી કરવા માટે વપરાશે. જ્યારે બાકીની રકમ અન્ય સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે વાપરવામાં આવશે.
કંપનીનો બિઝનેસ અને લેટેસ્ટ આર્થિક સ્થિતિ
ઉત્કલ સ્પેશિયાલિટી ઈન્ડસ્ટ્રીઝ મુખ્યત્વે પેપર આધારિત પ્રોડક્ટ્સ અને પેકેજિંગ મટિરિયલ બનાવવાનું કામ કરે છે. કંપની નાના ઉત્પાદકોથી લઈને મોટા રિટેલર્સ સુધીના ગ્રાહકોની અલગ-અલગ જરૂરિયાતો મુજબ આકર્ષક પેકેજિંગ બનાવે છે.
કંપનીના આર્થિક આંકડા પર નજર કરીએ તો,,વર્ષ 2025 માં કંપનીને 6.68 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો હતો અને તેની કુલ આવક 50.28 કરોડ રૂપિયા નોંધાઈ હતી.લેટેસ્ટ ડેટા મુજબ, નાણાકીય વર્ષ 2026 (એપ્રિલ-ડિસેમ્બર 2025 ના સમયગાળામાં) કંપનીએ 5.48 કરોડ રૂપિયાનો નફો કમાયો છે અને તેની આવક 40.90 કરોડ રૂપિયા રહી છે. ડિસેમ્બર 2025 ના અંત સુધીના ડેટા પ્રમાણે, કંપની પર કુલ 17.16 કરોડ રૂપિયાનું દેવું હતું, જ્યારે કંપનીના રિઝર્વ અને સરપ્લસ ખાતામાં 12.82 કરોડ રૂપિયા જમા હતા.
ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સ્ટોક પર્ફોમન્સ પર આધારિત છે. એ નોંધવું અગત્યનું છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે, પૈસાનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. મનીકંટ્રોલ ક્યારેય કોઈને અહીં પૈસા રોકવાની સલાહ આપતું નથી.