આ અદ્યતન કેમેરાનું વજન માત્ર 3 કિલો છે. તેને માત્ર 12 મહિનાના ટૂંકા ગાળામાં સંપૂર્ણ સ્વદેશી ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવ્યો છે.
Tapas-1 thermal camera: સ્પેસ ટેકનોલોજીના ક્ષેત્રમાં ગુજરાત એક નવો અને સુવર્ણ ઇતિહાસ રચવા જઈ રહ્યું છે. અમદાવાદની એક સ્થાનિક સ્ટાર્ટઅપ કંપનીએ પોતાની મહેનત અને ટેલેન્ટથી 'તપસ-1' (Tapas-1) નામનો એક અત્યાધુનિક થર્મલ ઈન્ફ્રારેડ અર્થ ઓબ્ઝર્વેશન પેલોડ કેમેરા તૈયાર કર્યો છે. આ કેમેરા 1 ઓક્ટોબરના રોજ અમેરિકાથી ફાલ્કન 9 રોકેટ મારફતે અંતરિક્ષમાં લોન્ચ કરવામાં આવશે. આ લોન્ચિંગ સાથે જ ગુજરાતનું નામ ગ્લોબલ સ્પેસ ઇન્ડસ્ટ્રીમાં ચમકશે.
તપસ-1 કેમેરાની મુખ્ય ખાસિયતો
વજન અને સમય: આ અદ્યતન કેમેરાનું વજન માત્ર 3 કિલો છે. તેને માત્ર 12 મહિનાના ટૂંકા ગાળામાં સંપૂર્ણ સ્વદેશી ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવ્યો છે.
ક્યાં ગોઠવાશે? લોન્ચિંગ બાદ આ કેમેરાને પૃથ્વીની સપાટીથી આશરે 500 કિલોમીટરની ઊંચાઈ પર ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવશે.
કેટલો સમય કામ કરશે? આ કેમેરા સ્પેસમાં આશરે 3 વર્ષ સુધી કાર્યરત રહેશે અને પૃથ્વી પર સતત ડેટા મોકલતો રહેશે.
સ્પેસટેક ક્ષેત્રે ગુજરાતે વગાડ્યો ડંકો; ગુજરાતી સ્ટાર્ટઅપે તૈયાર કરેલો થર્મલ ઈન્ફ્રારેડ કેમેરા તા. 1 ઓક્ટોબરે અંતરિક્ષમાં થશે લૉન્ચ... સ્પેસટેક ક્ષેત્રે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત હવે દેશમાં અગ્રણી ભૂમિકા ભજવવા માટે તૈયાર, ‘મેક ઇન ઇન્ડિયા’ અને… pic.twitter.com/vb2FSRPzau
તમને જાણીને નવાઈ લાગશે કે માત્ર 3 કિલો વજન ધરાવતો આ કેમેરા પૃથ્વીના થર્મોમીટર તરીકે કામ કરશે. સામાન્ય સેટેલાઇટ કેમેરા જે ગરમી કે તાપમાનનો નાનો તફાવત નથી જોઈ શકતા, તેની આ કેમેરા અત્યંત હાઈ રિઝોલ્યુશન અને અતિ સૂક્ષ્મ તસવીરો લઈ શકશે. પૃથ્વી પરથી નીકળતા થર્મલ ઈન્ફ્રારેડ રેડિયેશનને કેપ્ચર કર્યા બાદ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની મદદથી તેનું ખૂબ જ ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવશે. આનાથી પૃથ્વી પર તાપમાનમાં થતા નાનામાં નાના ફેરફારોની પણ સચોટ માહિતી મળશે.
ખેતી અને હવામાન ક્ષેત્રે ક્રાંતિ લાવશે
આ થર્મલ મોનિટરિંગનો સૌથી મોટો ફાયદો આપણા કૃષિ ક્ષેત્રને થવાનો છે. ખેતીલાયક જમીન અને પાકમાં તાપમાનના કારણે કેવા ફેરફારો થઈ રહ્યા છે, તેની રિયલ-ટાઇમ અને સચોટ માહિતી આ કેમેરા દ્વારા મળશે. જમીનનું ભેજ અને પાકની સ્થિતિ જાણવામાં આ ડેટા ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
ગુજરાત માટે આ લોન્ચિંગ માત્ર એક ટેકનિકલ સિદ્ધિ નથી, પરંતુ તે સ્થાનિક સ્ટાર્ટઅપ્સની તાકાતનો પુરાવો છે. અમદાવાદના યુવા વૈજ્ઞાનિકોએ સાબિત કરી દીધું છે કે સ્પેસ ટેકનોલોજીમાં આપણે કોઈનાથી પાછળ નથી. આગામી સમયમાં આવા પ્રોજેક્ટ્સ થકી ગુજરાત સ્પેસ રિસર્ચ ક્ષેત્રે એક મોટું હબ બની શકે છે.