Zepto IPO: ઝેપ્ટો લાવશે 8010 કરોડનો મહાકાય IPO, કંપનીએ SEBI માં જમા કરાવ્યો ડ્રાફ્ટ
ક્વિક કોમર્સ સેક્ટરની જાણીતી કંપની ઝેપ્ટો ભારતીય શેરબજારમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે. કંપનીએ SEBI પાસે ડ્રાફ્ટ જમા કર્યો છે જેમાં 8010 કરોડના ફ્રેશ ઇશ્યૂ દ્વારા મોટા રોકાણની તક મળશે.
ઝેપ્ટો દ્વારા SEBI માં જે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) જમા કરાવવામાં આવ્યો છે, તેના પ્રમાણે કંપની 5 ની ફેસ વેલ્યૂવાળા વધુમાં વધુ 1,60,20,000 નવા શેર બજારમાં મુકશે.
Zepto IPO: ઝડપી ગ્રોસરી ડિલિવરી માટે જાણીતી ક્વિક કોમર્સ કંપની ઝેપ્ટો હવે શેરબજારમાં ધમાકેદાર એન્ટ્રી કરવાની તૈયારીમાં છે. દેશના ક્વિક કોમર્સ માર્કેટમાં તીવ્ર સ્પર્ધા વચ્ચે ઝેપ્ટો સતત પોતાનો વ્યાપ વધારી રહી છે. આ દિશામાં એક મોટું પગલું ભરતા કંપનીએ માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા સમક્ષ પોતાના આવનારા IPO માટેનો અપડેટેડ ડ્રાફ્ટ ફાઈલ કરી દીધો છે.
કન્ઝ્યુમર ઇન્ટરનેટ અને ન્યૂ-એજ ટેકનોલોજી કંપનીઓમાં રોકાણકારોનો રસ સતત વધી રહ્યો છે. માર્કેટના આ પોઝિટિવ ટ્રેન્ડ વચ્ચે ઝેપ્ટોનો આઇપીઓ આ વર્ષે લિસ્ટ થનારી સૌથી મોટી ટેકનોલોજી કંપનીઓમાં સામેલ થઈ શકે છે.
IPO ની સાઈઝ અને શેર્સની વિગતો
ઝેપ્ટો દ્વારા SEBI માં જે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ જમા કરાવવામાં આવ્યો છે, તેના પ્રમાણે કંપની 5 ની ફેસ વેલ્યૂવાળા વધુમાં વધુ 1,60,20,000 નવા શેર બજારમાં મુકશે. આ ફ્રેશ ઇશ્યૂની કુલ વેલ્યૂ આશરે 8010 કરોડ જેટલી થવાનો અંદાજ છે.
આ સાથે જ ડ્રાફ્ટમાં ઓફર ફોર સેલનો પણ પ્રસ્તાવ મુકાયો છે. ફ્રેશ ઇશ્યૂ અને ઓફર ફોર સેલ બંનેને જોડીને આ IPO ની કુલ સાઈઝ આશરે 9000 થી 10000 કરોડ સુધી પહોંચી શકે છે. જોકે ઓફર ફોર સેલની ચોક્કસ સાઈઝ બાબતે અંતિમ નિર્ણય IPO લોન્ચ થવાની તારીખ નજીક આવશે ત્યારે લેવામાં આવશે.
OFS માં કોણ વેચશે પોતાનો હિસ્સો?
ઓફર ફોર સેલ વિન્ડો હેઠળ કંપનીના વર્તમાન અને શરૂઆતી રોકાણકારો પોતાની હિસ્સેદારી ઘટાડશે. આ ડ્રાફ્ટ મુજબ નીચે મુજબની કંપનીઓ પોતાના શેર વેચી શકે છે:
નેક્સસ વેન્ચર્સ VI હોલ્ડિંગ્સ
નેક્સસ વેન્ચર્સ VII હોલ્ડિંગ્સ
કોન્ટ્રેરી ઝેપ હોલ્ડિંગ્સ
રેઝર વેન્ચર્સ ઝેપ્ટો
કૈસર ફાઉન્ડેશન હોસ્પિટલ્સ
કૈસર પરમાનેન્ટે ગ્રુપ ટ્રસ્ટ
કંપની ક્યાં વાપરશે IPO ના પૈસા?
રોકાણકારોના મનમાં હંમેશા સવાલ હોય છે કે કંપની ભેગા કરેલા ફંડનો ઉપયોગ કયા કાર્યોમાં કરશે. ઝેપ્ટોએ પોતાના ડ્રાફ્ટમાં ભંડોળના ઉપયોગની સ્પષ્ટ માહિતી આપી છે.
ઓફર ફોર સેલ દ્વારા જે રકમ મળશે તે સીધી શેર વેચનારા જૂના રોકાણકારોને મળશે. જ્યારે નવા શેર એટલે કે ફ્રેશ ઇશ્યૂ દ્વારા ઊભા થનારા 8010 કરોડ કંપનીના ખાતામાં જશે. કંપની આ મોટી રકમનો ઉપયોગ પોતાના બિઝનેસ ગ્રોથ માટે કરશે. આ ફંડમાંથી સૌથી મોટો હિસ્સો કંપનીનું ડાર્ક સ્ટોર નેટવર્ક વધારવા અને જૂના ડાર્ક સ્ટોર્સના લીઝ રેન્ટની ચુકવણી કરવા માટે વપરાશે.
આ ઉપરાંત ટેક્નોલોજી અને ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવા માટે પણ જંગી રોકાણ કરવામાં આવશે. કંપની પોતાની પેટા-કંપની 'ઝેપ્ટો માર્કેટપ્લેસ પ્રાઈવેટ લિમિટેડ' મારફતે માર્કેટિંગ અને બિઝનેસ પ્રમોશન, ભવિષ્યમાં કંપનીની અન્ય કોઈ બ્રાન્ડ ખરીદી અને અન્ય કોર્પોરેટ જરૂરિયાતોને પહોંચી વળવા માટે આ રકમનો ઉપયોગ કરશે.
ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સ્ટોક પર્ફોમન્સ પર આધારિત છે. એ નોંધવું અગત્યનું છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે, પૈસાનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. મનીકંટ્રોલ ક્યારેય કોઈને અહીં પૈસા રોકવાની સલાહ આપતું નથી.