ભારતીય પાયલટની શૌર્યગાથા: ચાકુ વાગવા છતાં સ્મિત મચ્છારે કોકપિટનો દરવાજો ખોલ્યો અને 174 લોકોના જીવ બચાવ્યા! | Moneycontrol Gujarati
Get App

ભારતીય પાયલટની શૌર્યગાથા: ચાકુ વાગવા છતાં સ્મિત મચ્છારે કોકપિટનો દરવાજો ખોલ્યો અને 174 લોકોના જીવ બચાવ્યા!

Captain Smit Machchhar: ફ્લાયદુબઈની ફ્લાઈટમાં ઓમાની કો-પાયલટે કરેલા ચાકુ હુમલા છતાં ભારતીય કેપ્ટન સ્મિત મચ્છારે 174 લોકોના જીવ બચાવ્યા. જાણો હવામાં 34,000 ફૂટની ઊંચાઈએ શું થયું હતું.

અપડેટેડ 10:32:12 AM Oct 01, 2026 પર
Story continues below Advertisement
Flydubaiનું બોઈંગ 737 MAX 8 પ્લેન (ફ્લાઈટ FZ1073) દુબઈથી ઊડ્યું હતું. લગભગ અઢી કલાક સુધી બધું જ સામાન્ય હતું. પરંતુ અચાનક કોકપિટમાં ઓમાનના કો-પાયલટે કેપ્ટન સ્મિત મચ્છાર પર ચાકુથી જીવલેણ હુમલો કરી દીધો.

Captain Smit Machchhar: ફ્લાયદુબઈની દુબઈથી ઈઝરાયલના તેલ અવીવ જતી ફ્લાઈટમાં 30 સપ્ટેમ્બર, 2026 ના રોજ જે કંઈ થયું તે કોઈ ફિલ્મી સ્ટોરીથી કમ નહોતું. હવામાં 34,000 ફૂટની ઊંચાઈએ મોત સામે ઊભું હતું, પરંતુ ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છારે પોતાની અદભુત બહાદુરીથી વિમાનમાં સવાર 174 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સના જીવ બચાવી લીધા.

અચાનક હજારો ફૂટ નીચે ખાબકવા લાગ્યું પ્લેન

Flydubaiનું બોઈંગ 737 MAX 8 પ્લેન (ફ્લાઈટ FZ1073) દુબઈથી ઊડ્યું હતું. લગભગ અઢી કલાક સુધી બધું જ સામાન્ય હતું. પરંતુ અચાનક કોકપિટમાં ઓમાનના કો-પાયલટે કેપ્ટન સ્મિત મચ્છાર પર ચાકુથી જીવલેણ હુમલો કરી દીધો. તેનો ઈરાદો પ્લેનને ક્રેશ કરવાનો કે મોટો આતંકી હુમલો કરવાનો હોવાની આશંકા છે. આ જીવલેણ ઝપાઝપી વચ્ચે પ્લેન ગણતરીની મિનિટોમાં જ 17,000 ફૂટ જેટલું નીચે ખાબક્યું, જેનાથી મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. ખતરો પારખીને પ્લેનમાંથી 7700 અને ત્યારબાદ હાઈજેકિંગની સ્થિતિ દર્શાવતો 7500 ઈમરજન્સી કોડ સિગ્નલ પણ આપવામાં આવ્યો હતો.

લોહીલુહાણ હાલતમાં ખોલ્યો કોકપિટનો દરવાજો

કો-પાયલટના અણધાર્યા હુમલામાં કેપ્ટન સ્મિત ગંભીર રીતે ઘાયલ થયા હતા અને લોહીથી લથબથ થઈને ફ્લોર પર પડી ગયા હતા. આમ છતાં, તેમણે હિંમત હારી નહીં. તેમણે પોતાની આખરી તાકાત ભેગી કરીને કોકપિટનો લોક થયેલો દરવાજો ખોલી નાખ્યો. તેમનો આ એક નિર્ણય પ્લેનમાં બેઠેલા તમામ લોકો માટે જીવતદાન સાબિત થયો.


મુસાફરોએ હુમલાવરને પકડ્યો અને પ્લેનનું કંટ્રોલ સંભાળ્યું

દરવાજો ખૂલતા જ યાનીવ હયુન જેવા કેટલાક બહાદુર ઈઝરાયલી મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ કોકપિટની અંદર ધસી ગયા. તેમણે હુમલાખોર કો-પાયલટને પકડી લીધો અને તેને દોરડાથી બાંધી દીધો. આ જ પ્લેનમાં પેસેન્જર તરીકે મુસાફરી કરી રહેલા અન્ય રિઝર્વ પાયલટોએ તરત જ કંટ્રોલ સંભાળી લીધો અને પ્લેનને સંતુલિત કર્યું. ત્યારબાદ સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ પર પ્લેનનું સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું.

કોણ છે કેપ્ટન સ્મિત મચ્છાર?

કેપ્ટન સ્મિત મચ્છાર મૂળ ગુજરાતના છે અને તેમની પાસે કોમર્શિયલ એવિએશનનો 13 વર્ષથી વધુનો બહોળો અનુભવ છે. તેમણે અગાઉ 11 વર્ષ સુધી સ્પાઈસજેટમાં પોતાની સેવાઓ આપી હતી અને જૂન 2022 માં તેઓ Flydubaiમાં જોડાયા હતા. હાલ તેઓ સાઉદી અરેબિયાની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ એકદમ સ્થિર છે.

ખાસ હાઈલાઈટ્સ

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કેપ્ટન સ્મિત મચ્છારને સાચા HERO ગણાવ્યા છે અને તેમના અદમ્ય સાહસના દિલથી વખાણ કર્યા છે.

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ આ હુમલાને નિષ્ફળ બનાવવા બદલ ભારતીય કેપ્ટન અને મુસાફરોનો વિશેષ આભાર માન્યો હતો.

મુસાફરોને થોડા કલાકો બાદ બીજા પ્લેન મારફતે સુરક્ષિત રીતે ઈઝરાયલ પહોંચાડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો- લાઈફ ઈન્સ્યોરન્સ લેનારાઓ માટે ખુશખબર! IRDAIના નવા નિયમથી ગ્રાહકોને મળશે 1% સુધી વધુ રિટર્ન, એજન્ટોના કમિશન પર લાગશે કાપ

આ ઘટના પાછળનો હુમલાવરનો અસલી મનસૂબો શું હતો તેની સાઉદી અરેબિયા અને ઈઝરાયલી ઓથોરિટી દ્વારા ઊંડી તપાસ ચાલી રહી છે. પરંતુ એટલું ચોક્કસ છે કે જો કેપ્ટન સ્મિત મચ્છારે સમયસૂચકતા ન વાપરી હોત અને પોતાની જાનની બાજી ન લગાવી હોત, તો આજે દુનિયાએ એક બહુ મોટી વિમાની દુર્ઘટના જોવી પડી હોત. સાચા અર્થમાં તેઓ રિયલ લાઈફ હીરો સાબિત થયા છે.

 

 

MoneyControl News

MoneyControl News

First Published: Oct 01, 2026 10:30 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.